સુખ કાયમી થઈ જાય તો કેવી મઝા પડે! ખરેખર મઝા પડે ખરી? - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • સુખ કાયમી થઈ જાય તો કેવી મઝા પડે! ખરેખર મઝા પડે ખરી?

સુખ કાયમી થઈ જાય તો કેવી મઝા પડે! ખરેખર મઝા પડે ખરી?

 | 5:00 am IST
  • Share

આપણને આશા હોય છે કે આજે જે બધું આનંદદાયક છે એ બધું કાયમી હોય તો મઝા પડી જાય! ખાતરીથી માનજો કે આજે જેમાં તમને મઝા આવે છે એ કાયમી રહે તો તમને કંટાળો આવવા લાગશે. કાયમી રહેવા માટે સ્થિર થવું પડે, અને સ્થિરતા બ્રહ્માંડને સ્વીકાર્ય નથી

  આપણે ઈચ્છીએ કે આપણો પરિવાર, આપણા મિત્રો, સગાંસંબંધીઓ, સમાજ બધા આમ જ આપણને સપોર્ટ કરતા રહે. આજે જે આનંદ છે એવા જ આનંદમાં આખું જીવન વીતી જાય, પરંતુ આપણી એ આશા કહો કે કલ્પના ભ્રામક છે. ખાતરીથી જાણી લો કે આજે જે તમને આનંદદાયક લાગે છે એ જો આવું ને આવું સતત જળવાઈ રહે તો તમે કંટાળી જશો. કોઈપણ વસ્તુ કે સ્થિતિએ કાયમી રહેવા માટે સ્થિર થવું પડે, અને સ્થિરતા બ્રહ્માંડને જ સ્વીકાર્ય નથી.

આપણા શરીરમાં, આપણા પરિવારમાં, આપણા વર્તુળમાં, આપણા સમાજમાં, ગામ, રાજ્ય, દેશ, દુનિયામાં, પર્યાવરણમાં સતત બધું બદલાતું જ રહે છે. ચાલો, જરાક નજર કરીએ.

તમારી ચામડીના 40,000 કોષ દર મિનિટે ખરી પડે છે. એટલે કે કોઈ જગ્યાએ તમે એક કલાક બેસો તો ત્યાં તમારી ચામડીના ખરી પડેલા 24 લાખ મૃત કોષનો ઢગલો થઈ જાય. જો એમ ન થાય તો તમે એકાદ મહિનામાં જ લીમડા, પીપળા કે વડના વૃક્ષના થડ જેવા દેખાવા લાગો. એક વર્ષમાં તમારી ચામડીના ચાર કિલોગ્રામ મૃત કોષ ખરી પડે છે. જેટલા કોષ ખરી પડે એટલા જ નવા કોષ ચામડીની અંદરના થરમાં બનીને આવતા રહે છે. એટલે જ તમારી ચામડી તાજગીભરી દેખાતી રહે છે. ચામડીના બહાર દેખાતા કોષ તો ચામડીના કુલ કોષના પાંચ ટકા જ હોય છે. બાકીના 95 ટકા દેખાતા જ નથી, છતાં એમના કારણે જ તમારી ચામડી તાજગીભરી દેખાય છે. દર 39 દિવસે તમારી આખા શરીરની ચામડી નવી બની ગઈ હોય છે. બદલાઈ ગઈ હોય છે.

એનો અર્થ એ થયો કે તમારું સ્વરૂપ દરરોજ, દર ક્ષણે બદલાતું રહે છે. એટલે કે તમે જેવા આ વાક્ય વાંચવાનું શરૂ કરો છો ત્યારે છો એવા આ વાક્ય વાંચી રહ્યા પછી નથી રહેવાના. બદલાઈ ગયા છો, કારણ કે તમે સતત બદલાતા રહો છો. તમારા માથામાં વાળ દરરોજ સેન્ટીમીટરના એક દોરા જેટલા ચામડીમાંથી નવા બનીને બહાર આવે છે. મગજમાં નવા ન્યૂરોન્સ પ્રતિક્ષણ બનતા રહે છે. એ ન બને તો મગજનું કામ અટકી પડે. તમે ફ્રીઝ થઈ જાવ. તમારી પાંસળીનાં હાડકાં સતત અંદરથી નવાં બનતાં રહે છે, બહારથી ઘસાઈને બહાર નીકળતાં રહે છે. પંદર વર્ષમાં પાંસળીઓ નવી બની ગઈ હોય છે. લિવરના કોષ રોજેરોજ નવા બનતા રહે છે. એક વર્ષમાં આખું લિવર નવું બની ગયું હોય છે. હૃદયની અંદરના કોષ પણ સતત નવા બનતા રહે છે. દર છ વર્ષે હૃદય અંદરથી આખું નવું બની જાય છે. લોહીમાં રક્તકણ એટલે કે લાલકણ સતત નવા બનતા રહે છે, જૂના શરીરની બહાર નીકળતા જાય છે. દર ચાર મહિને આખા શરીરનું લોહી નવું બની ગયું હોય છે. પેન્ક્રિયાસ પણ સતત નવું બનતું રહે છે. નાનું આંતરડું દર સોળ વર્ષે નવું બની ગયું હોય છે અને મોટું આંતરડું દર પાંચ દિવસે અંદરથી નવું બની જાય છે. આપણા શરીરનાં બધાં હાડકાં દર દસ વર્ષે બદલાઈને નવાં બની ગયાં હોય છે.

શરીરમાં હોર્મોન સતત સ્ત્રાવ થતા રહે છે. એને કારણે તમારો મૂડ પણ સતત બદલાતો રહે છે. તમારી પસંદ બદલાતી જાય છે. આ તો તમારા શરીરની અને માનસની વાત થઈ, આસપાસ નજર કરીએ તો દરેક વૃક્ષ, વનસ્પતિ, જીવજંતુ, પશુપંખી, વાયુ, માટી, પાણી બધું જ સતત બદલાઈ રહ્યું છે. કહેવત છે કે એક નદીમાં તમે બે વખત આંગળી બોળી શકતા નથી. એક વખત આંગળી બોળી ત્યારે નદીમાં જે પાણી હતું એ આંગળી બોળતી વખતે વહી રહ્યું હતું અને આંગળી બહાર કાઢતાં જ ખાસ્સું આગળ વહી ગયું હતું. ફ્રી આંગળી નાખો ત્યારે નવું પાણી હોય છે. નદીનું નામ તો આપણે પાડયું છે તેથી એ જ રહે છે, પરંતુ નદીનું રૂપ એકસરખું  કદી રહેતું નથી. બંધિયાર પાણી પણ દર ક્ષણે વરાળ બનીને હવામાં ભળતું રહે છે અને તેમાં માટીના ક્ષાર ઓગળતા રહે છે. એટલે એનું પણ સ્વરૂપ બદલાતું જ રહે છે.

તમે જેનો જેનો વિચાર કરી જોશો તો ખ્યાલ આવશે કે એ બધું જ સતત બદલાઈ રહ્યું છે, જીવંત વસ્તુઓ નવા કોષ બનવાથી બદલાય છે, નિર્જીવ વસ્તુઓ ઘસારો લાગવાથી બદલાય છે. પર્વત તો સદીઓથી ત્યાંનો ત્યાં જ છે એવું આપણે માનીએ છીએ, પરંતુ એ પણ ઘસારો ખાઈને બદલાતો રહે છે. એના ખડકના કણ પાણીથી, પવનથી, ઘસારાથી, રસાયણથી ખરતા રહે છે. એટલે પર્વત પણ બદલાઈ રહ્યો છે.

એટલા માટે જ પેલી કહેવત છે કે પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે. જો બધું જ બદલાતું હોય તો સમયસંજોગો પણ બદલાતા જ રહેવાના, એટલે સુખદુઃખ બદલાતાં રહેવાનાં! કશુંય ન બદલાય એ તો શક્ય જ નથી, છતાં માનો કે સમયસંજોગો જરાય ન બદલાય, જેવાં છે એવાં જ રહે તો ખરેખર તમને મઝા આવે?

આનો જવાબ મેળવવો હોય તો એક પ્રયોગ કરી જુઓ. તમને સૌથી ગમતું ગીત વારંવાર સતત સાંભળતા રહો, જુઓ કે એ તમારું સૌથી ગમતું ગીત કેટલો સમય સુધી મઝા આપેે છે. તમને ગમતી વ્યક્તિ સાથે ચોવીસે કલાક સતત સાથે ને સાથે રહી જુઓ, જરાય જુદા નહીં પડવાનું, બીજું કશું જ નહીં કરવાનું; એ વ્યક્તિ સાથે જ રહેવાનું, જે કરો એકસાથે જ કરવાનું. કરી જુઓ પછી કહેજો, કેટલો સમય એકબીજાને ગમતા રહી શકો છો! તમારી સૌથી ગમતી વાનગી, સુગંધ સતત ચોવીસે કલાક માણતા રહો અને જુઓ કેટલા દિવસ મઝા આવે છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો