સ્લમડોગ મિલિયોનર બનાવતાં પહેલાં ડેનીએ સત્યા ફિલ્મનો સ્ટડી કર્યો હતો   - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • સ્લમડોગ મિલિયોનર બનાવતાં પહેલાં ડેનીએ સત્યા ફિલ્મનો સ્ટડી કર્યો હતો  

સ્લમડોગ મિલિયોનર બનાવતાં પહેલાં ડેનીએ સત્યા ફિલ્મનો સ્ટડી કર્યો હતો  

 | 3:00 am IST
  • Share

ન્યૂકમર મનોજના હાવભાવ, તેની બોડી લેન્ગ્વેજ, તેની આંખો આ બધું જ એક અન્ડરવર્લ્ડ ડોનમાં હોય તેવું જ હતું, તે જ સમયે તેણે મનોજને બોલાવીને બીજી ફિલ્મ આપી હતી

 તમે હાલ જે રામગોપાલ વર્માને જોઇ રહ્યાં છો તે તદ્દન અલગ છે. રામુને ખરો પિછાણવો હોય તો તેણે 90ના દાયકામાં બનાવેલી તેની માસ્ટરપીસ ફિલ્મો જોવી જોઇએ. તેને હીરોની પરખ હતી, તેને વાર્તાની એટલી ઊંડી પરખ હતી કે પોતાની વાર્તામાં તે અવનવો પ્રયોગ કરતો ત્યારે બધાંને ખાતરી રહેતી કે આ તુક્કો તીર બનીને ફિલ્મી પડદે લાગશે. ખેર, સૂર્ય બધાંનો અસ્ત થતો હોય છે. આમ પણ રૂપેરી પડદાની દુનિયા દરેકને તેની કરિયરનો શ્રેષ્ઠ દસકો બતાવે છે, જો તમને તે તક ઝડપતાં આવડે તો.  

વાત કરીએ સત્યા ફિલ્મની તો આ ફિલ્મની વાર્તા સૌરભ શુક્લા અને અનુરાગ કશ્યપે લખી છે. જો કે અનુરાગ કશ્યપ કહે છે કે સત્યા માટે હું કે સૌરભ એકલા ક્રેડિટ કોઈ સંજોગોમાં ન લઇ શકીએ. માસ્ટરપીસ ફિલ્મો પાછળ કોઇ એક વ્યક્તિ નથી હોતી, અનેક વ્યક્તિની મહેનત અને અનેક વ્યક્તિનું મગજ તેની પાછળ કામ કરતું હોય છે. તમે શોલેનો જ દાખલો લઇ લો. આ ફિલ્મની ક્રેડિટ કોઇ એક વ્યક્તિને થોડી આપી શકાય? હા, એક વાત ચોક્કસ કહેવી પડે કે ફિલ્મની વાર્તાનો કોન્સેપ્ટ રામુના મગજની ઉપજ છે. તેના મનમાં આ વાત ચાલી રહી હતી, તેણે અમને તે જણાવી અને અમે તેને વાચા આપી હતી. જોકે ફિલ્મ જેમ જેમ લખાતી ગઇ તેમ તેમ તેણે આખું અલગ જ સ્વરૂપ લઈ લીધું હતું. અનુરાગ કહે છે કે મને હજી યાદ છે કે રામુ દોડ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો તે સમયે હું ત્યાં મારા એક મિત્રને મળવા પહોંચ્યો હતો. વેલ, મિત્રને મળવાનો મોટો ઉદ્દેશ્ય મારી લખવાની ઇચ્છા જ હતી. મારા મિત્રએ મારી ઓળખાણ કરાવી. મેં તેને કહ્યું કે મને વાર્તા લખવાનો શોખ છે. રામુએ મને પૂછયું કે તે આયન રેન્ડની ફાઉન્ટેનહેડ વાંચી છે? મેં કહ્યું હા, તો તેણે તરત કહ્યું તું લખવા માંગે છેને? બસ, તો તેને આપણે અન્ડરવર્લ્ડમાં મિક્સ કરીને કંઈક બનાવીએ. હું રામુની સામે જોઈ રહ્યો. મને વિચાર આવ્યો કે આ માણસનું મગજ ગજબ છે. એ સમયે રામુ એક સીન શૂટ કરી રહ્યો હતો. એ સીનમાં નવાસવા આવેલા મનોજ બાજપાઇને એક્ટ કરવાનું હતું. મનોજનો એક સીન હતો જેમાં તેણે બારણું ખોલીને માત્ર આવવાનું હતું. રામુ એ સીન જોઇને મનોજ ઉપર ફીદા થઇ ગયો હતો. ન્યૂકમર મનોજના હાવભાવ, તેની બોડી લેન્ગ્વેજ, તેની આંખો આ બધું જ એક અન્ડરવર્લ્ડ ડોનમાં હોય તેવું જ હતું. રામુએ તે જ ક્ષણે મનોજને બોલાવીને કહ્યું ‘સુન લડકે, હમ દુસરી ફિલ્મ ભી સાથ મેં કર રહે હૈ. તૂ બસ તૈયાર હો જા. મુજે તુમ્હેં લીડ રોલમેં દેખના હૈ.’ આ હતી રામુની નજર. અનુરાગ વાત આગળ વધારતાં કહે છે કે તે દિવસે મળ્યા બાદ ત્રણ મહિના માટે તે વિદેશ જતો રહ્યો હતો. બીજી તરફ મને પણ એમ થયું કે એમ કંઈ આટલો મોટો ડાયરેક્ટર થોડો મારા જેવા સ્ટ્રગલર સાથે કામ કરે? હું એ વાત ભૂલી પણ ગયો હતો. ત્યાં એક વાર રામુનો મારી પર ફોન આવ્યો. મને કહે હું ભારત આવી ગયો છું, તું મારી ઓફિસ આવી જા, આપણે પેલી ફિલ્મ વિશે વાત કરી લઇએ. મને નવાઇ લાગી અને ખુશી પણ થઇ. હું રામુની ઓફિસ પહોંચ્યો, મેં ત્યાં જઇને તેને કહ્યું કે હું અને મારો મિત્ર સૌરભ શુક્લા સાથે મળીને આ ફિલ્મ લખીએ તો? રામુએ તદ્દન સહજતાથી હા કહી અને અમે સૌરભને મળવા બોલાવી લીધો. તે સમયે રામુએ અમને તેના મગજમાં રમી રહેલી વાર્તા જણાવી. આ વાર્તા જાણતાની સાથે જ સૌરભ શુક્લાએ સ્પોન્ટેન્સિયલી એક સીન કહ્યો. આ એ જ સીન હતો જેમાં મનોજ બાજપાઈ ઘરે આવે છે અને તે તેની પત્નીને લાફો મારે છે, સામે શેફાલી પણ તેને લાફો મારે છે. રામુ આ સીનથી ઘણો જ ઇમ્પ્રેસ થઇ ગયો, તેણે કહ્યું આ સીન ફિલ્મમાં હશે. ધીરેધીરે અમે આખી વાર્તાનો પ્લોટ ઓલમોસ્ટ એક જ બેઠકમાં ચર્ચી લીધો હતો. થોડી વાર બાદ રામુએ તેના ઓફિસબોયને બોલાવ્યો અને કોફી ઓર્ડર કરી. ઓફિસબોયનું નામ ભીખુ હતું. બસ, તેનું નામ તેણે કહ્યું તે જ સમયે ફિલ્મના વિલન ભીખુ મ્હાત્રેનું નામ ફાઇનલ થઇ ગયું. બ્રિટિશ ડાયરેક્ટર ડેની બોયલ જ્યારે સ્લમડોગ મિલિયોનર બનાવી રહ્યાં હતા ત્યારે ખરા મુંબઈને જાણવા તેમણે સત્યા ફિલ્મનો સ્ટડી કર્યો હતો. આ હતી સત્યાની ખરી સફળતા. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો