સમયમર્યાદા લંબાવતો આદેશ પરત ખેંચતી સુપ્રીમ કોર્ટ - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • સમયમર્યાદા લંબાવતો આદેશ પરત ખેંચતી સુપ્રીમ કોર્ટ

સમયમર્યાદા લંબાવતો આદેશ પરત ખેંચતી સુપ્રીમ કોર્ટ

 | 1:16 am IST
  • Share

દરેક કાયદા હેઠળ કાર્યવાહી કરવા માટે સમયમર્યાદા નિયત કરવામાં આવેલ હોય છે. કોવિડ-૧૯ની મહામારીને લક્ષમાં રાખીને માન. સુપ્રીમ કોર્ટે આપમેળે તા. ૨૩-૩-૨૦૨૦ના રોજ આદેશ કરીને સુપ્રીમ કોર્ટ સહિત કોઈ પણ કોર્ટ કે ટ્રિબ્યૂનલ સમક્ષની કોઈપણ કાર્યવાહી માટેની સમયમર્યાદાઓ લંબાવવા આદેશ કરેલ હતો. ત્યારબાદ કોવિડની મહામારીની તીવ્રતા ઘટતા તા. ૮-૩-૨૦૨૧ના રોજ આદેશ કરીને માન. સુપ્રીમ કોર્ટે સમયમર્યાદા લંબાવતો આદેશ તા. ૧૪-૩-૨૦૨૧ સુધી સીમિત કરેલ. ત્યારબાદ કોવિડની બીજી લહેર શરૃ થતા તા. ૨૭-૪-૨૦૨૧ના રોજ આદેશ કરીને તા. ૧૪-૩-૨૦૨૧થી શરૃ કરીને બીજો આદેશ ન થાય ત્યાં સુધીનો સમય લંબાવવામાં આવ્યો. હવે ફરી પાછી કોવિડ-૧૯ની પરિસ્થિતિ સુધરતા તા. ૨૩-૯-૨૦૨૧ના રોજ માન. સુપ્રીમ કોર્ટે સુઓ મોટો રિટ (સી) નંબર ૩ ઓફ ૨૦૨૦માં પરચૂરણ અરજી નંબર ૬૬૫ ઓફ ૨૦૨૧માં આદેશ કરીને સમયમર્યાદા તા. ૨-૧૦-૨૦૨૧ સુધી સીમિત કરેલ છે. માન. સુપ્રીમ કોર્ટે સમયાંતરે કરેલ આ આદેશોની માહિતી આજના લેખમાં આપેલ છે.

તા. ૨૩-૩-૨૦૨૦નો આદેશ

તા. ૨૩-૩-૨૦૨૦નો રોજ માન. સુપ્રીમ કોર્ટે કોવિડ-૧૯ના કપરા સંજોગોને ધ્યાનમાં લઈને ઠરાવ્યું હતું કે ફરિયાદીને સુપ્રીમ કોર્ટ કે અન્ય કોર્ટ કે પંચ સમક્ષ તેમની અપીલ અને અન્ય અરજીઓ દાખલ કરવા રૃબરૃ જવું ન પડે તે માટે સામાન્ય કે ખાસ કાયદાઓમાં સમયમર્યાદાને લગતી ગમે તે જોગવાઈ હોય અને તે જોગવાઈમાં કાર્યવાહી કરવામાં થયેલ વિલંબ માફ કરવાની જોગવાઈ હોય કે ન હોય તેમ છતાં તે સમયમર્યાદા તા. ૧૫-૩-૨૦૨૦થી અન્ય આદેશ ન થાય ત્યાં સુધી લંબાયેલ ગણવાની રહેશે.

તા. ૮-૩-૨૦૨૧નો આદેશ

કોવિડ-૧૯ની મહામારી સંપૂર્ણપણે પૂર્ણ ન થયેલ હોવા છતાં તેમાં નોંધપાત્ર સુધારો થતા કોર્ટે તા. ૮-૩-૨૦૨૧ના આદેશથી નીચે પ્રમાણેનું દિશા નિર્દેશન કરેલ ઃ

(૧) કોઈપણ સૂટ, અપીલ, અરજી કે કાર્યવાહી માટેની સમયમર્યાદા નક્કી કરતી વખતે તા. ૧૫-૩-૨૦૨૦થી તા. ૧૪-૩-૨૦૨૧નો સમયગાળો બાકાત રાખવાનો રહેશે. તા. ૧૫-૩-૨૦૨૦ના રોજ જે કોઈ સમય બચ્યો હોય તે તા. ૧૫-૩-૨૦૨૧થી ગણવાનો રહેશે.

(૨) જે કેસોમાં તા. ૧૫-૩-૨૦૨૦થી તા. ૧૪-૩-૨૦૨૧ના સમયગાળા દરમિયાન સમયમર્યાદા પૂર્ણ થતી હોય ત્યાં ખરેખર ગમે તેટલો સમય બચતો હોય તો પણ દરેક વ્યક્તિને તા. ૧૫-૩-૨૦૨૧થી ૯૦ દિવસનો સમય મળશે અને જો તા. ૧૫-૩-૨૦૨૧થી બાકી રહેતો સમય ૯૦ દિવસથી વધુ હોય તો તે લાંબો સમય લાગુ પડશે.

(૩) તા. ૧૫-૩-૨૦૨૦થી તા. ૧૪-૩-૨૦૨૧નો સમયગાળો આરબીટ્રેશન એન્ડ કોન્સિલિએશન એક્ટ, ૧૯૯૬ની કલમ ૨૩ (૪)  અને ૨૯એ, કોર્મિશયલ કોર્ટ્સ એક્ટ, ૨૦૧૫ની કલમ ૧૨એ અને નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, ૧૮૮૧ની કલમ ૧૩૮ હેઠળના પરંતુક બી અને સી હેઠળની સમયમર્યાદા નક્કી કરતી વખતે તેમજ કોઈપણ કાયદામાં કાર્યવાહી શરૃ કરવા, કાર્યવાહીની આખરી સમયમર્યાદા (જ્યાં સુધી કોર્ટ કે પંચ વિલંબ માફ કરી શકે) કે કાર્યવાહી પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા હોય તેમાંથી બાકાત રાખવાનો રહેશે.

તા. ૨૭-૪-૨૦૨૧નો આદેશ

ત્યારબાદ કોવિડ-૧૯ની બીજી લહેર શરૃ થતાં સુપ્રીમ કોર્ટના એડવોકેટ્સ ઓન રેકોર્ડના એસોસિયેશન દ્વારા પરચૂરણ અરજી નંબર ૬૬૫ ઓફ ૨૦૨૧ દાખલ કરવામાં આવતા માન. સુપ્રીમ કોર્ટે તા. ૨૭-૪-૨૦૨૧ના રોજ આદેશ કરીને પોતાનો અગાઉનો તા. ૨૩-૩-૨૦૨૦નો આદેશ પુનઃ સ્થાપિત કર્યો અને તા. ૮-૩-૨૦૨૧ના આદેશના અનુસંધાનમાં ઠરાવ્યું કે સામાન્ય કે ખાસ કાયદાઓ હેઠળની તમામ ન્યાયિક કે અર્ધ ન્યાયિક પ્રક્રિયામાં કાર્યવાહી કરવામાં થયેલ વિલંબ માફ કરવાની જોગવાઈ હોય કે ન હોય તેમ છતાં તે સમયમર્યાદા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી લંબાયેલ ગણવાની રહેશે.

તા. ૨૩-૯-૨૦૨૧નો આદેશ

કોવિડ-૧૯ની સુધરેલ પરિસ્થિતિ ધ્યાનમાં લેતા માન. સુપ્રીમ કોર્ટ સમક્ષ એવી સર્વસંમતિ સધાઈ કે તા. ૨૩-૩-૨૦૨૦નો આદેશ અને સમયમર્યાદા માફ કરવાનું ચાલુ રાખવાની જરૃરત નથી. ભારત સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી કે તા. ૮-૩-૨૦૨૧ના આદેશમાં તા. ૧૫-૩-૨૦૨૦થી ૧૪-૩-૨૦૨૧ના સમયગાળામાં સમયમર્યાદા પૂર્ણ થતી હોય ત્યાં ૯૦ દિવસનો સમય તા. ૧૫-૩-૨૦૨૧થી ગણવાનો આદેશ હતો તે બરાબર ન હતો. તા. ૧૫-૩-૨૦૨૦ પહેલાનો સમય ધ્યાનમાં લેવો જોઈએ અને તે તારીખ બાદ જેટલો સમય રહેતો હોય તેટલો જ લંબાવવો જોઈએ. સરકાર તરફે થયેલ આવી રજૂઆત માન. સુપ્રીમ કોર્ટે સ્વીકારેલ નથી. કોર્ટના મત મુજબ તા. ૮-૩-૨૦૨૧નો આદેશ મહામારીને કારણે એક વખત અપાયેલ રાહત હતી અને તેમાં તે સુધારો કરવા માગતી નથી. પરચૂરણ અરજી નંબર ૬૬૫ ઓફ ૨૦૨૧નો નિકાલ કરતા માન. સુપ્રીમ કોર્ટે નીચે મુજબનું માર્ગદર્શન આપેલ છે.

(૧) કોઈપણ સૂટ, અપીલ, અરજી કે કાર્યવાહી માટેની સમયમર્યાદા નક્કી કરતી વખતે તા. ૧૫-૩-૨૦૨૦થી તા. ૦૨-૧૦-૨૦૨૧નો સમયગાળો બાકાત રાખવાનો રહેશે. તા. ૧૫-૩-૨૦૨૧ના રોજ જે કોઈ સમય બચ્યો હોય તે તા. ૦૩-૧૦-૨૦૨૧થી મળવાપાત્ર રહેશે.

(૨) જે કેસોમાં તા. ૧૫-૩-૨૦૨૦થી તા. ૦૨-૧૦-૨૦૨૧ના સમયગાળા દરમિયાન સમયમર્યાદા પૂર્ણ થતી હોય ત્યાં ખરેખર ગમે તેટલો સમય બચતો હોય તેમ છતાં દરેક વ્યક્તિને તા. ૦૩-૧૦-૨૦૨૧થી ૯૦ દિવસનો સમય મળશે અને જો તા. ૦૩-૧૦-૨૦૨૧થી બાકી રહેતો સમય ૯૦ દિવસથી વધુ હોય તો તે લાંબો સમય લાગુ પડશે.

(૩) તા. ૧૫-૩-૨૦૨૦થી તા. ૧૪-૩-૨૦૨૧નો સમયગાળો આરબીટ્રેશન એન્ડ કોન્સિલિએશન એક્ટ, ૧૯૯૬ની કલમ ૨૩ (૪)  અને ૨૯એ, કોર્મિશયલ કોર્ટ્સ એક્ટ, ૨૦૧૫ની કલમ ૧૨એ અને નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, ૧૮૮૧ની કલમ ૧૩૮ હેઠળના પરંતુક બી અને સી હેઠળની સમયમર્યાદા નક્કી કરતી વખતે તેમજ કોઈપણ કાયદામાં કાર્યવાહી શરૃ કરવા, કાર્યવાહીની આખરી સમયમર્યાદા (જ્યાં સુધી કોર્ટ કે પંચ વિલંબ માફ કરી શકે) કે કાર્યવાહી પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા હોય તેમાંથી બાકાત રાખવાનો રહેશે.

(૪) કન્ટેનમેન્ટ ઝોન અંગે જે માર્ગર્દિશકા હોય તેમાં ભારત સરકાર નીચે મુજબનો સુધારો કરશે ઃ

મેડિકલ ઇમરજન્સી, આવશ્યક ચીજો અને સેવાઓ પૂરી પાડવી, બીજી જરૃરી કાર્યવાહી જેવી કે કાયદાકીય સહિતની સમયબદ્ધ કરવાની અરજીઓ, ભણતર અને નોકરી સંબંધિત જરૃરિયાત માટે નિયંત્રિત હેરફેરની છૂટ આપવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો