શતમ જીવમ શરદ : સારું જમો લાંબું જીવો - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • શતમ જીવમ શરદ : સારું જમો લાંબું જીવો

શતમ જીવમ શરદ : સારું જમો લાંબું જીવો

 | 1:00 am IST
  • Share

શરદ ઋતુમાં પ્રકુપિત થયેલા પિત્તના નિકાલ માટે વિરેચન કર્મ એ ઉત્તમ શોધન ક્રિયા છે. એટલે આ ઋતુમાં દર અઠવાડિયે એકાદ વખત સ્વાદિષ્ટ વિરેચન જેવાં ઔષધોથી હળવો જુલાબ લેવો જોઈએ

વર્ષાઋતુની સમાપ્તિ એટલે શીતકાળની ઋતુઓનો પ્રારંભ. શીતકાળની ઋતુઓ ત્રણ છે, શરદ, હેમંત અને શિશિર. જે ક્રમશઃ આસો માસથી શરૃ થાય છે. આસો અને કારતક એ બે શરદ ઋતુના મહિના છે. આ શરદ ઋતુથી જ ગુલાબી ઠંડીનો પ્રારંભ થાય છે. ઉત્તમ સ્વાસ્થ્ય અને રોગનાશક દૃષ્ટિએ શીતકાલીન આ ત્રણે ઋતુઓ સર્વશ્રેષ્ઠ છે. 

શરદ ઋતુ એ પિત્તપ્રકોપની ઋતુ છે. આ પ્રકુપિત થયેલા પિત્તની શાંતિ માટે જ આપણે શરદ પૂનમની શીતળ ચાંદનીમાં દૂધ-પૌંઆ ખાઈએ છીએ. આ દૂધ-પૌંઆ અને ખીર જેવાં પરમ પિત્ત શામક આહાર દ્રવ્યો છેક શ્રાદ્ધ પક્ષથી લઈને દેવદિવાળી સુધી ખાવાં જોઈએ. દૂધ, ભાત અને સાકર આ ત્રણે દ્રવ્યો પિત્તશામક છે અને એ ત્રણેમાંથી જ દૂધ-પૌંઆ અને ખીર બને છે. આમ, આ પિત્ત પ્રકોપક શરદ ઋતુમાં દૂધ-પૌંઆ અને ખીર ખાવા એ એક ઉત્તમ સ્વાસ્થ્યપ્રદ રિવાજ છે. 

શરદ ઋતુમાં પ્રકુપિત થયેલા પિત્તના નિકાલ માટે વિરેચન કર્મ એ ઉત્તમ શોધન ક્રિયા છે. એટલે આ ઋતુમાં દર અઠવાડિયે એકાદ વખત સ્વાદિષ્ટ વિરેચન જેવાં ઔષધોથી હળવો જુલાબ લેવો જોઈએ. આ રીતે પિત્તની શાંતિ અને શુદ્ધિ થવાથી પૈતિક વ્યાધિઓની ઉત્પત્તિ થતી નથી. 

આયુર્વેદ શીતકાલીન ત્રણે ઋતુ (શરદ, હેમંત અને શિશિર)માં નિયમિત અભ્યંગ (માલિશ) કરવાની સૂચના આપે છે. એટલે ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે શરદ ઋતુથી જ માલિશની શરૃઆત કરવી જોઈએ. જેમણે વજન વધારવું હોય, તેમણે તો સમગ્ર શીતકાળમાં નિયમિત માલીશ કરવી જોઈએ, પરંતુ અહીં એક બાબત યાદ રાખો કે પરસેવો વળી જાય એટલો યથાશક્તિ વ્યાયામ કર્યા પછી જ માલીશ કરવી. જેઓ દુર્બળ હોય અને વ્યાયામ ન કરી શકે તેમ હોય તેમણે સવારે ઠંડા પહોરમાં અથવા રાત્રે ચાંદનીમાં પગપાળા ફરવા જવું જોઈએ. નવરાત્રીના ગરબા એ આ શરદ ઋતુચર્યાનો જ એક ભાગ ગણી શકાય. 

દરેક પ્રકારની કસરત માટે પણ શીતકાલીન આ ત્રણ ઋતુઓ સર્વોત્તમ છે. એમાં વેઈટ ટ્રેનિંગ અને કુસ્તી જેવા ભારે વ્યાયામોથી લઈને પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર અને સમાધિ જેવી વ્યાયામની હળવી રીતોનો સમાવેશ થાય છે. સ્ત્રીઓને માટે આ ઋતુમાં દોરડાં કૂદવાં, એરોબિક્સ કે ગરબે ઘૂમવું, ચાલવા જવું, સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામ જેવા હળવા પ્રકારો અત્યંત લાભદાયક છે. 

આ ઋતુમાં માલીશ પછી નળના તાજા પાણીનું સ્નાન એ શરીરને માટે ઉત્તમ ટોનિક છે. મિથ્યા આહારવિહારનો આ ઋતુમાં સ્વાસ્થ્ય પર અનુચિત પ્રભાવ પડે છે. પ્રાતઃકાળે દ્રાક્ષનું પાણી અથવા એક ગ્લાસ પાણીમાં અડધા લીંબુનો રસ અને બે-ત્રણ ચમચી મધ મેળવીને પીવાથી પિત્તની શાંતિ થાય છે તથા સમગ્ર પાચનતંત્ર ઉત્તેજાય છે. 

આહારમાં ખીર, રોટલી, ભાત, સાકર, ફોતરાવાળી મગની દાળ, ગાયનું દૂધ અને ઘી વગેરે લેવા હિતાવહ છે. ચીકુ, સીતાફળ, કેળાં, સફરજન, શેરડી, દ્રાક્ષ, શિંગોડાં, આમળા, હરડે, સૂંઠ, ધાણા, જીરું, હળદર, મેથી, લવિંગ, કિસમિસ, વરિયાળી, નાળિયેર, દૂધી, કારેલાં, કોબીજ, પરવળ, સૂરણ વગેરે લઈ શકાય. 

મરચાં, અથાણાં, ફરસાણ (નવરાત્રી સમયે આરોગવામાં આવતા નાસ્તાનું ખાસ ધ્યાન રાખવું), રીંગણ, લસણ, તલ, મેંદાની ચીજો અને દહીં આહારમાં લેવાં નહીં. 

આ રીતે આયુર્વેદીય ઋતુચર્યાનું પાલન કરવાથી શતમ્ જીવમ શરદઃસો શરદ ઋતુ સુધી જીવી શકાય છે.   

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો