સ્નોવાઇટ અને જાદુગર રાણી - Sandesh

સ્નોવાઇટ અને જાદુગર રાણી

 | 3:00 am IST
  • Share

જાદુગર રાણીને સુંદરતાનો બહુ ઘમંડ હતો

એક રાજા અને રાણી હતાં. તે પોતાની પ્રજાને ખૂબ પ્રેમ કરતાં. રાણીને જ્યારે દીકરી આવી ત્યારે આખા રાજ્યની પ્રજાએ ખૂબ મોટો ઉત્સવ ઊજવ્યો હતો. રાજાની કુંવરીને જોવા ગામેગામથી લોકો આવતાં, કારણ કે તે અત્યંત સુંદર હતી. તે રાજ્યથી દૂર એક જાદુગરણી રહેતી હતી. તેને પોતાની સુંદરતાનો ખૂબ ઘમંડ હતો. તેની પાસે એક અરીસો હતો, તે રોજ પોતાના અરીસાને પૂછતી કે આ જગતમાં સૌથી સુંદર કોણ? પહેલાં તો અરીસો તે જાદુગરણીનું નામ આપતો, પણ રાજાની કુંવરી ઔસ્નોવાઇટના જન્મ બાદ અરીસાએ સ્નોવાઇટનું નામ આપતાં તે જાદુગરણી ગુસ્સે થઈ ગઈ. તેણે કહ્યું કોણ છે એ સ્નોવાઇટ. અરીસાએ કહ્યું આ જંગલની બાજુમાં જે રાજ્ય છે તેની રાજકુંવરી.  

જાદુગરણીને સ્નોવાઇટ માટે એટલો ગુસ્સો હતો કે તે ગમેતેમ કરીને તેને મારવા માંગતી હતી. તેણે એક વાર જંગલમાં ફરવા નીકળેલી રાણીને જાદુ કરીને પક્ષી બનાવી દીધી અને તેના સ્થાને પોતે રાજા સાથે લગ્ન કરી લીધાં. લગ્નના થોડા દિવસ બાદ તેણે પોતાના સૈનિકોને કહ્યું કે રાજાને ખબર ન પડે તેમ તમે સ્નોવાઇટને લઇ જાવ અને જંગલમાં લઇ જઇને મારી નાખો. સૈનિકો નાની ઔસ્નોવાઇટને લઇ તો ગયા પણ આટલી નાની કુંવરીને મારવાની તેમની હિંમત ન ચાલી, એટલે સૈનિકોએ તેને ત્યાં છોડી દીધી અને રાણીએ તેમને શું કરવા મોકલ્યા હતા તે જણાવીને સ્નોવાઇટને કહ્યું કે જો તું મહેલમાં પાછી આવીશ તો રાણી તને જીવવા નહીં દે, તેથી ભલાઈ એમાં જ છે કે તું બીજે જતી રહે. સ્નોવાઇટ જંગલમાં ભટકવા લાગી. તે ફરતાં ફરતાં એક નાના ઘરમાં પહોંચી. તેને ખૂબ ભૂખ લાગી હતી. નાનું ઘર જોઈ તે ખૂબ ખુશ થઇ ગઇ અને ઘરમાં ગઇ. ઘરમાં જાતજાતનાં ફળો પડયાં હતાં. તેણે તે ફળો ખાધાં અને સૂઈ ગઇ. થોડી વાર થઈ એટલે એકસાથે પાંચ વેંતિયા ત્યાં આવ્યા. તેમણે જોયું કે તેમના ઘરમાં કોઇ સુંદર છોકરી આરામ કરી રહી છે. તેમણે સ્નોવાઇટને જગાડી અને તેને આમ અહીં આવવાનું કારણ પૂછયું. તેણે તે વેંતિયાઓને પોતાની નવી માતા વિશે બધું જણાવ્યું અને રડવા લાગી. વેંતિયાઓએ તેને શાંત પાડી પોતાના ઘરે રહેવા જણાવ્યું. સ્નોવાઇટ ખુશ થઇ ગઇ. બીજી તરફ નવી રાણીના રૃપમાં આવેલી જાદુગરણી મહેલમાં રાજ કરી રહી હતી. એક વાર તેણે પોતાના જાદુઈ મિરરને ફરીથી કાઢયો અને તેને ફરીથી પૂછયું કે આ દુનિયામાં સૌથી સુંદર કોણ? મિરરે ફરી સ્નોવાઇટનું નામ આપ્યું અને સ્નોવાઇટ મરી નથી પણ જંગલમાં સુખેથી જીવી રહી છે તેમ પણ જણાવ્યું. જાદુગરણી ત્યાં ગઈ અને છળથી તેને ઝેરવાળું સફરજન ખવડાવી દીધું. સ્નોવાઇટ બેભાન થઇ ગઇ. થોડી વાર બાદ વેંતિયાઓ આવ્યા, તેમણે તેને જગાડવાનો પ્રયત્ન કર્યો પણ તે જાગી નહીં. વેંતિયાઓ આ જોઈને ડરી ગયા. એ સમયે એક રાજકુમાર ત્યાંથી નીકળ્યો, વેંતિયાઓનાં ઘરને જોઈને તે ત્યાં ગયો. ત્યાં સ્નોવાઇટને જોતાં તે ઓળખી ગયો. આ તો સ્નોવાઇટ છે, મારા પિતાના મિત્ર રાજાની દીકરી. તેણે સ્નોવાઇટનો હાથ પકડયો અને તેને જગાડી. સ્નોવાઇટ જાગી અને તેણે જાદુગરણીએ તેને કઈ રીતે બેભાન કરી તેની વાત કરી.  

આ સાંભળી રાજકુમારે એક પ્લાન બનાવ્યો, પ્લાન મુજબ વેંતિયાઓ જાદુગર બનીને જાદુગરણીના રાજ્યમાં ગયા. ત્યાં તેમણે રાજા અને જાદુગર રાણીને કહ્યું કે તમે જંગલમાં આવો, અમારી પાસે એવી જડીબુટ્ટી છે જે ખાઈને તમે હંમેશાં યુવાન રહેશે. જાદુગરણીને લાલચ જાગી, તે રાજાને લઈને જંગલમાં ગઈ. ત્યાં સ્નોવાઇટ અને રાજકુમાર ઊભાં હતાં. સ્નોવાઇટ પિતાને જોઈને તેમને વળગી પડી, અને ખરાબ જાદુગર રાણીની સમગ્ર હકીકત રાજાને જણાવી દીધી. રાજાએ જાદુગરણીને મહેલમાંથી કાઢી મૂકી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો