શિક્ષકોની ઘટ દૂર કરવા ખાસ કિસ્સામાં ફક્ત કચ્છ જિલ્લા માટે ભરતી કરવા કલેક્ટરે કરી દરખાસ્ત - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • શિક્ષકોની ઘટ દૂર કરવા ખાસ કિસ્સામાં ફક્ત કચ્છ જિલ્લા માટે ભરતી કરવા કલેક્ટરે કરી દરખાસ્ત

શિક્ષકોની ઘટ દૂર કરવા ખાસ કિસ્સામાં ફક્ત કચ્છ જિલ્લા માટે ભરતી કરવા કલેક્ટરે કરી દરખાસ્ત

 | 2:00 am IST
  • Share

સરહદી જિલ્લા કચ્છમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં મોટા પ્રમાણમાં શિક્ષકોની ઘટને લીધે ધો.૧૦ અને ધો.૧૨ ના બોર્ડની પરીક્ષાના પરિણામમાં ૩૦ ટકા કરતા ઓછા પરિણામવાળી શાળાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા વધે અને શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ભરાય તે માટે ૧૦ વર્ષના બોન્ડથી ફક્ત કચ્છ જિલ્લા માટે ખાસ ભરતી કરવા કલેક્ટરે શિક્ષણ કમિશનરને દરખાસ્ત કરી છે. શિક્ષણ કમિશનરે હકારાત્મક વણલ સાથે કલેક્ટરે કરેલી દરખાસ્તને શિક્ષણ વિભાગમાં મોકલી આપી છે.
કલેક્ટર પ્રવીણા ડી.કે.એ નિયામક શાળા કચેરી, ગાંધીનગરને કચ્છ જિલ્લામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાસ ભરતી કરવા દરખાસ્ત મોકલી આપી છે, જેમાં જણાવાયું છે કે, જિલ્લામાં કુલ ૧૩૮ સરકારી માધ્યમિક શાળા, ૧૦ સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા તેમજ ૪૦ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ મળી કુલ ૧૮૮ શાળાઓ છે. સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરે છે, ત્યારે કચ્છ જિલ્લાની શાળાઓ ઉમેદવારો પસંદ કરતા નથી અને પસંદ કરેલ શાળાઓમાં ઉમેદવાર હાજર થતા નથી કે હાજર થઈને બદલી કરાવીને પોતાના વતનમાં જતા રહે છે, પરિણામે કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ કાયમી રહે છે.
કચ્છ જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ મોટો જિલ્લો છે અને ભૌગોલિક દૃષ્ટિએ અંતરિયાળ ગણાય છે, અબડાસા અને લખપત તાલુકામાં શિક્ષકોની જગ્યાઓ કાયમી ખાલી રહે છે. તો રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભુજ, નખત્રાણા, માંડવી અને મુન્દ્રા તાલુકાઓમાં નજીકનાં ગામડાઓમાં જગ્યાઓ ભરાય છે અને થોડા સમયમાં જ બદલી થતાં વતનમાં જતા રહે છે. જેની સીધી અસર શિક્ષણ ઉપર પડે છે. ખાસ કરીને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા મુખ્ય વિષયોના શિક્ષકોની જગ્યાઓ મોટા પ્રમાણમાં ખાલી રહે છે, જેને લીધે બોર્ડનાં પરિણામાં ૩૦ ટકા કરતા ઓછા પરિણામવાળી શાળાઓની સંખ્યા વધી રહી છે.
કલેક્ટર પ્રવીણા ડી.કે.એ ભારપૂર્વક રજૂઆત કરીને પત્રમાં જણાવ્યું છે કે, કચ્છ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોની ખાસ કચ્છ જિલ્લા માટે જ જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી અરજી પત્રક મંગાવીને પ્રાથમિક શાળાઓમાં કરેલ ભરતી મુજબ ૧૦ વર્ષ સુધી ફેરબદલીની માગણી ન કરી શકે તેવી બાંહેધરી લઈને નિમણૂક આપવામાં આવે તો જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારી શકાય તેમ છે. તા.૩૦/૯/૨૦૨૧ ની સ્થિતિએ કચ્છ જિલ્લામાં માધ્યિમક વિભાગમાં ૧૨૩ તથા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ૭૪ એમ કુલ ૧૯૭ જગ્યા ખાલી છે, જેમાં લખપત અને અબડાસા તાલુકાની સરકારી માધ્યમિક શાળામાં ૪૫ અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ૧૫ મળી કુલ ૬૦ જગ્યા ખાલી છે. અંતરિયાળ ગામોમાં તેમજ સરહદી વિસ્તારમાં પૂરતી લાયકાતવાળા ઉમેદવારો મળતા નથી. જિલ્લામાં શિક્ષકોની કાયમી ઘટનો પ્રશ્ન હલ કરવા સાંસદ, અંજાર અને અબડાસાના ધારાસભ્યે પણ સરકારમાં પત્ર લખીને રજૂઆત કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો