મારવામાં કોઈને રસ છે તો જિવાડવામાં પણ કોઈને રસ છે  - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • મારવામાં કોઈને રસ છે તો જિવાડવામાં પણ કોઈને રસ છે 

મારવામાં કોઈને રસ છે તો જિવાડવામાં પણ કોઈને રસ છે 

 | 3:00 am IST
  • Share

વિનય અને વિવેકપૂર્વકની દામનકની ચેષ્ટા જોઈને મોટા મુનિએ ઘરમાંથી બહાર નીકળીને નાના મુનિને કહ્યું, ‘આ માણસ ભવિષ્યમાં આ ઘરનો માલિક બનશે.

આઠ વર્ષનો બાળક દામનક ગમે તેમ કરીને ઘરમાંથી નીકળવામાં સફળ થયો. એની પાસે બીજો કોઈ માર્ગ પણ ક્યાં હતો? જિજીવિષા પ્રબળ હોય તો માણસ સ્વયં માર્ગ શોધે છે.

દામનકના મનમાં ચિંતા છે. ક્યાંક કોઈ મને જોઈ જશે તો જીવતો નહીં રહેવા દે. જલદી આ ગામની સીમા વટાવી દઉં પછી નિરાંત. બીજા ગામમાં તો મને કોઈ ઓળખશે નહીં. શાંતિથી જીવવામાં કોઈ બાધા આવશે નહીં.

હતી એટલી શક્તિ ભેગી કરીને એ તો આગળ વધે છે. થોડી થોડી વારે પાછળ નજર કરી લે છે. કોઈ આવતું તો નથીને.

આગળ વધતા વધતા એ તો એક મોટા નગરમાં પહોંચ્યો છે. નગરમાં આંટા મારે છે કોઈ રોટલાના ટુકડા આપે છે એ લઈને પેટ ભરી લે છે. તળાવનું પાણી પીને ચલાવી લે છે.

માણસના ભાગ્ય આડેનું પાંદડું ક્યારે ખરશે એ કંઈ કહી શકાય નહીં.

નગરમાં સાગરદત્ત નામના એક શેઠ રહેતા હતા. ઉદાર અને દયાળુ હતા. દુઃખી માણસને જોઈને એમનું દિલ દુભાતું. એનું દર્દ દૂર કરવા માટે એ કંઈ પણ કરવા તત્પર રહેતા.

સાગરદત્તની નજરમાં એક દિવસ આ દામનક આવી ગયો. આટલી નાની ઉંમરમાં આ માણસને આવી રીતે જીવન વિતાવવું પડે છે. મુક્તમને રમત-ગમત કરવાના સમયે આ બાળકને રોટલાના ટુકડા માટે આવો સંઘર્ષ કરવો પડે છે. નવાં નવાં કપડાં પહેરીને ફરવાના સમયે આ બિચારાને મેલાં કપડાં પહેરીને ચલાવવું પડે છે.

સાગરદત્તના મનમાં એ સમયે વિચાર આવ્યો. આ બાળકને હવે મારી સાથે જ લઈ જઉં. મારા ઘરે રહેશે તો ખાઈ-પીને તંદુરસ્ત રહેશે.

દામનક સાગરદત્તના ઘરે ગયો. સેવકોને આદેશ કર્યો. આ બાળકને સારી રીતે સ્નાન કરાવીને ચોખ્ખો કરી દો. સારાં કપડાં પહેરાવો અને ભોજન કરાવીને મારી પાસે લાવો.

તૈયાર થઈને આવેલા દામનકને જ્યારે શેઠે જોયો ત્યારે એ માની પણ શકતો નથી કે આ થોડી વાર પહેલાં હતો એ જ છે કે બીજો?

આ તો રાજકુમાર જેવો શોભે છે. 

દામનક ઘરના એક સભ્ય જેવો થઈ ગયો છે. ઘરમાં એ પોતાના અધિકારપૂર્વકનો વ્યવહાર કરી રહ્યો છે. ઘરના માણસો પણ એની સાથે કોઈ બીજો વિચાર કરી શકતા નથી.

એક દિવસ એક ઘટના બની છે. શેઠ સાગરદત્તના ઘરે આહાર ગ્રહણ કરવા માટે બે મુનિઓ પધાર્યા છે. સાગરદત્તના માણસોને કડક સૂચના અપાયેલી છે કે આપણા ઘરે કોઈ પણ મહાત્મા આવે એમની ભાવપૂર્વક ભક્તિ કરવાની. એમાં કોઈપણ જાતની કચાશ રાખવાની નથી. એમની આવશ્યક્તાનો કોઈએ અવળો વિચાર કરવાનો નથી.

દામનક નવો નવો જ આવેલો હતો. મહાત્માની ભાવપૂર્વક ભક્તિ કરે છે. એમને આવશ્યક ખાદ્ય સામગ્રી અર્પણ કરે છે. વિનય અને વિવેકપૂર્વકની એની ચેષ્ટા જોઈને મોટા મુનિએ ઘરમાંથી બહાર નીકળીને નાના મુનિને કહ્યું, ‘આ માણસ ભવિષ્યમાં આ ઘરનો માલિક બનશે.

પાછળ આવતા સાગરદત્તે મુનિના આ વાક્યને સાંભળ્યું. એ વિચાર કરે છે આ માણસ મારા ઘરનો માલિક કેવી રીતે બની શકે? આ વાત ચલાવી પણ શકાય નહીં. હવે આના માટે મારે સમયસર નિર્ણય લેવો જોઈએ. જે માણસના કુળ કે ગોત્રની પણ આપણને જાણ ન હોય એને ઘરનો માલિક બનાવવાની વાત કેવી રીતે સહન કરી શકાય?

હવે આના મગજમાં આ જ વાત ઘુમરાયા કરતી હતી. આનો ઉપાય શું કરવો?

છેવટે એણે નક્કી કર્યું. આ માણસને અહીંથી દૂર લઈ જઈને ખતમ કરી નાંખવો. ન રહે બાંસ ન બજે બાંસુરી.

એક માણસને આ કામ સોંપી દીધું. પૈસા પણ નક્કી કરી દીધા. એક દિવસ શેઠે દામનકને આદેશ કર્યો. દૂરના કોઈ ગામમાં સંદેશો આપવા તારે જવાનું છે.

દામનકને તો કોઈ વાતની જાણ જ નથી. એને તો શેઠના આદેશનું પાલન કરવાનું છે.

શેઠના આદેશ પ્રમાણે એ ઘરમાંથી નીકળ્યો. 

એનો પીછો કરવાવાળા બે માણસો એની પાછળ પાછળ ચાલવા લાગ્યા. લગભગ 10/12 માઈલ જેવા દૂર ગયા પછી એક ગાઢ જંગલમાં થઈને પસાર થવાનું હતું. એને કોઈ ચિંતા હતી નહીં. પોતાની પાસે કોઈ જોખમ ન હતું કે કોઈ પોતાનું દુશ્મન પણ ન હતું પછી ચિંતા શા માટે કરવાની હોય? અચાનક પાછળ આવી રહેલા પેલા બેમાંથી એકે એને પકડયો. ચલ તારી પાસે જે કંઈ પણ હોય એ અમને આપી દે.

મારી પાસે સંદેશાના આ પત્ર સિવાય અન્ય કશું છે નહીં અને આ સંદેશાને તમે શું કરશો?’

સાદાસીધા અને ભોળા એ માણસને જોઈને પેલા બેય માણસોને આના ઉપર દયા આવી.

એક ઝાડની સાથે એને બાંધ્યો તો ખરો. હવે એને મારવાની તૈયારી કરે છે ત્યારે એકે બીજાને કહ્યું. અત્યાર સુધી ઘણા માણસોને માર્યા છે, પણ આ માણસને મારવાનો જીવ ચાલતો નથી. કોઈના આદેશથી આપણે આવું કામ કરવું પડે છે, પણ આ નાનો છોકરો-એણે આપણું શું બગાડયું છે. અરે, આ કોઈનું પણ કશું બગાડી શકે એમ નથી, તો શા માટે એને મારવાનો આદેશ આપ્યો હશે? જવા દે આને મારવો નથી.

પેલો દામનક વિચાર કરે છે મારી સાથે આ કેવી ઘટના બની રહી છે? એની નજર સામેથી એના પોતાના જીવનની ઘટના પસાર થઈ રહી છે. પોતાનો જન્મ થયો. થોડા જ દિવસોમાં માતાનો દેહાંત થયો અને એક એક કરીને બધા પરલોક સિધાવી થઈ ગયા. એકમાત્ર હું બચ્યો હતો હવે મારે પણ એ જ માર્ગે આગળ વધવાનું, પણ કારણ? મારો એવો તે કેવો અપરાધ હશે કે કુદરત પણ મારી સાથે આવો વ્યવહાર કરે છે?’

પેલા માણસોએ આને પૂછયું, ‘તારે જીવવું છે?’ 

મરવાની તો કોની ઈચ્છા હોય? એ કહે છે તમારી દયા હોય તો મરવાની ઇચ્છા શા માટે હોય?’

અમારી એક શરત માને તો તને જીવતો જવા દઈએ.

પેલાના દિલમાં આશાનો સંચાર થયો. આપની શરત જણાવો, જે હશે તે પણ મરવા જેટલી તો કઠોર નહીં જ હોય.

ફરીને પાછા તારે આ તરફ આવવું નહીં. આટલી મારી વાત સ્વીકારે તો તને જીવતો છોડી દઈએ.

મને કંઈ એ નગરનો મોહ નથી. આપ જેમ કહેશો એમ કરીશ. હવે મારું જીવન અને મરણ આપના આધારે જ છે.

એનાં બંધન છોડી મૂકી એને કહી દીધું છે કે હવે તારે જ્યાં જવાની ઇચ્છા હોય ત્યાં જઈ શકે છે, પણ પાછો એ નગર તરફ ફરકતો નહીં અને જો આવીશ તો તારા અને અમારા જીવનને ભારે ખતરો છે.

આપનો ઘણોબધો આભાર.આટલું કહીને એ રવાના થઈ ગયો.

એને એક વિચાર આવી ગયો. મને મારવામાં કોઈને રસ છે તો મને જિવાડવામાં પણ કોઈને રસ હોવો જોઈએ. એ સિવાય આવી ઘટના બની શકે નહીં. જે હોય તે, પણ આના માટે આપણે ભગવાનનો ઉપકાર માનવો જોઈએ. એની કરુણાદૃષ્ટિ વગર આપણે જીવંત રહી શકીએ નહીં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો