સેવાથી ભગવદ્પ્રાપ્તિ  - Sandesh

સેવાથી ભગવદ્પ્રાપ્તિ 

 | 3:00 am IST
  • Share

ભગવાને સૌને સેવા કરવાની અપાર શક્તિ અને સ્વાધીનતા આપી છે, તેથી શરીરની, પોતાના પરિવારજનોની, સમાજની, સંપૂર્ણ સંસારની, ભગવાનની અને પોતાની સેવા કરી શકાય છે. ભગવદ્પ્રાપ્તિ માટે સેવાના આશય જુદાજુદા હોય છે.

બુરાઈરહિત જીવન : જીવનમાં કોઈની પણ કોઈ પણ પ્રકારની બુરાઈ કે નિંદા કરવી જોઈએ નહીં. અહીંથી જ સેવાનો આરંભ થાય છે. બીજા લોકોને ખરાબ સમજવા, તેમનું ખરાબ ઇચ્છવું, ખરાબ કરવું એ ખરેખર મોટી બુરાઈ છે. મોહ, મમતા, કામના, રોગ, દ્વેષ, અહંકાર એ સઘળી સૂક્ષ્મ બુરાઈઓ છે. પોતાના ગુણો અને ભલાઈનો ગર્વ એ બુરાઈનાં મૂળ છે. જે સર્વાંશે બુરાઈ રહિત થઈ જાય ત્યારે તે વ્યક્તિ સંપૂર્ણ બ્રહ્માંડની સેવા કરી શકે છે.

હિતભાવ : સેવા એ મનમાં રહેનારો એક ભાવ છે. સર્વને સુખ, સુવિધા, સન્માન, પ્રસન્નતા મળે, બધા જ લોકો સ્વસ્થ અને નિરોગી થઈ જાય, સર્વને શાંતિ, મુક્તિ, ભક્તિ મળે, સર્વનું કલ્યાણ થાય- આવા પ્રકારની ભાવના રાખવી એ એક મોટી સેવા જ છે. શ્રીરામચરિતમાનસમાં ભગવાન શ્રીરામની વાણી છે – જેના મનમાં બીજાનું હિત વસે છે, તેના માટે જગતમાં કંઈ પણ દુર્લભ નથી.

કરુણા અને પ્રસન્નતા : દુઃખીઓને જોતાં જ હૃદયમાં કરુણા આવી જાય, સુખી લોકોને જોઈ હૃદય પ્રસન્નતાથી ભરાઈ જાય તેનું નામ સેવા છે. હૃદયમાં કરુણાની ગંગા વહેતી રહે અથવા પ્રસન્નતાનો સાગર લહેરાતો રહે તે પણ સેવા જ છે. તેના માટે હિતભાવ, કરુણા, પ્રસન્નતા હૃદયમાં છલકાતાં રહેવાં જોઈએ.

ક્રિયાત્મક સહયોગ : હિતભાવ અને કરુણા તેની જાતે જ ક્રિયાત્મક સહયોગમાં બદલાશે. ક્રિયાત્મક સહયોગનો અર્થ છે પવિત્ર ભાવથી અન્યને તેની જરૂરિયાતની ચીજ આપી દેવી. જરૂરિયાતમંદ વ્યક્તિને જે વસ્તુની જરૂર હોય તેને તે વસ્તુ આપવી અને તે આપતી વખતે મનમાં પ્રસન્નતાની ભાવના રહેવી જોઈએ અને તેમાં લેશમાત્ર ગર્વ ન ધરાવવો. 

સેવા નાની-મોટી હોતી નથી : મોટી સેવામાં મોટું ફ્ળ અને નાની સેવામાં નાનું ફ્ળ મળે એવું હોતું નથી. સેવા નાની હોય કે મોટી હોય, બંનેનું ફ્ળ સમાન જ હોય છે.

ભગવાનને પ્રેમ સમર્પવો : ભગવાનની પૂજા વખતે તે સામાન્ય રૂપે સન્મુખ આવે એ પ્રકારની ભાવના રાખવી એ પણ એક પ્રકારની સેવા જ છે.

ઇચ્છા ન રાખવી : સેવા અને પ્રેમ આપનાર ભોગ કે મોક્ષ ઇચ્છતા નથી. સેવાના બદલામાં તે કેવળ અનંત સમય સુધી સેવા કરતો રહે તેવું ઇચ્છે છે.

સેવક બનવું : સેવક બની જતાં આપોઆપ સેવા થાય છે. પોતે કોઈ પણ પ્રકારની બુરાઈ કરશે નહીં. સર્વ તરફ્ હિતભાવ રાખશે. પવિત્ર ભાવે યથાશક્તિ ક્રિયાત્મક સહયોગ આપશે, બદલામાં કંઈ પણ ઇચ્છશે નહીં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો