સીરો સર્વે ભલે ગમે તે કહે પણ કોરોના સામેની બેદરકારી ત્રીજી લહેર નોતરી શકે છે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • સીરો સર્વે ભલે ગમે તે કહે પણ કોરોના સામેની બેદરકારી ત્રીજી લહેર નોતરી શકે છે

સીરો સર્વે ભલે ગમે તે કહે પણ કોરોના સામેની બેદરકારી ત્રીજી લહેર નોતરી શકે છે

 | 8:38 am IST
  • Share

દેશમાં એક તરફ કોરોનાની બીજી લહેર ઓસરી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે પણ છેલ્લા ચાર-પાંચ દિવસથી દરરોજ નોંધાતા નવા કેસ પર નજર કરીએ તો કોરોના હજી ગયો નથી તેના પુરાવા મળી રહ્યા છે. તાજેતરમાં કરવામાં આવેલા સીરો સર્વેમાં એવો દાવો કરાયો છે કે દેશની ૬૭ ટકા વસ્તીમાં એન્ટિબોડીઝ વિકસી છે, આમ છતાં ૩૩ ટકા લોકો પર કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે. પહેલી નજરે સીરો સર્વેનો દાવો રાહત આપનારો છે પણ કોરોનાએ દેશમાંથી વિદાય લીધી છે તેમ માનીને જો આપણે સરકારની ગાઇડલાઇન્સનું પાલન કરવાનું બંધ કરીશું અને માસ્ક પહેરવાનું તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું બંધ કરીશું તો ત્રીજી લહેરને સામે ચાલીને આમંત્રણ આપવા જેવી સ્થિતિ સર્જાશે તે નક્કી છે. સીરો સર્વે કહે છે કે દેશમાં ૬ વર્ષથી વધુ વયનાં બે તૃતીયાંશ લોકોમાં કોરોના સામે લડવાની એન્ટિબોડીઝ ડેવલપ થઈ ગઈ છે. પહેલીવાર આ સીરો સર્વેમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં લોકોને સામેલ કરવામાં આવ્યા છે. ૬થી ૧૭ વર્ષની વયનાં ૫૦ ટકાથી વધુ બાળકોમાં એન્ટિબોડીઝ જોવા મળી છે તે સારી નિશાની છે. સંભવિત ત્રીજી લહેરમાં બાળકો વધુ પ્રભાવિત થશે તેવી આશંકા સેવાઈ રહી છે અને નિષ્ણાતો જુદાંજુદાં મંતવ્યો રજૂ કરી રહ્યાં છે ત્યારે ૬૭ ટકા લોકોમાં વિકસેલી એન્ટિબોડીઝનો અહેવાલ લોકો માટે રાહતરૃપ પુરવાર થશે. આ પહેલાં ડિસેમ્બર-જાન્યુઆરીમાં કરવામાં આવેલો ત્રીજો સીરો સર્વે ૨૧ ટકા લોકોમાં એન્ટિબોડીઝ વિકસી હોવાનો સંકેત આપતો હતો.  કોરોનાની બીજી લહેર ભલે જીવલેણ પુરવાર થઈ અને વધુ લોકોનાં મોત થયાં પણ એક વાત નક્કી છે કે મોટાભાગનાં લોકોમાં વિકસેલી એન્ટિબોડીઝને કારણે ભવિષ્યમાં કોરોનાથી થનારા સંક્રમણ અને મોતની સંખ્યામાં ઘટાડો જરૃર થશે. સીરો સર્વે ભલે ગમે તે કહેતો હોય પણ જે રીતે લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના તેમજ માસ્ક પહેર્યા વિના મનફાવે તે રીતે ટોળામાં ફરવા લાગ્યા છે તેનાથી દેશમાં ત્રીજી લહેરનો ખતરો નિવારી શકાશે નહીં. કેરળ અને મહારાષ્ટ્રમાં દરરોજ જે રીતે કોરોનાના નવા કેસ વધી રહ્યા છે તે ત્રીજી લહેરની આલબેલ પોકારી રહ્યા છે. ૩૩ ટકાથી વધુ એટલે કે આશરે ૪૦ કરોડ લોકો પર કોરાના સંક્રમિત થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. ત્રીજી લહેરથી બચવાનો એકમાત્ર ઈલાજ વેક્સિનેશન ઝુંબેશને વધારે ઝડપી બનાવીને વધુમાં વધુ લોકોને વેક્સિન આપવાનો છે. કરુણતા એ છે કે દેશનાં અનેક રાજ્યોમાં વેક્સિનના ડોઝ પૂરતી સંખ્યામાં પહોંચી શક્યા નથી. પરિણામે વેક્સિનેશન ઝુંબેશ હજી જોઈએ તેવી ઝડપ પકડી શકી નથી. કેટલાંક રાજ્યોમાં લોકો હજી એક યા બીજા કારણોસર વેક્સિન લેવાથી દૂર ભાગી રહ્યા છે. બિહાર જેવાં કેટલાંક રાજ્યોમાં ગામડાંમાં વસતા લોકો વેક્સિન લેવાથી દૂર ભાગી રહ્યા છે. જાતજાતની અને ભાતભાતની અફવાઓને કારણે લોકોમાં હજી વેક્સિન લેવા માટે જોઈએ તેવી જાગૃતિ આવી નથી. ૨૧મી જૂને આખા દેશમાં ૮૫ લાખથી વધુ લોકોને વેક્સિન આપીને નવો રેકોર્ડ સ્થાપવામાં આવ્યો પણ તે પછી વેકિસનના ડોઝ સમયસર નહીં પહોંચવાને કારણે કેટલાંક રાજ્યોમાં વેક્સિનેશનની કામગીરી બંધ રાખવાની સત્તાવાળાઓને ફરજ પડી હતી. ત્રીજી લહેરને આવતી રોકવી હોય તો સરકારે તમામ રાજ્યોમાં પૂરતા જથ્થામાં વેક્સિન પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવી પડશે અને લોકોએ સરકારની ગાઇડલાઇન્સનું પાલન કરીને સ્વયં શિસ્તનું પાલન કરવું જ પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન