શું ક્રિપ્ટો પર પ્રતિબંધ શક્ય છે? - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • શું ક્રિપ્ટો પર પ્રતિબંધ શક્ય છે?

શું ક્રિપ્ટો પર પ્રતિબંધ શક્ય છે?

 | 4:55 am IST
  • Share

ભારતમાં જો પ્રાઈવેટ ક્રિપ્ટો પર પ્રતિબંધ લાગે છે અને એ સંદર્ભના રોકાણ બાબતે જો કોઈ નક્કર કાયદા તૈયાર થાય છે તો ભારત મોડો મોડો પણ વહેલો દેશ સાબિત થશે, કારણ કે અત્યાર સુધી માત્ર ચીને જ આ કર્યું છે

  પાછલા થોડા મહિનાઓથી ક્રિપ્ટો કરન્સીનું ભૂત રોજ ધૂણતું હતું. યુટયુબ, ફેસબુકથી લઈ ટેલિવિઝન સુધી અનેક સેલિબ્રિટીઝ પણ ક્રિપ્ટોમાં ઈન્વેસ્ટ કરવા માટે કે સ્વિચ થવા માટે જાહેરાતો કરી રહ્યા હતા અને શેરબજારમાં રમનારાઓ પણ ક્રિપ્ટો જ હવે તો ભવિષ્ય છેની ચર્ચા કરી રહ્યા હતા, પરંતુ એ બધી ચર્ચાઓ અને જાહેરાતો પર કદાચ આવનારા થોડા જ દિવસોમાં પ્રતિબંધ લાગી શકે છે, કારણ કે રિઝર્વ બેન્કે અનેક વખત બૂમરાણ મચાવી પછી ભારત સરકારે આ ક્રિપ્ટો કરન્સીના મુદ્દે નક્કર પગલાં અને નિયમો બનાવવાનું નક્કી કર્યું છે, જે સંદર્ભનું બિલ આવતીકાલથી શરૂ થતા શિયાળુ સત્ર દરમિયાન બંને ગૃહોમાં રજૂ કરાશે. ક્રિપ્ટો બિલના પ્રસ્તાવની જાહેરાત પછી ક્રિપ્ટો માર્કેટ રાબેતા મુજબ તળિયે બેસી ગયું હતું અને ક્રિપ્ટોમાં પોતાનું ભવિષ્ય જોનારા લોકો અસમંજસમાં મુકાઈ ગયા હતા, પરંતુ એ સંદર્ભના ચોક્કસ નિયમો કેવા હશે એ તો શિયાળુ સત્રમાં જ ખબર પડશે.  

આરબીઆઈએ પાછલા ઘણા સમયથી ક્રિપ્ટો કરન્સી મુદ્દે બાંયો ચઢાવી હતી અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ ન કરવા બાબતે એક પરિપત્ર પણ જાહેર કર્યો હતો, પરંતુ ત્યારે સુપ્રીમ કોર્ટે એ પરિપત્રને ગેરકાયદેસર જાહેર કર્યો હતો, જેને પગલે પ્રાઈવેટ ક્રિપ્ટોને છૂટો દોર મળી ગયો હતો અને દેશના લાખો લોકો ક્રિપ્ટો કરન્સીના રવાડે ચઢયા હતા. આરબીઆઈ જ નહીં, પરંતુ સેબી પણ સમયાંતરે આ બાબતને લઈને ગંભીર ચિંતા કરતું રહ્યું છે અને સરકાર તેમજ ક્રિપ્ટોમાં રોકાણ કરી રહેલા લોકોને ચેતવતું રહ્યું છે કે કોઈ પણ પ્રકારના નિયમો અને ગાઈડલાઈન વિના પ્રાઈવેટ વર્ચ્યુઅલ કરન્સીમાં રોકાણ કરવું હિતાવહ નથી, પરંતુ અત્યાર સુધી ન તો આરબીઆઈની વાત કોઈએ માની કે સેબીની

વડાપ્રધાન સાથેની એક મિટિંગ બાદ હવે નાણા મંત્રાલયે એ બાબતે એક નક્કર ગાઈડલાઈન તૈયાર કરી છે એવું સરકાર દ્વારા જાહેર થયું છે, જે અંતર્ગત સરકાર આ શિયાળુ સત્રમાંક્રિપ્ટો કરન્સી એન્ડ રેગ્યુલેશન ઑફ્િસિયલ ડિજિટલ કરન્સી બિલ 2021રજૂ કરવા જઈ રહી છે. જે બિલ હેઠળ સરકાર કદાચ તમામ પ્રાઈવેટ ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ લાદી શકે છે. જોકે આ બાબતે એવું પણ નથી કે સરકાર પરંપરાગત ચલણ પદ્ધતિને જ વળગી રહેશે. કહેવાઈ રહ્યું છે કે આ બિલ અંતર્ગત રિઝર્વ બેન્ક ઑફ્ ઈન્ડિયાની આગેવાનીમાં દેશની સત્તાવાર ક્રિપ્ટો કરન્સી લૉન્ચ કરશે, જે માટેનું ફ્રેમવર્ક હાલમાં તૈયાર થઈ રહ્યું છે એવું સૂત્રો કહી રહ્યાં છે. એનો અર્થ એ થયો કે આવનારા સમયમાં ભારત સરકાર સત્તાવાર રીતે ક્રિપ્ટોને પ્રમોટ કરશે અને વર્ચ્યુઅલ કરન્સીના ક્ષેત્રમાં નવો ચીલો ચાતરશે.  

જોકે સરકાર ભલે તમામ પ્રાઈવેટ ક્રિપ્ટો પર પ્રતિબંધ લાદવાનું વિચારે છે, પરંતુ ટેક્નોલોજીના એક્સપર્ટ્સ કહે છે કે પ્રાઈવેટ ક્રિપ્ટો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવો લગભગ અશક્ય છે, જેથી સરકાર જો એ સંદર્ભે કોઈ કાયદો બનાવે તો પણ અનેક લોકો ગેરકાયદેસર રીતે પ્રાઈવેટ ક્રિપ્ટોમાં ઈન્વેસ્ટ કરશે, કારણ કે ક્રિપ્ટોનું ટ્રેડિંગ ઑનલાઈન થાય છે અને એ બાબત સરકાર કે બેન્કોની પહોંચથી દૂર છે. જોકે એનો અર્થ એ થાય છે કે સરકારના પ્રતિબંધ પછી જો કોઈ પ્રાઈવેટ ક્રિપ્ટોમાં રોકાણ કરવાનું ડહાપણ કરશે અને જો તેની સાથે કોઈ છેતરપિંડી થઈ તો એણે રાતા પાણીએ રડવું પડશે, કારણ કે તેને કોઈ કાયદાકીય સુરક્ષા મળશે નહીં. સાથે જ એ પણ જોવું રહ્યું છે કે પ્રાઈવેટ ક્રિપ્ટો પર પ્રતિબંધ આવે પછી જો કોઈ એ પ્રતિબંધિત ક્રિપ્ટોમાં રોકાણ કરતા ઝડપાય તો તેને માટે કોઈ સજાની જોગવાઈ છે કે નહીં

ખેર, ભારતમાં જો પ્રાઈવેટ ક્રિપ્ટો પર પ્રતિબંધ લાગે છે અને એ સંદર્ભના રોકાણ બાબતે જો કોઈ નક્કર કાયદા તૈયાર થાય છે તો ભારત મોડો મોડો પણ વહેલો દેશ સાબિત થશે, કારણ કે અત્યાર સુધી મોટાં રાષ્ટ્રોમાં માત્ર ચીન જે એવો દેશ છે, જેણે પ્રાઈવેટ ક્રિપ્ટો પર પ્રતિબંધ લાદ્યો છે. એ સિવાય બાંગ્લાદેશ, વિયેતનામ, નાઈજિરિયા અને ટર્કી જેવા કેટલાક નાના દેશોએ પણ આ કરન્સીને રેડલાઈટ બતાવી દીધી છે અને એ સંદર્ભે સત્તાવાર નિયમો ઘડી કાઢયા છે. બીજી તરફ્ મધ્ય અમેરિકાનો સાલ્વાડોર દેશ દુનિયાનો પહેલો એવો દેશ બન્યો છે, જેણે ક્રિપ્ટો કરન્સીને ઑફ્િશિયલ જાહેર કરી છે. આ તો ઠીક ત્યાંના રાષ્ટ્રપતિ નઈબ બકુલે સાલ્વાડોરમાં એક બિટકોઈન સિટી તૈયાર કરવાની પણ જાહેરાત કરી છે

ઈનશોર્ટ, ક્રિપ્ટો કરન્સી મુદ્દે આવનારા સમયમાં વિશ્વ બે ભાગમાં વહેંચાઈ જવાનું છે એ બાબત નક્કી છે. બનવાજોગ છે કે આ કરન્સી આવનારા સમયમાં કેટલાંક રાષ્ટ્રો વચ્ચે તણાવ પણ ઊભો કરે, કારણ કે ક્રિપ્ટો કાયદા અને નિયમોને ગણકારતું નથી. એટલે જ હાલમાં જ્યારે આ કરન્સી બાબતે કોઈ નિયમન નથી અને એ કરન્સી રાષ્ટ્રોની સેન્ટ્રલ બેન્કોના દાયરાની બહાર છે ત્યારે એક બાબત અત્યંત સ્પષ્ટ છે કે ભલે હથેળી પર ચાંદ દેખાતો હોય તો પણ ક્રિપ્ટોમાં રોકાણ કરવું હિતાવહ નથી. શું ખબર કાલ ઊઠીને ક્રિપ્ટોનું રોકાણ આપણા દેશની સરકારની નજરમાં આપણને ગુનેગાર ઠેરવે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો