શું માત્ર પુરુષો જ સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે? - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • શું માત્ર પુરુષો જ સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે?

શું માત્ર પુરુષો જ સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે?

 | 4:12 am IST
  • Share

કોઈને મનમાં સવાલ જાગતો નથી કે જો આવા દિવસો ઊજવવાથી જે તે બાબતમાં વધારો કે ઘટાડો નથી થતો તો પછી તે ઊજવાય છે શા માટે?

  યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશનમાં 1999માં 26 નવેમ્બરને વિશ્વવ્યાપી સ્તરે મહિલાઓ સામેના હિંસાવિરોધી દિન તરીકે ઊજવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. પ્રસ્તાવ પાસ થઈ ગયો અને 2000થી યુનો દ્વારા આખા વિશ્વમાં 26 નવેમ્બરે મહિલાઓ સાથે થતી હિંસા નાબૂદ કરવા માટે વિશેષ દિવસ ઊજવવામાં આવે છે. ઉજવણીની શરૂઆતને વીસથી વધુ વર્ષ થઈ ગયાં હોય તો કોઈએ અભ્યાસ કરવો જોઈએ કે આ દિવસની ઉજવણી શરૂ થયા પછી વિશ્વમાં કેટલી જાગૃતિ આવી અને મહિલાઓ સામેની હિંસામાં કેટલો ઘટાડો થયો. કમનસીબે એના કોઈ આંકડા જાહેર થતા નથી. એને બદલે મહિલાઓ સામે હિંસા કેટલી વધી એના આંકડા જાહેર થતા રહે છે. કોઈને મનમાં સવાલ જાગતો નથી કે જો આવા દિવસો ઊજવવાથી જેતે બાબતમાં વધારો કે ઘટાડો નથી થતો તો પછી આવા દિવસો ઊજવાય છે શા માટે? તપાસ કરીએ તો સમજાય કે આવા દિવસો ઉજવણીની કોઈ કાયમી અસર થતી નથી.

મહિલાઓને પુરુષો તરફ્થી સન્માન અપાવવું હોય તો પુરુષોને બીવડાવીને શી રીતે મળી શકે! અત્યારે પ્રયત્નો તો એવા જ થઈ રહ્યા છે. મહિલાના રક્ષણ માટે નવા નવા કાયદા બનાવીને એવો સંતોષ લેવામાં આવી રહ્યો છે કે હવે મહિલાઓ વધારે સલામત બની ગઈ. સાચું નિરીક્ષણ કરીએ તો મહિલાઓની સુરક્ષાના ભ્રામક ખ્યાલથી પ્રેરાઈને કાયદા બનાવતા રહેવાથી સ્થિતિ વિચિત્ર થઈ ગઈ છે. કોઈ પુરુષ મહિલાના ખભે હાથ મૂકે તો મહિલા તેની સામે વાંધો લઈ શકે, પરંતુ મહિલા પુરુષના ખભે હાથ મૂકે તો તેની સામે પુરુષ કોઈ વાંધો ન લઈ શકે. સ્ત્રી મોટા અવાજે જાહેર કરે કે આ માણસ મારી સાથે બળાત્કારનો પ્રયાસ કરે છે તો કાયદો સાચું માની લે. પછી પુરુષે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા પુરાવા લાવવા પડે. પુરુષ ફ્રિયાદ કરે કે તેની ઉપર બળાત્કાર થયો છે તો કાયદો કહેવામાત્રથી સાચું ન માની લે. એ માટે સ્ત્રી ગુનેગાર છે એના પુરાવા પણ પુરુષે જ લાવી આપવા પડે! આવી સ્થિતિમાં પુરુષો મહિલાને માન આપવા લાગશે, બંને વચ્ચે સદ્ભાવના કેળવાશે એવું માનવું જ મૂર્ખામીભર્યું નથી

સાચી ઝુંબેશ તો એવી હોવી જોઈએ કે મહિલાઓને મહિલા તરીકે નહીં, વ્યક્તિ તરીકે આદર મળે. પુરુષ એક વ્યક્તિ છે એમ મહિલા પણ એક વ્યક્તિ જ ગણાય. એવી સ્થિતિમાં પહોંચવું હોય તો સ્ત્રીપુરુષનો ભેદ ઓછો કરવો જોઈએ. ભેદ ઓછો કરવો હોય તો બંનેની અલગ ઓળખ પર ચર્ચાઓ ન થવી જોઈએ. સ્ત્રી અને પુરુષ તરીકે ઉલ્લેખ કરવાને બદલે વ્યક્તિ તરીકે જ ઉલ્લેખ થવો જોઈએ. એની શરૂઆત મહિલાઓ કે પુરુષો અલગ અલગ ન કરી શકે. વયસ્ક બન્યા પછી ન કરી શકે. એ માટે શિક્ષણમાં બાલમંદિર કક્ષાથી સ્ત્રીઓ આમ કરી શકે તેમ ન કરી શકે અને પુરુષો આ કરી શકે તે ન કરી શકે એવા ભેદભાવ દૂર કરવા પડે. સ્ત્રી અને પુરુષના ઉલ્લેખને બદલે વ્યક્તિ તરીકે ઉલ્લેખ કરવો પડે. કુદરતે સ્ત્રી અને પુરુષને જુદાં શરીર કેમ આપ્યાં છે એ સ્પષ્ટ સમજાવવું પડે અને સ્પષ્ટ કરવું પડે કે એ સિવાય દરેક બાબતે સ્ત્રી હોય કે પુરુષ બંને સરખાં જ છે

એક વાત સાચી છે કે સરેરાશ પુરુષ સ્ત્રી કરતાં શારીરિક રીતે બળવાન હોવાથી તે મહિલા પર વધારે અત્યાચાર કરી શકે છે, સામે જો મહિલા શારીરિક રીતે વધુ મજબૂત હોય તો એ પુરુષ ઉપર પણ અત્યાચાર કરે જ છે. સાચી સ્થિતિ સમજવી હોય તો ચાલો માત્ર પુરુષો દ્વારા સ્ત્રી ઉપર થયેલા અત્યાચારોના જ આંકડા જોવાને બદલે બંને પક્ષના આંકડા તપાસીએ

દર મિનિટે 200 સ્ત્રીપુરુષ બંને પોતાના સેક્સના સાથીદાર દ્વારા શારીરિક હિંસાનો ભોગ બનતાં રહે છે

સેક્સના સાથી હોય એવાં સ્ત્રીપુરુષોમાં દરેક ચોથી મહિલા પોતાના સાથી દ્વારા વિવિધ પ્રકારના હિંસક વર્તનનો ભોગ બને છે. તેની સામે પુરુષોમાં દર નવમો પુરુષ પણ સ્ત્રી દ્વારા એવા જ વર્તનનો ભોગ બને છે

દર ત્રીજી મહિલા પુરુષ સાથી દ્વારા ધક્કો મારવા, થપ્પડ મારવા, પછાડી દેવાના બળપ્રયોગનો ભોગ બને છે. દરેક ચોથો પુરુષ સ્ત્રી દ્વારા આવા જ વર્તનનો ભોગ બને છે

દરેક સાતમી મહિલા સાથીદાર પુરુષ દ્વારા હિંસાનો ભોગ બનીને ઘાયલ થાય છે. તેની સામે દર પચ્ચીસમો પુરુષ સાથીદાર મહિલા દ્વારા હિંસાનો ભોગ બનીને ઘાયલ થાય છે

મહિલાઓ ઉપર બળાત્કાર થવાની ફ્રિયાદ થતી રહે છે. જ્યારે પુરુષ તરફ્થી એવી કોઈ ફ્રિયાદ થતી જ નથી. સમાજમાં ગજબની ખોટી માન્યતા સદીઓથી ચાલતી આવે છે, છરી તરબૂચ ઉપર પડે કે તરબૂચ છરી ઉપર પડે, કપાય તો તરબૂચ જ! એના કારણે કોઈ પુરુષ બળાત્કારની ફ્રિયાદ કરે તો હાસ્યાસ્પદ બની જાય. દર દસમી મહિલા તેના સાથી દ્વારા બળાત્કાર થયાની ફ્રિયાદ કરે છે, પુરુષો તરફ્થી એવી કોઈ ફ્રિયાદ મળતી જ નથી. (તેનો અર્થ એવો બિલકુલ નથી કે પુરુષ ઉપર મહિલાઓ બળાત્કાર નથી કરતી. અમેરિકામાં દર સિત્તેરમો પુરુષ બળાત્કારની ફ્રિયાદની હિંમત કરે છે.) 

દર ચોથી મહિલાને તેનો પુરુષ સાથીદાર હિંસક બનીને મુક્કા મારે છે, ડામ દે છેે અથવા ગળું દબાવી દે છે. તેની સામે દર સાતમા પુરુષને તેની મહિલા સાથીદાર હિંસક બનીને મુક્કા મારે છે, ડામ દે છેે અથવા ગળું દબાવી દે છે

દર આઠમી મહિલાને તેનો પુરુષ સાથીદાર મહિલાને અથવા તેની પ્રિય વ્યક્તિને મારી નાંખવાની કે લૂલીલંગડી બનાવી દેવાની ધમકી આપી ફ્ફ્ડાવી દે છે. તેની સામે દર અઢારમો પુરુષ પણ મહિલા સાથીદાર દ્વારા આવા જ વર્તનનો ભોગ બને છે

બાળપણમાં બળાત્કારનો ભોગ બનનાર છોકરાઓ અને છોકરીઓમાં અડધાની સાથે તેમના ઓળખીતાઓએ જ કર્યો હોય છે. બાકીના અડધા કેસમાં મિત્ર અથવા સાથીદારે બળાત્કાર કર્યો હોય છે

બંને તરફ્ના આંકડા જોતાં એક વાત સ્પષ્ટ બને છે કે હિંસા અને બળાત્કારનો ભોગ બનનાર માત્ર મહિલાઓ નથી હોતી, પુરુષો પણ હોય છે. શારીરિક બળના કારણે તથા સામાજિક માળખાના કારણે પુરુષો વધારે અત્યાચાર કરે છે. તે દૂર કરવા માટે છોકરાછોકરી બંનેને બાળપણથી તાલીમ આપવી પડશે કે જે વસ્તુની ના પાડવામાં આવે તે મેળવવાનો પ્રયાસ ન કરવો જોઈએ.              

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો