યેદિયુરપ્પાને હટાવવા પાછળ ભાજપની ગણતરી શું છે? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • યેદિયુરપ્પાને હટાવવા પાછળ ભાજપની ગણતરી શું છે?

યેદિયુરપ્પાને હટાવવા પાછળ ભાજપની ગણતરી શું છે?

 | 8:13 am IST
  • Share

એકસ્ટ્રા કોમેન્ટ : કૃષ્ણકાંત ઉનડકટ

કર્ણાટકના મુખ્યમંત્રીપદેથી બી.એસ. યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યું એનાથી આમ તો કોઇને ખાસ કંઈ આશ્ચર્ય થયું નથી. છેલ્લા કેટલાયે દિવસોથી એવી વાતો ચાલતી જ હતી કે, યેદિયુરપ્પાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. રવિવારે ખુદ યેદિયુરપ્પાએ જ એવું કહી દીધું હતું કે, ઉપરથી આદેશ આવે એની જ રાહ જોઈ રહ્યો છું. ચાર વખત મુખ્યમંત્રી બનેલા યેદિયુરપ્પાની કર્ણાટકના રાજકારણ ઉપર જબરજસ્ત પકડ રહી છે. ભારતીય જનતા પક્ષ માટે દક્ષિણ ભારતના દરવાજા ખોલવાનો યશ પણ યેદિયુરપ્પાના ફળે જાય છે. ૨૦૦૮માં તેમણે કર્ણાટકમાં ભાજપને જબરજસ્ત જીત અપાવી હતી. હવે જ્યારે યેદિયુરપ્પાની વિદાય થઇ ગઇ છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, યેદિયુરપ્પાને હટાવવા પાછળ ભાજપની ગણતરી શું છે? કર્ણાટક વિધાનસભાની ચૂંટણી મે, ૨૦૨૩માં થવાની છે. એ હિસાબે ચૂંટણી આડે હજુ એક વર્ષ અને નવ મહિના જેટલો સમય છે. આ સમય સુધીમાં ભાજપે કર્ણાટકમાં પોતાની ઇમેજ બદલવી છે.

યેદિયુરપ્પાની ઉંમર ૭૮ વર્ષની છે. કોઇપણ નેતા ૭૦ વર્ષના થાય એટલે ભાજપ તેને કાં તો ઘરે બેસાડી દે છે, કાં તો માર્ગદર્શક મંડળમાં મૂકીને શોભાના ગાંઠિયા બનાવી દે છે અથવા તો રાજ્યપાલ કે એવું બીજું કોઈ પદ આપીને તેને સાચવી લે છે. બે વર્ષ અગાઉ બરોબર ૨૬મી ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ યેદિયુરપ્પાને મુખ્યમંત્રી બનાવાયા ત્યારે તેઓ ૭૬ વર્ષના હતા. એ સમયે પણ ભાજપના વરિષ્ઠ નેતાઓમાં એવો ગણગણાટ થયો હતો કે, બીજા કોઇને તો આ ઉંમરે કોઇ મોટું પદ અપાતું નથી તો પછી યેદિયુરપ્પાને શા માટે? એ સમયે ભાજપે યેદિયુરપ્પાને સાચવવા પડે એમ હતા. આમ તો એ સમયે જ એવું નક્કી થઇ ગયું હતું કે, બે વર્ષ પછી યેદિયુરપ્પા મુખ્યમંત્રીની ખુરશી છોડી દેશે. ઉંમર તો એક કારણ હતું જ પણ ખરું કારણ સાવ જુદું જ હોય એવું પણ લાગી રહ્યું છે. ભાજપ બહુ લાંબી ગણતરીઓ કરીને આગળ વધે છે. એક વાત એવી છે કે, કર્ણાટકમાં જે લિંગાયત રાજકારણ છે એને બદલીને ભાજપ હિંદુ રાજકારણને આગળ ધરવા માંગે છે. સ્વાભાવિક રીતે જ એવું કરવાથી ભાજપને મોટો ફયદો થાય અને કર્ણાટકમાંથી ભાજપનાં મૂળિયાં કોઇ ઉખેડી ન શકે.

કર્ણાટકના રાજકારણમાં લિંગાયત સમુદાયનું વર્ચસ્વ રહ્યું છે. યેદિયુરપ્પા લિંગાયત સમાજના જબરજસ્ત નેતા છે. કર્ણાટકમાં લિંગાયતોની વસતી ૧૭ ટકા છે. વિધાનસભાની કુલ ૨૨૪ બેઠકોમાંથી ૧૦૦ જેટલી બેઠકો એવી છે જ્યાં લિંગાયતોના મતો હાર કે જીત નક્કી કરે છે. અગાઉ લિંગાયત સમુદાય કોંગ્રેસની સાથે હતો. લિંગાયત મુખ્યમંત્રીને હટાવવાનું પરિણામ કોંગ્રેસ આજેય કર્ણાટકમાં ભોગવી રહી છે. વાત છે ૧૯૮૯ની. લિંગાયત નેતા વિરેન્દ્ર પાટીલની આગેવાનીમાં કોંગ્રેસે ૨૨૪માંથી ૧૭૯ બેઠકો જીતીને ઐતિહાસિક જીત મેળવી હતી. વિરેન્દ્ર પાટીલ મુખ્યમંત્રી બન્યા હતા. એકાદ વર્ષમાં કર્ણાટકમાં કોમી તોફનો થયાં. તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ રાજીવ ગાંધીએ તોફનગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. બાદમાં રાજીવ ગાંધીએ મુખ્યમંત્રીપદેથી વિરેન્દ્ર પાટીલને હટાવી દીધા હતા. લિંગાયત મુખ્યમંત્રીને કોંગ્રેસે હટાવ્યા એ સાથે જ લિંગાયત સમુદાય કોંગ્રેસથી દૂર થઇ ગયો હતો. ભાજપે લિંગાયત યેદિયુરપ્પાને હટાવ્યા તો છે અને યેદિયુરપ્પાએ પણ એવું કહ્યું છે કે, એ ભાજપ માટે કામ કરતા રહેશે, છતાં પણ યેદિયુરપ્પાને હટાવવાનાં પરિણામો શું આવે છે એ તો જોવાનું રહેશે જ. યેદિયુરપ્પાના રાજીનામાની વાતો ચાલતી હતી ત્યારે જ એટલે કે રવિવારે લિંગાયત સમૂહના નેતાઓ અને લિંગાયત મઠના સ્વામીએ યેદિયુરપ્પાને એવો મેસેજ મોકલ્યો હતો કે, લિંગાયત સમાજ યેદિયુરપ્પાની સાથે છે. લિંગાયત મઠના સ્વામીએ એવું કહ્યું હતું કે, ૨૦૨૩ સુધી મુખ્યમંત્રી યેદિયુરપ્પા જ રહેશે. હજુ જોવાનું એ છે કે, નવા મુખ્યમંત્રી કયા સમુદાયના છે.

ભાજપની ગણતરી સમજવા જેવી છે. લિંગાયત રાજકારણ ઉપર મદાર રાખવો ભાજપ માટે ભવિષ્યમાં જોખમ પેદા કરી શકે છે. લિંગાયતમાં કોઇ નવો નેતા પાક્યો અને એ ભાજપની વિરુદ્ધનો હોય તો પ્રોબ્લેમ થઇ શકે છે. માની લો કે, એવું ન થાય અને લિંગાયત સમાજ ભાજપ સાથે જ રહે તો પણ લિંગાયતોની વસતી તો ૧૭ ટકા જ છે. ભાજપ કર્ણાટકના રાજકારણને માત્ર લિંગાયતના બદલે હિંદુ રાજકારણમાં ફ્ેરવવા ઇચ્છે છે. એવું કરવાથી લિંગાયતો તો સાથે રહેશે જ, બીજા હિંદુ સમુદાયો પણ ભાજપની નજીક આવશે એટલે ભાજપનો વિસ્તાર વધશે. આવું કરવામાં ભાજપ કેટલો સફ્ળ થાય છે એ પણ જોવાનું છે. ભાજપે યેદિયુરપ્પાને જેટલા સચવાય એટલા સાચવ્યા છે. અલબત્ત, રાજકારણીથી છેક છેલ્લા શ્વાસ સુધી રાજકારણ છૂટતું હોતું નથી. એમાંયે યેદિયુરપ્પા તો અત્યંત મહત્ત્વાકાંક્ષી માણસ રહ્યા છે. એ શાંતિથી બેસી શકશે કે કેમ એ સવાલ છે.

યેદિયુરપ્પાએ એની પોલિટિકલ કરિયરમાં ઘણી તડકીછાંયડી જોઈ છે. ૨૦૦૮માં યેદિયુરપ્પા મુખ્યમંત્રી બન્યા એ પછી તેમનું નામ ગેરરીતિમાં સારું એવું ચગ્યું હતું. સરકારી જમીનો તેમણે પોતાના દીકરાના ટ્રસ્ટને સોંપી દીધી હોવાના કેસો તેની સામે થયા હતા. આ ફ્રિયાદો બાદ ભાજપે મુખ્યમંત્રીપદેથી તેમનું રાજીનામું લઇ લીધું હતું. ઓક્ટોબર ૨૦૧૧માં યેદિયુરપ્પાએ ૨૩ દિવસ સુધી જેલમાં પણ રહેવું પડયું હતું. જેલમાંથી છૂટયા બાદ તેઓ થોડો સમય જ રાજકારણથી દૂર રહ્યા હતા. યેદિયુરપ્પાની છબિ ખરડાઇ એ પછી ભાજપે તેમને દૂર કરી દીધા હતા. ભાજપથી નારાજ થયેલા યેદિયુરપ્પાએ બાદમાં ભાજપથી છેડો ફડીને કર્ણાટક જનતા પક્ષ નામની પોતાની પાર્ટી બનાવી હતી. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને ભાજપે વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા એ પછી નરેન્દ્ર મોદીના આગ્રહથી યેદિયુરપ્પા ભાજપમાં પરત ર્ફ્યા હતા. ૨૦૧૮માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને ૨૨૪માંથી ૧૦૪ બેઠક મળી હતી. સરકાર બનાવવા માટે ભાજપને નવ બેઠકોનું છેટું રહી ગયું હતું. સૌથી મોટી પાર્ટી હોવાના કારણે રાજ્યપાલે યેદિયુરપ્પાને સરકાર બનાવવાનું આમંત્રણ આપી દીધું હતું. યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ પણ લઇ લીધા હતા. સામા પક્ષે કોંગ્રેસ અને જેડીએસે સાથે મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. મામલો સુપ્રીમ કોર્ટ સુધી ગયો હતો. યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકતા તેમણે રાજીનામું આપવું પડયું હતું. ૩૭ બેઠકો જ મેળવનાર જેડીએસ પાર્ટીના કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા હતા. આ બંનેની સરકાર લાંબું ટકી નહીં. એ સરકારને ગબડાવી દેવામાં પણ યેદિયુરપ્પાનું જ ભેજું હતું. કર્ણાટકના નવા મુખ્યમંત્રીએ ભાજપનો દબદબો જાળવી રાખવા માટે ખૂબ મહેનત કરવી પડશે. ભાજપનું પાણી મે ૨૦૨૩ની ચૂંટણીમાં મપાઈ જવાનું છે!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન