સગીરાની છેડતી, ઘરમાં લૂંટફાટ : ગુંડાઓના અસહ્ય ત્રાસથી વેપારી પરિવારની હિજરત - Sandesh
  • Home
  • Ahmedabad
  • સગીરાની છેડતી, ઘરમાં લૂંટફાટ : ગુંડાઓના અસહ્ય ત્રાસથી વેપારી પરિવારની હિજરત

સગીરાની છેડતી, ઘરમાં લૂંટફાટ : ગુંડાઓના અસહ્ય ત્રાસથી વેપારી પરિવારની હિજરત

 | 4:37 am IST
  • Share

  • શાહઆલમની પાનવાળી ચાલીની ઘટના : પોલીસના કાર્યવાહીમાં ઠાગાઠૈયા
  • વેપારીના પરિવારને પેટ્રોલ છાંટીને સળગાવી દેવાની ધમકી
  • ગુંડાઓની વેપારીને ધમકી : ઘર અને વિસ્તાર છોડી દે નહીં તો તારી પુત્રીને નિઃવસ્ત્ર ફેરવીશું

 

શાહઆલમમાં પાનવાળી ચાલીમાં ક્રિકેટ રમવાના બહાને 13 વર્ષની પુત્રી સાથે છેડછાડ કરતા લુખ્ખા તત્વોને ઠપકો આપવા ગયેલા વેપારી પર આરોપીઓએ હુમલો કરી ઘરમાં, વાહનોની તોડફોડ કરી હતી. આ ઉપરાંત સીસીટીવી કેમેરા પણ તોડી નાંખ્યા હતા. આરોપીઓએ ઘરમાં રૃ.50 હજારની મતાની લૂંટ ચલાવી હતી. તેમજ વેપારીને ધમકી આપી કે, વિસ્તાર છોડી દે જે નહીં તો, તારી પુત્રીને નિઃવસ્ત્ર ફેરવીશું, આ ઘરમાં રહ્યો તો પેટ્રોલ છાંટી સળગાવી દઈશું. ઈસનપુર પોલીસે આ મામલે કાર્યવાહી કરવાની જગ્યાએ સમગ્ર બનાવ અંગે ફરિયાદ કરવા આવેલા વેપારીને લોકઅપમાં પૂરી દેવાની ધમકી આપી હતી. પોલીસ તરફથી સહકાર ના મળતાં આખરે વેપારીને હિજરત કરવાની ફરજ પડી અને હાલમાં બે સંતાનો સાથે વેપારી નારોલમાં પોતાની દુકાનમાં રહેવા મજબૂર બન્યા છે. પોલીસે પોતાના બચાવમાં વેપારીને ઘરે તોડફોડ મામલે ગુનો દાખલ કર્યાનું તેમજ પરિવારનું પુનઃવસન કરાવવાની તૈયારી બતાવી છે.

શાહઆલમની પાનવાળી ચાલીમાં રહેતાં વેપારી ઈકબાલ મકરાણીએ પોતાની લેખિત અરજી કરી હતી. જેમાં સંજય મુસ્તુફાખાન પઠાણ, મુન્નાભાઈ, સુજાન મુન્ના સહિત છ લોકો સામે આક્ષેપ કર્યા છે. જેમાં જણાવ્યું છેકે, ગત તા. 7-6-2021ના રોજ ઉપરોક્ત શખ્સોએ ક્રિકેટ રમવાના બહાને ઈકબાલભાઈની ગેરહાજરીમાં તેઓની 13 વર્ષની પુત્રીની મશ્કરીઓ કરી હતી. જેના કારણે પુત્રી ડરી જતાં આ શખ્સોની હિંમત વધી ગઈ અને તેઓએ સગીર પુત્રીની છેડછાડ કરી બીભત્સ ઈશારા શરૃ કર્યા હતા તેમજ અપશબ્દો બોલ્યા હતા. ઈકબાલભાઈ ઘરે આવતા ગુંડા તત્વોએ તેમની પર પણ હુમલો કર્યો હતો અને ઘરમાં ઘૂસી તોડફોડ કરી વાહનો, સીસીટીવી કેમેરા તોડી નાંખ્યા હતા. આરોપીઓએ ધમકી આપી કે, તારી છોકરીને જાહેરમાં નિઃવસ્ત્ર ફેરવીશું. આ મિલકત છોડી તારો પરિવાર નહીં જાય તો પેટ્રોલ છાંટી જીવતા સળગાવી દઈશું. આ ધમકી સાથે આરોપીઓએ રૃ.૫૦ હજારની રોકડ અને રાડો ઘડિયાળની લૂંટ ચલાવી હતી. આ અંગે ઈકબાલ મકરાણીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરી રક્ષણ માંગ્યું તેમજ આરોપીઓએ કરેલા કૃત્યની વિગતો ફોટો સાથે પોતાના નિવેદનમાં જણાવી હતી. જો કે, ઈસનપુર પોલીસે ગુનાના કામે ઈકબાલભાઈની કોરા કાગળ પર સહી લીધી તેમજ તેઓને લોકઅપમાં પૂરી દેવાની ધમકી આપી હતી. વેપારીએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતા પોલીસે એક આરોપીને બોલાવીને કાર્યવાહી કરવાની જગ્યાએ પ્રોત્સાહન મળે તેવી રીતિ નીતિ અપનાવી હોવાનો આક્ષેપ અરજદારે કર્યો છે.

ઈસનપુર પીઆઈ જે.વી.રાણાએ જણાવ્યું હતું કે, ઈકબાલ મકરાણીના ઘરે થયેલી તોડફોડ સંજય પઠાણના વિરોધીઓએ કરી છે. ઈકબાલના ઘરને સંજય પઠાણનું ઘર સમજી તોડફોડ થઈ હોવાનું સામે આવ્યું છે. આ અંગે અમે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી પરંતુ એક જ ગુનામાં અમે બે ફરિયાદ કઈ રીતે નોંધી શકીએ.

પરિવાર ઘર છોડી જતો રહ્યો છે, પુનઃવસન કરાવવા તૈયાર છીએ : પોલીસનો લૂલો બચાવ

સંજય પઠાણ સહિતના તત્ત્વો મારા ઘર સામે બેસી મશ્કરી કરતા અને પોલીસને ખિસ્સામાં રાખીએ છીએતેમ કહેતા

ઈકબાલ મકરાણીએ જણાવ્યું હતું કે, મારા ઘરે તોડફોડ થઈ તે પહેલા મારી પુત્રીની છેડતી થઈ તેમજ અમને વારંવાર ઘર છોડી દેવા ધમકી આપતા હતા. મારા ઘરે તોડફોડ કરનાર તત્વો અને સંજય પઠાણની મિલિભગત પણ હોઈ શકે છે. નુકસાન તો મારું થયું તો પોલીસે મારી ફરિયાદ લેવી જોઈએ. સંજય પઠાણ સહિતના તત્વો મારા ઘર પાસે બેસીને ઠઠ્ઠા મશ્કરીઓ કરે તેમજ પોલીસને ખિસ્સામાં રાખીએ છીએ તેવા શબ્દો બોલે છે. જેના કારણે હું ઘર છોડવા મજબૂર બન્યો છે.

પીએસઆઈ એમ.બી.જાડેજાએ જણાવ્યું હતુ ંકે, ઈકબાલભાઈની અગાઉ અરજી આવી ત્યારે અમે કાર્યવાહી કરી તેઓને સાંત્વના આપી હતી. કોઈ પણ હેરાનગતિ કરે તો અમારો સંપર્ક કરજો તેમ કહ્યું હતું. બીજી તરફ તેઓનો અમે સંપર્ક કરવા પ્રયાસ કર્યો પણ ઘર છોડી જતા રહ્યા છે. અમે તેઓનું પુનઃવસન કરાવવા તૈયાર છીએ અને સુરક્ષા માટે પણ બેઠા છીએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો