સાતીર - Sandesh

સાતીર

 | 4:59 am IST
  • Share

બંને આલિંગનબદ્ધ અવસ્થામાં બેડ પર પડયાં હતાં અને ઈન્સ્પેક્ટર ઘેલાણી  અને નાથુ અંદર  પ્રવેશ્યા

  કિરણ નામનો એક માણસ એના ભાઈબંધ અસલમ સાથે પાવાગઢ ગયો હોય છે અને એની લાશ મળે છે. અસલમનો મોબાઈલ પણ બંધ હોવાથી ઈન્સ્પેક્ટર ઘેલાણી અને કોન્સ્ટેબલ નાથુ શંકાના આધારે એ દિશામાં તપાસ હાથ ધરે છે અને જુહાપુરામાં અસલમના ઘરે પહોંચે છે. બુરખામાં સજ્જ એક ઔરતે બારણું ખોલ્યું. અંદરથી તરડાયેલો ખાંસતો અવાજ આવ્યો, ‘કૌન હે બેટી?’

પોલીસને જોઈને બેટીનો અવાજ લેવાઈ ગયો હતો. એ ધ્રૂજતા અવાજે બોલી, ‘પુલીસ હૈ, અબ્બુજાન!’

એ બોલતી હતી ત્યાં જ ઘેલાણી અને નાથુ એને હડસેલીને અંદર પ્રવેશ્યા, ‘અસલમ કહાં હૈ?’

ક્યા હુઆ સાહબ? મેરે બેટેને કુછ કીયા હૈ ક્યા?’ ખૂણામાં બેઠેલા એક અપંગ વૃદ્ધે પૂછયું.

ઘેલાણી જોશથી બોલ્યા, ‘બેટા નહીં હૈ વો કસાઈ હૈ. આપકે બેટેને એક નિર્દોષ આદમી કી હત્યા કી હૈ. જલ્દી બોલો કહાં છૂપા કે રખ્ખા હૈ ઉસે વર્ના સબ કે સબ ફ્સોગે!’

અસલમની ઓરત જોયા અને એના અબ્બુ રડી પડયાં. જોયાએ કહ્યું કે અસલમ તો તેના ભાઈબંધ કિરણ સાથે પાવાગઢ ગયો છે અને ફેન સ્વીચ ઓફ્્ આવે છે. અસલમ રિક્ષાચાલક હતો. કિરણની અને એની છ મહિના પહેલાં જ નવી નવી દોસ્તી થઈ હતી. ઈન્સ્પેક્ટર ઘેલાણીએ જોયાનો મોબાઈલ લઈને ચેક કર્યો. એણે લગભગ અડધા અડધા કલાકે અસલમને ફેન કર્યો હતો, પણ એક પણ વાર વાત નહોતી થઈ. અસલમના કેટલાંક મિત્રો ને સગાંસંબંધીઓના ફેન નંબર લઈને એ વિદાય થયા.

ઈન્સ્પેક્ટર ઘેલાણી મોટા વિચારમાં ડૂબેલા હતા. અસલમના ઘરેથી મળેલા એક તર્કને આધારે એ શોધ કરી રહ્યાં હતા. ખૂબ વિચાર્યા પછી એ એક નિષ્કર્ષ પર આવ્યા હતા. એમણે નાથુને બોલાવ્યો અને કહ્યું, ‘નાથુ, અસલમના ખાસ મિત્રોમાં બે રિક્ષા ડ્રાઈવરો છે. મહંમદ અને યુસૂફ્! બંનેને અહીં પકડી લાવ.’

ફ્કિર નોટ સાહેબ! મૈં હૂં ના! હમણાં જ આવી જશે.’  

અડધા કલાકમાં મહંમદ અને યુસૂફ્ ઘેલાણીની સામે ઊભા હતા. ઘેલાણીએ એમની સાથે લગભગ એક કલાક ચર્ચા કરી અને આખરે કેસ સૉલ્વ થઈ ગયો.

લગભગ મહિના પછીની એક રાત. દોઢ વાગ્યાનું કાળંુ અંધારું એક અવાવરું મકાન પર ઊતરી રહ્યું હતું. દૂર એક રિક્ષા આવીને ઊભી રહી. અંદરથી એક સ્ત્રી ઊતરી. એણે શાલ ઓઢી હતી અને ચહેરો ઢાંકી રાખ્યો હતો. રિક્ષાવાળાને ભાડંુ આપી એેણે રવાના કર્યો અને પછી લપાતા છુપાતા પગલે એ મકાન તરફ્ આગળ વધી. બારણું ખુલ્લું જ હતું. એ ઝડપથી અંદર પ્રવેશી અને બારણું બંધ કરી દીધું.

રિક્ષાની પાછળ જ એક બીજી રિક્ષા પણ આવી હતી. સ્ત્રી અંદર ગઈ એટલે રિક્ષામાં બેઠેલા ઈન્સ્પેક્ટર ઘેલાણી અને નાથુ નીચે ઊતર્યા. બંને મકાન પાસે ગયા અને એક ઝાટકો મારીને બારણું તોડી નાંખ્યંુ. ઓરડાની વચ્ચે બિછાવેલા બેડમાં શીલા અને એનો પતિ કિરણ આલિંગનબદ્ધ અવસ્થામાં પડયાં હતાં. પોલીસને જોતાં જ બંનેના ચહેરા પરનું નૂર અદૃશ્ય થઈ ગયું. ઘેલાણીએ રિવોલ્વર સામે ધરી, ‘કિરણકુમાર, યોર ગેઈમ ઈઝ ઓવર!’  

પોલીસને જેની લાશ મળી હતી એ કિરણ તો જીવતો હતો. એક મોટી ગેઈમના પ્લાનમાં હતો અને ઈન્સ્પેક્ટર ઘેલાણીએ એને પકડી પાડયો હતો. સાથે શીલા પણ હતી. શીલા જ નહીં આ ગેઈમમાં કિરણનો આખો પરિવાર સામેલ હતો. ઘેલાણીએ તાત્કાલિક કિરણના પિતા દામોદરભાઈ અને માતા કામિનીબહેનની ધરપકડ કરી.

ઘેલાણીના ડંડાએ અડધા કલાકમાં જ આખી ગેઈમ પરથી પરદો ઉઠાવી લીધો. કિરણ અને એના પરિવારના સભ્યોની કરુ ભગત કંપનીએ બધા જ ગુના કબૂલી લીધા. કિરણે કહ્યું, ‘સાહેબ, અમારી આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ હતી. ફ્ેક્ટરીની નોકરી ગઈ પછી તો ખાવાના પણ સાંસા હતા, પણ પાંચેક વર્ષ પહેલાં અમારી સ્થિતિ સારી હતી ત્યારે અમે પાંચ લાખનો વીમો લીધો હતો. મારંુ મૃત્યુ થાય તો એ પાંચ લાખ પરિવારને મળવાના હતા. એટલે અમે આખા પરિવારે મળી મારા પોતાના જ મૃત્યુનો પ્લાન ઘડયો. ઘણા આઈડિયા દોડાવ્યા પછી એવું કરવાનું નક્કી કર્યું કે મારે મારાં જ કદ કાઠીવાળા કોઈ માણસને શોધી અને મારી નાંખવો. મને અસલમ મળી ગયો. અમે નક્કી કર્યું કે અસલમની કતલ કરી નાંખવી અને એની લાશ મારી લાશ સાબિત થાય એવી ગોઠવણ કરવી. એટલે એક દિવસ પાવાગઢની માનતાનું કહી મેં અસલમને મારી સાથે લીધો. રેલવે ટ્રેકની પાછળના અવાવરું વિસ્તારમાં જઈને ગળું દબાવીને એને ખતમ કરી નાંખ્યો. પછી પથ્થરથી એનું મોં છૂંદી એસિડ છાંટી દીધું, જેથી કોઈને શક ન જાય. એ પછી મેં મારાં કપડાં, ઘડિયાળ અને ચંપલ એને પહેરાવી દીધાં. અમારા બંનેનો મોબાઈલ સ્વીચ ઓફ્્ કરી ફ્ેંકી દીધો. પ્લાન મુજબ ઘરવાળાએ અસલમ સાથે ગયો હોવાનું કહ્યું. પોલીસ માની ગઈ. અસલમને મેં મારી નાંખ્યો હતો અને એનો અગ્નિસંસ્કાર પણ મારા નામે થઈ ગયો, માટે હવે એ મળવાનો નહોતો. પોલીસ એમ વિચારે કે અસલમ ખૂન કરીને ભાગી ગયો છે એ રીતે જ અમે આખો પ્લાન કર્યો હતો. અને એમ થયું પણ ખરું, પણ શી ખબર કેમ, તમે અમને કેવી રીતે ઝડપી લીધા…’ કિરણ નિસાસો નાંખતાં બોલ્યો.

ઈન્સ્પેક્ટર ઘેલાણીએ એને જોરદાર તમાચો રસીદ કરી દીધો, ‘સાલા, પાંચ લાખ રૂપરડી માટે તેં એક પરિવારના મોભને પાડી દીધો. તને તો નરકમાં પણ જગા નહીં મળે. અને હા, એક વાત યાદ રાખજે કે ગુનેગાર ગમે તેટલો સાતીર હોય એ નિશાની છોડી જ જાય છે. તેં તારા કદકાઠીવાળા અસલમને શોધી તો લીધો, પણ તોયે તું માર ખાઈ ગયો. તું માત્ર કપડાં બદલી શક્યો એના શરીર પરની નિશાનીઓ ન બદલી શક્યો. બદલવાની તો વાત દૂર રહી તને એ ખબર પણ નહોતી.’

કિરણ અને એનો પરિવાર આૃર્ય અને આઘાતથી ઘેલાણીની વાત સાંભળી રહ્યો હતો. ઘેલાણીએ પોતાની ગૌરવાગાથા ખૂબ જ રસથી એમને સંભળાવી, ‘જોકે શરૂઆતમાં તો મને એમ જ હતું કે અસલમે જ તારું ખૂન કર્યું છે, પણ અસલમના ઘરે મેં એનો અને એની પત્નીનો ફેટો જોયો. ફેટામાં અસલમ એની બેગમના ખભા પર એનો જમણો હાથ લટકાવીને ઊભો હતો. એમાં મને જોવા મળ્યું કે અસલમના પંજાની પાછળની સાઈડ, જે ફેટામાં દેખાતી હતી એના પર મોટો અંગ્રેજીચિતરાવેલો હતો.

અચાનક મને યાદ આવ્યુ કે મને જે લાશ મળી હતી એના પંજા પર પણ એવો જચિતરાવેલો હતો. મને શક જતા મેં અસલમની પત્ની જોયાની પૂછપરછ કરી. એણે કહ્યું કે અસલમની ડાબી જાંઘ પર એક મોટું કાળું લાખુ પણ છે. એ પછી મેં બારીક તપાસ કરી. લાશના અગ્નિસંસ્કાર ભલે થઈ ગયા હતા, પણ લાશનું પોસ્ટમોર્ટમ કરતાં પહેલાં એના તમામ એંગલના નિર્વસ્ત્ર ફેટા અમે પાડયા હતા અને બધી નોંધ પણ કરી હતી. મેં એનું બારીક નિરીક્ષણ કર્યું. ફેટામાં મને એ લાખુ પણ દેખાયું. બસ, પછી તો સ્પષ્ટ હતું કે તેં જ અસલમને પતાવીને કિરણ તરીકે એને સ્થાપિત કર્યો છે. કારણ શું હતું એ મને ખબર નહોતી, પણ એ પણ તેં અત્યારે કહી દીધું. હવે સબડજે જેલમાં!’ બોલીને ઈન્સ્પેક્ટર ઘેલાણી ખુમારીભરી ચાલે બહાર નીકળી ગયા અને પાછળ પાછળ નાથુ પણ વટથી ચાલ્યો ગયો

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો