સાઇકલ પર ફરતા હતા ગુજરાતના પ્રકાંડ પંડિત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • સાઇકલ પર ફરતા હતા ગુજરાતના પ્રકાંડ પંડિત

સાઇકલ પર ફરતા હતા ગુજરાતના પ્રકાંડ પંડિત

 | 8:08 am IST
  • Share

અનુસંધાન – દેવેન્દ્ર પટેલ

આવતીકાલે એટલે કે તા. ૨૮-૭- ૨૦૨૧ના રોજ બ્રહ્મર્ષી કે.કા. શાસ્ત્રીનો ૧૧૭મો જન્મ દિવસ છે. કે.કા. શાસ્ત્રી જેવા  પ્રકાંડ પંડિત અને વિદ્વાન દુર્લભ છે. તેમના જીવનકાળ દરમિયાન તેમણે ૧,૫૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓને ગુજરાતી સાહિત્ય (અનુસ્નાતક વર્ગ) માટે તૈયાર કર્યાં. ગુજરાતી ભાષામાં ૧૯ વિદ્યાર્થીઓને પીએચ.ડી. માટે માર્ગદર્શન આપ્યું.  અમેરિકાના રેડ ઇન્ડિયન્સ ઉપર બે સંશોધન ગ્રંથો આપ્યા.

તા.૨૮ જુલાઈ ૧૯૦૫ના રોજ માંગરોળ (જૂનાગઢ)ના બરડાઈ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા શાસ્ત્રીજીનું આખું નામ કેશવરામ કાશીરામ શાસ્ત્રી હતું. માતાનું નામ દેવકીબહેન ૧૦૨ વર્ષનું આયુષ્ય ભોગવનાર શાસ્ત્રીજીના ભાથામાં ૨૫૬ જેટલા ગ્રંથ નિર્માણ, ૧,૫૦૦ સંશોધન લેખનોે સમાવેશ થાય છે. ભારત સરકારે તેમને ‘પદ્મ શ્રી’થી નવાજ્યા. વિશ્વ હિંદુ પરિષદના તેઓ સ્થાપક હતા. રણજિતરામ સુવર્ણચંદ્રક સહિત ૩૯ સન્માનપત્રો તેમને એનાયત થયા.

કે.કા.શાસ્ત્રી માટે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે : ‘કે.કા. શાસ્ત્રીએ ભલે નશ્વરદેહે વિદાય લીધી પરંતુ તેમનો દૈદિપ્યમાન આત્મા અજરાઅમર રહેવાનો છે. પિતૃપ્રેમ કોને કહેવાય તે એ મેં શાસ્ત્રીજી પાસેથી અનુભવ કર્યો. શાસ્ત્રીજી ક્યારેય નિરાશાવાદી નહોતા.’

તેઓ કહે છે : મારા જીવનમાં શાસ્ત્રીજીની નિકટ આવવાનો મને અવસર મળ્યો છે. એનું કારણ ડો. વણીકરજી હતા. તે વખતે મારી ઉંમર બહુ નાની હતી. હું અમદાવાદમાં નવો-નવો આવ્યો હતો. ઔસાઇકલ ઉપર વિશ્વ હિંદુ પરિષદના કાર્યાલયમાં જવાનું થતું. શાસ્ત્રીજી સાથે નિકટના સંપર્કમાં લાવવામાં મને ડો. વણીકરજીએ ખૂબ મોટી મદદ કરી હતી. ત્યાં ઋષિમુનિઓ વિશે ઘણું સાંભળ્યું છે કે જૂના જમાનામાં મુનિઓ આવા હતા.  જેમનું આધુનિક યુગમાં બે ઋષિતુલ્ય જીવ જેમનું મને સતત સ્મરણ થાય તે પંડિત સાતવલેકરજી અને બીજા પૂ. શાસ્ત્રીજી. આ બંનેની વિશેષતાઓ જુઓ. વીર સાતવલેકરજીએ લગભગ ૧૦૩ વર્ષે શરીર છોડયું. વીક સાતવલેકરજીનો શતાબ્દી મહોત્સવ ઊજવાઈ રહ્યો હતો ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહસંચાલક પૂ.પૂ. ગુરુજી સમારંભમાં અધ્યક્ષતા માટે આવ્યા હતા અને ત્યારે ગુરુજીની ઉંમર ૫૫-૫૭ વર્ષની આસપાસ હશે. સાતવલેકરજીએ એમાં ભાષણ કર્યું હતું કે જ્યારે ગુરુજીના ૧૦૦ વર્ષ પૂરાં થશે ત્યારે એ સમારંભની અધ્યક્ષતા હું કરીશ. આપ કલ્પના કરો કે, કેટલો આત્મવિશ્વાસુ પૂ. શાસ્ત્રીજી સાથે મારા પુત્રવત્ અધિકારના ભાવે ઝઘડો પણ થયેલો છે. આજે એ પણ કહી દઉં  તો અમે બધાએ નક્કી કર્યું હતું કે, શાસ્ત્રીજીને સાઇકલ છોડાવવી. અનેક લોકોએ કદાચ શાસ્ત્રીજીને સાઇકલ પર જોયા હશે. ભો.જે. વિદ્યાભવન જાય તો સાઇકલ પર જાય અને મને લાગે છે કે ૮૫ વર્ષ સુધી સાઇકલ પર ગયા હશે. મેં  મારા પુત્ર તરીકેના અધિકારનો ઉપયોગ કર્યો અને લડાઈ લડયો. આમ તો કેટલીક ચીજ કમનસીબ  કહેવાય પણ તે સદ્નસીબમાં ફરી વળે. એવામાં શું થયું કે, એક રેલવે ક્રોસિંગ પાસે શાસ્ત્રીજીનોે એક્સિડન્ટ થયો અને તેમનું હાડકું ભાગ્યું અને બસ પછી મેં એનો ફાયદો લઈ લીધો. મેં કહ્યું કે, આ હાડકું ભલે ભાંગ્યું પરંતુ આ સાઇકલનું હેન્ડલ ભાગ્યું એમ સમજો અને મેં એમની પાસેથી સાઇકલ લઈ લીધી. આવા પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન જો રાજ્ય સરકાર ચૂકી ગઈ હોય તો કાલે ઇતિહાસ આ રાજ્ય સરકારને નગુણી ગણત.

રાજ્ય સરકાર તરીકે મનને સંતોષ થાય છે એમની શતાબ્દી ઊજવવાનું ગૌરવ રાજ્ય સરકારને મળ્યું. (એ વખતે નરેન્દ્ર મોેદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.)કે.કા.શાસ્ત્રીજી તેમની ધોતી અને ટૂંકો ઝભ્ભો, તેમના કપાળનો ચળકાટ અને આંખોમાં રહેલા તેજ કિરણો જાણીતા હતા. એક વિદ્વાનની અસર ઊપજાવવા માટે તેમનું આ વ્યક્તિત્વ જ પૂરતું હતું. જોતાં જ એક પ્રકાંડ પંડિત જેવા લાગતા હતા. જ્ઞાાની પણ હતા.

જેમણે તેમને કાર્યક્રમોમાં બોલતા સાંભળ્યા હતા તેમને લાગતું કે એમના શબ્દે શબ્દે જ્ઞાાન સરિતાનું અમીઝરણું વહેતું હતું. ભાષા પરની તેમની પકડ જબરદસ્ત હતી. સંસ્કૃત ભાષાના તેઓ અદ્ભુત જ્ઞાાતા હતા.  એમને જોતાં જ એમ લાગે કે રાજા ભોજના સમયના કોઈ પ્રકાંડ પંડિત છે. ઋષિ પરંપરાના કોઈ મહાન ઋષિ છે, આચાર્ય પરંપરાના કોઈ મહાન આચાર્ય છે. પૂ. શાસ્ત્રીજીનું વ્યક્તિત્વ લૌકિક કરતાં અલૌકિક વધુ હતું. તેમના ઉપર ભગવાનની કૃપા હતી. મા સરસ્વતીએ  એમના ઉપર અપાર આશીર્વાદ વરસાવ્યા હતા. તેમની પોતાની કૃપાનજર જે જે શિષ્ય ઉપર પડે તે પણ તરી જાય તેવું પવિત્ર તેમનું જીવન હતું.

શાસ્ત્રીજી રમૂજી પણ હતા. એક વાર અમદાવાદના ભાઈકાકા હોલમાં એક કાર્યક્રમ હતો. તેમાં શાસ્ત્રીજી પ્રવચન કરવાના હતા.  કાર્યક્રમ હજુ શરૂ થયો નહોતો. શ્રોતાઓ હજુ આવી રહ્યા હતા. એવામાં શાસ્ત્રીજી આવ્યા. તેઓ હોલમાં પ્રવેશે તે પહેલાં એક ભાઈએ તેમને પૂછયું, ‘શાસ્ત્રીજી, મને ઓળખ્યો?’

શાસ્ત્રીજીએ ચાલતાં ચાલતાં જ એ ભાઈને કહ્યું, ‘ભાઈ, આ  ઉંમરે હવે કેટલાને યાદ રાખવાના ?’ એ વખતે શાસ્ત્રીજી લગભગ ૯૦  વર્ષના હતા. ૯૦ વર્ષની વયના પંડિતોની સ્મરણશક્તિની કસોટી કરવા માટે પુછાયેલા એ પ્રશ્નના જવાબ સાંભળી બધા પણ ખુશ થઈ ગયા! તેઓ રાજકારણી નહોતા તેથી કોઈને કારણ વગર ખુશ કરવાનો કે કારણ વગર ખુશ રાખવાનો પ્રયાસ કદી કરતા નહીં. તેમને એવી જરૂર પણ નહોતી. તડને ફડ બોલી દેવાની તેમની આદત હતી, કારણ કે તેઓ આજીવન નિર્ભય હતા.

અપરિગ્રહ તેમનો સિદ્ધાંત હતો. તેમને પુસ્તકો સિવાય બીજો કોઈ શોખ નહોતો. તેમની પોતાની જીવનજરૂરિયાતની વસ્તુઓ પણ સાવ સીમિત હતી, અને હિંદુત્વ એમની નસેનસમાં વસતું હતું.

તેમનોે અભ્યાસ મેટ્રિક્યુલેટ (મુંબઈ યુનિવર્સિટી), સંસ્કૃત સાહિત્ય પુરાણપાલિ, વિદ્યાવાચસ્પતિ, ડી.લિટ્ (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) બ્રર્હ્મિષ. કારકિર્દી : ગુજરાત રિસર્ચ સોસાયટી, ગુજરાત શાખા અમદાવાદના નિયામક, ભો.જે. અધ્યયન સંશોધન વિદ્યાભવન- અમદાવાદના માનદ્ અધ્યાપક, પીએચ.ડી.ના માર્ગદર્શક રહ્યા. તેમણે ૧૯૩૭થી ગુજરાત વિદ્યાસભા-અમદાવાદમાં સેવા આપી.

તેઓ ‘ગુજરાતી સાહિત્ય સભા’ના સાત વર્ષ સુધી પ્રમુખ રહ્યા. તેઓ ગુજરાત સાહિત્ય પરિષદમાં બે વર્ષ પ્રમુખ, ગુજરાત ઇતિહાસ પરિષદમાં બે વર્ષ પ્રમુખ, સૌરાષ્ટ્ર કચ્છ ઇતિહાસ પરિષદમાં બે વર્ષ પ્રમુખ, શુદ્ધાદ્વૈત સંસદના મંત્રી-દસ વર્ષથી પ્રમુખપદે રહ્યા. તે દસ વર્ષ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પણ રહ્યા.

૯૦ વર્ષ વટાવ્યા બાદ પણ તેઓ ઝડપભેર ચાલતા. આમ તો તેઓ દોડતા જ લાગે. પગપાળા પ્રવાસ કરે. સ્કૂટર કે રિક્ષામાં જાય. બસમાં મુસાફરી કરે. ટ્રેનમાં સફર કરે. વિમાનમાં ભાગ્યે જ. કે.કા.શાસ્ત્રી વૃદ્ધત્વમાં પણ દોડતા યુવાન લાગે. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આશ્રમરોડ પર ‘વલ્લભસદન’ નામનું મંદિર છે. શહેરમાં બીજો કોઈ પણ ગમે તેટલા મહત્ત્વનો કાર્યક્રમ હોય પરંતુ કે.કા.શાસ્ત્રી ઘરે જતાં પહેલાં વલ્લભ સદન જાય. ક્યારેક ઢોલક લઈને ગાવા બેસી જાય. બીજું કોઈ સાંભળનાર હોય કે ના હોય તેમને કોઈની પરવા નહીં. સામે શ્રીકૃષ્ણ તો છે ને !

સાહિત્ય પરિષદનાં સંમેલનોમાં જાય તો ઘરેથી ભાથું બાંધી લાવે. બે-ત્રણ દિવસ સુધી એ જ ખોરાક લે. વૈષ્ણવ પરંપરા સાચવવા તેઓ બહારનું ભોજન કદી ના લે. શાસ્ત્રીજી ક્યારેક વિદ્યાપુરુષ લાગે તો ક્યારેક ધર્મપુરુષ લાગે. શાસ્ત્રીજી વિશે ડો. કૃષ્ણકાંત કડકિયા નોંધે છે કે : ‘પગાર સિવાયની તમામ આવકો તેમણે દાનમાં આપી દીધી. ૯૨ વર્ષની વયે પણ તેઓ એકવાર ધોમધમખતા તાપમાં મારી સાથે એક ધર્મગ્રંથની બાબતમાં સ્કૂટર પર કપડવંજ આવવા તૈયાર થઈ ગયા.’

ટ્રેનમાં મુસાફરી કરતાં એકવાર  ઈશ્વર પેટલીકર શાસ્ત્રીજી સાથે ચર્ચાએ ચડયા. શાસ્ત્રીજી પ્રૂફ તપાસતા હતા. પેટલીકર કહે, ‘તમે મારી સાથે ચર્ચા કરો છો કે પ્રૂફ તપાસો છો?’ શાસ્ત્રીજીએ કહ્યું, ‘તમારા એક પણ પ્રશ્નોના  મેં જવાબ ન આપ્યો હોય એમ બન્યું છે?’ આવા સતાવધાની વિદ્વાન સતત કામ કરતાં જ દેખાયા છે.

બ્રર્હ્મિષ હેલ્થ અને એજ્યુકેશન રિસર્ચ ફાઉન્ડેશન- બ્રર્હ્મિષ ટ્રસ્ટના પ્રમુખ રસિકભાઈ રાવલ, ‘બ્રર્હ્મિષ કે.કા. શાસ્ત્રીજી’ નામનો  શ્રદ્ધાંજલિ વિશેષાંક બહાર પાડયો છે. તેમાં શાસ્ત્રીજીના જીવન અને કવન વિશે વિસ્તૃત નામાંક્તિ લેખકોના વિસ્તૃત લેખોનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

સ્વ.શાસ્ત્રીજી જ્યાં પણ હશે ત્યાં મૃદંગ વગાડતા હશે. પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં વંદન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન