રોનાલ્ડોએ કારકિર્દીની 58મી હેટ્રિક નોંધાવી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Football
  • રોનાલ્ડોએ કારકિર્દીની 58મી હેટ્રિક નોંધાવી

રોનાલ્ડોએ કારકિર્દીની 58મી હેટ્રિક નોંધાવી

 | 4:00 am IST
  • Share

પોર્ટુગલે લક્ઝમબર્ગને 6-0થી પરાજય આપ્યો

ફિફા વર્લ્ડ કપ 2022 : ડેનમાર્ક ક્વોલિફાય થનાર બીજો દેશ બન્યો, ઇંગ્લેન્ડ અને હંગેરીનો મુકાબલો 1-1થી ડ્રો

પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વધુ એક હેટ્રિક નોંધાવીને પોતાની ટીમ પોર્ટુગલને વર્લ્ડ કપ ફૂટબોલ ક્વોલિફાયર મુકાબલામાં આસાન વિજય અપાવ્યો હતો. બીજી તરફ ડેનમાર્કે પણ વિજય મેળવીને કતાર ખાતે 2022માં રમાનારા ફિફા વર્લ્ડ કપ ફૂટબોલ માટે ક્વોલિફાય કરી લીધું હતું. યુરોપિયન ક્વોલિફાયર્સમાં ઇંગ્લેન્ડ અને હંગેરી વચ્ચે રમાયેલી મેચમાં પ્રેક્ષકોએ વિઘ્ન ઊભું કર્યું હતું. ફેરોમાં રમાયેલી મેચમાં રોનાલ્ડો કારકિર્દીની 58મી હેટ્રિક નોંધાવી હતી. આ સાથે તેના ઇન્ટરનેશનલ ગોલની સંખ્યા વિક્રમી 115 સુધી પહોંચી ગઈ હતી. રોનાલ્ડોની હેટ્રિક વડે પોર્ટુગલે લક્ઝમબર્ગને 5-0થી પરાજય આપ્યો હતો. પોતાની 182મી ઇન્ટરનેશનલ મેચ રમનાર રોનાલ્ડોએ પોર્ટુગલ તરફથી 10મી હેટ્રિક નોંધાવી હતી. તેણે આઠમી તથા 13મી મિનિટે ગોલ નોંધાવ્યા બાદ 87મી મિનિટે વધુ એક ગોલ કરીને હેટ્રિક પૂરી કરી હતી. પોર્ટુગલ માટે અન્ય બે ગોલ બ્રૂનો ફર્નાન્ડિઝે તથા જોઓ પાલિન્હોએ કર્યા હતા. ર્સિબયાએ અન્ય એક મેચમાં અઝહબૈજાનને 3-1થી પરાજય આપ્યો હતો. પોર્ટુગલ ગ્રૂપ-એમાં ર્સિબયા કરતાં પાછળ છે પરંતુ તેણે એક મેચ ઓછી રમી છે.

ડેનમાર્કે સતત આઠમો વિજય મેળવ્યો

યુરોપિયન ટીમોમાં વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરનાર ડેનમાર્ક બીજો દેશ બની ગયો છે. તેણે કોપેનહેગાનમાં રમાયેલી મેચમાં જોકિમ મેહલેએ બીજા હાફમાં કરેલા ગોલની મદદથી ઓસ્ટ્રિયાને 1-0થી હરાવ્યું હતું. ડેનમાર્કનો આ સતત આઠમો વિજય છે જેના કારણે તે ગ્રૂપ-એફમાં પોતાના પ્રથમ સ્થાને જળવાઈ રહ્યું હતું. જર્મની વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરનાર પ્રથમ દેશ બન્યો હતો. સ્કોટલેન્ડે ફેરો આઇલેન્ડને 1-0થી હરાવ્યું હતું અને તેણે ગ્રૂપમાં બીજું સ્થાન જાળવી રાખીને વર્લ્ડ કપ માટે પોતાનો દાવો મજબૂત કર્યો હતો. ત્રીજા સ્થાને રહેલી ઇઝરાયેલની ટીમે માલદોવાને 2-1થી પરાજય આપ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના આત્મઘાતી ગોલ વડે જાપાન 2-1થી જીત્યું

સિયોલ  : ઓસ્ટ્રેલિયાનો આત્મઘાતી ગોલ જાપાન માટે સંજીવની સમાન બની ગયો હતો જેના કારણે તેણે આગામી વર્ષે 2022માં કતાર ખાતે રમાનારા ફિફા વર્લ્ડ કપ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં સીધો પ્રવેશ કરવાની પોતાની આશા જીવંત રાખી છે. ઓસ્ટ્રેલિયાના ડિફેન્ડર અઝિઝ બેહિચે 85મી મિનિટે પોતાની ટીમના ગોલપોસ્ટમાં જ બોલ નાખી દીધો હતો જેના કારણે જાપાને 2-1થી વિજય હાંસલ કર્યો હતો. આ સાથે એશિયન વર્લ્ડ કપ ક્વોલિફાઇંગમાં ઓસ્ટ્રેલિયાના સતત 11 મેચ જીતવાનું વિજયી અભિયાન અટકી ગયું હતું. આ વિજય સાથે જાપાનના ચાર મેચમાં છ પોઇન્ટ થયા છે અને તે ગ્રૂપ-બીમાં સાઉદી અરબ કરતાં છ અને ઓસ્ટ્રેલિયા કરતાં ત્રણ પોઇન્ટ પાછળ છે.

સૈતામાં સ્ટેડિયમ ખાતે રમાયેલા મુકાબલામાં આઓ તનાકાએ જાપાન માટે પ્રથમ ગોલ કર્યો હતો. ત્યારબાદ એડિન રસ્ટિકે 70મી મિનિટે ગોલ કરીને ઓસ્ટ્રેલિયા માટે સ્કોર સરભર કર્યો હતો. જાપાન સતત સાતમા વર્લ્ડ કપમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા 2006થી પ્રત્યેક વર્લ્ડ કપમાં રમતું આવ્યું છે.

ઇંગ્લેન્ડની મેચમાં હંગેરીના પ્રેક્ષકોએ ધમાલ મચાવી

ઇંગ્લેન્ડ પાસે ક્વોલિફાય કરવાની તમામ તક હતી પરંતુ વેમ્બ્લી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં હંગેરી સામેની તેની મેચ 1-1થી ડ્રો થઈ હતી. આ મેચની શરૂઆતમાં પોલીસ કર્મચારીઓ તથા હંગેરીના સમર્થકો વચ્ચે માથાકૂટ થઈ હતી. હંગેરીના સમર્થકો રંગભેદના સંદર્ભમાં ટીકાઓ કરી રહ્યા હતા. ઇંગ્લેન્ડ ગ્રૂપ-આઇમાં ટોચના ક્રમે છે. બીજા ક્રમે રહેલી પોલેન્ડની ટીમે આલ્બેનિયાને 1-0થી, ગ્રૂપ-બીમાં સ્વીડને ગ્રીસને 2-0થી હરાવ્યું હતું. ગ્રૂપ-સીમાં સ્વિટ્ઝર્લેન્ડે લિથુએનિયાને 4-0થી હરાવીને પોતાનો પોઇન્ટ ઇટાલી જેટલા કર્યા હતા. ઇટાલી વધારે ગોલના કારણે આગળ છે.

સાઉદી અરબનો સતત ચોથો વિજય

સાઉદી અરબે જેદ્દાહ ખાતે ચીનને 3-2થી હરાવીને પોતાનો સતત ચોથો વિજય હાંસલ કર્યો હતો. ગ્રૂપની અન્ય એક મેચમાં ઓમાને વિયેતનામને 3-1થી હરાવીને ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું. ગ્રૂપ-એમાં ઇરાન અને સાઉથ કોરિયા વચ્ચે રમાયેલો મુકાબલો 1-1થી ડ્રો રહ્યો હતો. આ ગ્રૂપમાં ઇરાન ટોચના ક્રમે રહ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો