મોટા ઉપાડે શરૃ થયેલો ઓલિમ્પિક હેમખેમ પૂરો થશે? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • મોટા ઉપાડે શરૃ થયેલો ઓલિમ્પિક હેમખેમ પૂરો થશે?

મોટા ઉપાડે શરૃ થયેલો ઓલિમ્પિક હેમખેમ પૂરો થશે?

 | 6:46 am IST
  • Share

 

 

 

લિમ્પિક ઇતિહાસનાં પાનાં ઉથલાવીએ તો ખબર પડે કે અગાઉ વિશ્વયુદ્ધના કારણે ઓલિમ્પિક રમતોત્સવ રદ થયો હતો, એ સિવાય કોઇ ક્યારેય ઓલિમ્પિકને અટકાવી શક્યું નથી. નરી આંખે જોઇ ન શકાય એવા કોરોના વાઇરસે ગયા વર્ષે ઓલિમ્પિક સામે લાલબત્તી ધરી દીધી હતી. કોરોનાએ આખી દુનિયામાં યુદ્ધ કરતાં પણ વધુ ખતરનાક સ્થિતિ પેદા કરી છે. એક વર્ષ મુલતવી રાખીને આખરે જાપાને કોરોના સામે લડી લેવાનું નક્કી કરી લીધું. ગમે તે થાય ઓલિમ્પિક તો યોજાશે જ એવું જાપાને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું. બીજા દેશોની વાત તો ઠીક છે, જાપાનના લોકોએ જ સરકાર સામે મોરચો માંડયો હતો. સે નો ટુ ઓલિમ્પિકનાં બેનરો હાથમાં લઇને જાપાનીઓએ જોરદાર દેખાવો કર્યા હતા. એક સરવેમાં એવું બહાર આવ્યું હતું કે, ૮૦ ટકા જાપાનીઓ નથી ઇચ્છતા કે, ઓલિમ્પિક યોજવામાં આવે. જાપાનીઓને ડર છે કે, ખેલાડીઓ તો આવશે અને ચાલ્યા જશે, જો આપણા દેશમાં કોરોનાએ ઉથલો માર્યો તો આપણી હાલત ખરાબ થઇ જશે. લોકોના આક્રોશ સામે જાપાનની સરકાર બધાને એવું કહીને કન્વીન્સ કરવાના પ્રયાસો કરી રહી છે કે, આપણે ક્યાં સુધી ડરતા રહેશું? હમણાં જ યુરોપિયન ફ્ૂટબોલ ચેમ્પિયનશિપ યુરો-૨૦૨૧ અને કોપા ફ્ૂટબોલ ટુર્નામેન્ટ યોજાઇ ગઇ. વિમ્બલ્ડન ને ફ્રેંચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ પણ થઇ ગઇ. ક્રિકેટ તો હવે ક્યાંક ને ક્યાંક ચાલતું જ હોય છે.  જો બીજી બધી ગેઇમ્સ રમાતી હોય તો ઓલિમ્પિક શા માટે અટકાવવી જોઇએ?

સામાન્ય સંજોગોમાં ઓલિમ્પિકનું ઉદ્ઘાટન ધમાકેદાર હોય છે. જાપાનના ટોકિયો શહેરમાં શુક્રવારે સાંજે શરૃ થયેલા ઓલિમ્પિકમાં દર વખત જેવી ઝાકમઝોળ નહોતી, છતાં આયોજકોએ ઉદ્ઘાટન સમારોહ બને એટલો સારો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ઓલિમ્પિકના બે દિવસ અગાઉ જ એવી વાત કરવામાં આવી હતી કે, ગમે ત્યારે ઓલિમ્પિક રદ થઇ શકે છે. ઓલિમ્પિક આગામી તારીખ ૮મી ઓગસ્ટ સુધી ચાલવાનો છે. જાપાનના સત્તાવાળાઓ અને ઓલિમ્પિકના આયોજકો સતત એવી જ પ્રાર્થનાઓ કરતા હશે કે કોઇ મોટા વિઘ્ન વગર ઓલિમ્પિકનું સમાપન થાય. ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ જીતનારા ખેલાડીઓ માટે સૌથી મોટી ક્ષણ એ હોય છે જ્યારે એમને મેડલ પહેરાવવામાં આવે. આ વખતે તો વિજતાઓનાં નસીબમાં એ નથી લખ્યું, તેમણે પોતાના હાથે જ ગળામાં મેડલ પહેરી લેવાનો છે!

ઓલિમ્પિક શરૃ થાય ત્યાં સુધીમાં તેની સાથે જોડાયેલા ૯૦ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જે લોકો કોરોના સંક્રમિત થયા છે એમાં વિદેશથી આવેલા ખેલાડીઓથી માંડીને ઓલિમ્પિકના સ્વયંસેવકો સુધીના લોકોનો સમાવેશ થાય છે. જે ખેલાડીઓ આવવાના છે તેનો રોજેરોજ કોરોના ટેસ્ટ થવાનો છે. આ મુદ્દે પણ ઘણાં બધાં કન્ફ્યુઝનો છે. માનો કે કોઇ ખેલાડી પહેલા અને બીજા રાઉન્ડમાં વિજેતા બન્યો છે અને પછી જો એ કોરોના પોઝિટિવ આવે તો શું તમે એને નહીં આગળ નહીં રમવા દો? આઇડિયલી તો એથ્લિટને આઇસોલેટ કરી દેવામાં આવશે પણ એને રમવા ન દેવાય તો એને અન્યાય નહીં થાય? ખેલાડીઓમાં જ એવો ગણગણાટ થઇ રહ્યો છે કે, આ વખતે ઓલિમ્પિકમાં માત્ર આપણી મહેનત, આવડત કે સખત પ્રેક્ટિસ જ કામ લાગવાની નથી, આપણાં નસીબ પણ કામ કરશે. તમને જો કોરોના થઇ ગયો તો ગયા કામથી!

આયોજકો પણ ધ્યાન રાખી રાખીને કેટલું રાખશે? અમુક ઇવેન્ટ્સમાં પ્રેક્ષકોને પ્રવેશ મળવાનો નથી. અમુક ગેઇમ્સ વખતે મર્યાદિત લોકોને આવવા દેવાશે. ઓલિમ્પિક હોય ત્યારે આખી દુનિયામાંથી લોકો ઠલવાય છે. મોટી સંખ્યામાં સ્પોર્ટ્સ ફ્ેન્સ આવતા હોવાથી ટૂરિઝમ અને બીજા ધંધા-વ્યવસાયને પણ જબરજસ્ત બૂસ્ટઅપ મળે છે. ઓલિમ્પિકની સાથે ઘણાં ન્યૂસન્સ પણ જોડાયેલાં હોય છે. જ્યાં લોકો ભેગા થવાના હોય ત્યાં એમના દરેક સારા-ખરાબ શોખ પૂરા કરનારાઓ પણ પહોંચી જ જતા હોય છે. સેક્સથી માંડીને ડ્રગ્સ સુધીના કારોબાર પણ ધમધમવા લાગે છે. કોરોનાને ફ્ેલાવવા માટે આવાં તત્ત્વો પણ કારણભૂત બની શકે છે. જાપાનની સરકાર કહે છે કે, આવા ધંધાઓ બંધ થાય એ માટે અમે સક્રિય છીએ. માફ્યિાઓ એમ શાંત રહે એવા નથી. એ કોઇ પણ રીતે ઘૂસી જવાના છે. જાપાનીઝ માફ્યિાનું નેટવર્ક પણ જબરજસ્ત હોય છે. એ લોકોએ તો ક્યારનીયે પોતાની જાળ પાથરી રાખી છે. જાપાનના એક માફ્યિાએ કહ્યું હતું કે, અમે પણ આખરે તો એન્ટરટેઇનર જ છીએ. લોકો ઓલિમ્પિક જોવા આવવાના નામે મજા કરવા જ આવે છે. અમે તેમની મજામાં થોડોક વધારો કરીએ છીએ.

જાપાનના લોકોને ટેન્શન છે કે, ક્યાંય ઓલિમ્પિક આપણા માટે આફત રૃપ સાબિત ન થઇ જાય! મજાની વાત તો એ છે કે, જાપાનની સરકારે પોતાના દેશના લોકોને એવી વિનંતી કરી છે કે તમે બધા કામ સિવાય બહાર ન નીકળતા. તમારું ધ્યાન રાખજો. જાપાનમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૮ લાખ ૫૮ હજાર પાંચસોથી વધુ કેસો નોંધાયા છે. કોરોનાના કારણે ૧૫ હજાર એક સો જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાથી દેશના લોકોને બચાવવા માટે જાપાનની સરકારે વેક્સિનેશનનું કામ પણ પૂરી ક્ષમતા સાથે શરૃ કર્યું હતું. આમ છતાં હજુ સુધીમાં જાપાનના ૩૫ ટકા લોકોને જ કોરોનાની વેક્સિન આપી શકાય છે. વેક્સિનના બંને ડોઝ અપાઇ ગયા હોય એવા લોકો ૨૩ ટકા છે. જાપાને માત્ર ફઇઝર વેક્સિનને જ મંજૂરી આપી છે. જાપાનમાં વૃદ્ધોની વસતી બહુ મોટી છે. એ લોકોનું ધ્યાન રાખવાનો મોટો પડકાર જાપાનની સરકાર સામે છે.

ઓલિમ્પિક મેડલ જીતવા માટે ખેલાડીઓ વર્ષોથી મહેનત કરતા હોય છે. ઓલિમ્પિક માટે ક્વોલિફય થનારાઓ પણ પોતાને નસીબદાર સમજતા હોય છે. આપણા દેશના ખેલાડીઓ પણ ઊંચી આશાએ જાપાન પહોંચ્યા છે. ઓલિમ્પિકમાં આપણો દેશ ખાસ કંઇ ઉકાળી શકતો નથી, એટલે જ એકાદ ગોલ્ડમેડલ અને થોડાક સિલ્વર કે બ્રોન્ઝ મેડલ મળી જાય તો આપણે રાજીરાજી થઇ જઇએ છીએ. દરેક ભારતીયની અંદરથી એવી ઇચ્છા તો હોય જ છે કે, ઓલિમ્પિકમાં ત્રિરંગો પણ શાનથી લહેરાય. ઓલિમ્પિકમાં ભાગ લેવા ગયેલા આપણા દેશના ખેલાડીઓના ઉત્સાહમાં વધારો કરવા રીતસરની કેમ્પેન ચલાવવામાં આવી છે. થોડા સમય અગાઉ સ્પોર્ટ્સ મિનિસ્ટર બનેલા અનુરાગ ઠાકુરે સંગીતકાર એ.આર. રહેમાને તૈયાર કરેલું થીમ સોંગ ચિયર ફેર ઇન્ડિયા રિલીઝ કર્યું. આપણા ખેલાડીઓ આ વખતે વધુ મેડલ લાવે એ સાથે આખો ઓલિમ્પિક શાંતિથી, રંગેચંગે અને કોરોનાથી કોઇ ખલેલ ઊભી ન થાય એવી રીતે પૂરો થાય એવી આશા રાખીએ.

 

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન