હાથી કેમ એના કાન સતત હલાવતો રહે છે? - Sandesh

હાથી કેમ એના કાન સતત હલાવતો રહે છે?

 | 3:00 am IST
  • Share

 તમે જોયું હશે કે હાથી આખો દિવસ પોતાના કાન હલાવતો રહે છે. તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે એ શા માટે આવું કરે છે? હકીકતમાં હાથી પોતાના વિશાળકાય શરીરની ગરમીને કાન દ્વારા બહાર છોડી દે છે. આ કામ હાથીના કાનની કોશિકાઓ કરે છે. તેથી તમે જોયું હશે કે આફ્રિકાના હાથીઓના કાન બહુ મોટા હોય છે, કારણ કે ત્યાં ગરમી વધારે પડે છે.  

રેલવેની શરૃઆત થઈ એ પહેલાં ટ્રેનના ડબ્બા ધકેલવા માલસામાન માટે ક્રેનના બદલે હાથીનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ વાત 1963ની છે, જ્યારે વડોદરમાં ટ્રેનને ખેંચવાથી માંડી માલ સામાનની હેરાફેરી કરવા હાથીનો ઉપયોગ કરવામાં આવતો હતો.  હાથી સામાન્ય રીતે ૧૩થી ૧૪ વર્ષની ઉંમરમાં યુવાન બની જાય છે. હાથી પાણીની ગંધને 4.5 કિલોમીટરના અંતરથી સૂંઘી શકે છે. હાથી એકમાત્ર એવું જાનવર છે, જે કૂદી શકતું નથી અને તેને ચાર ઘૂંટણ હોય છે. સિંહને ભલે જંગલનો રાજા કહેવામાં આવતો હોય, પરંતુ તે ગેંડા અને હાથી સામે ક્યારેય લડવાનું પસંદ કરતો નથી. હાથીનો અવાજ માણસના અવાજની જેમ ભિન્ન હોય છે. થોડા સમય પહેલાં થયેલા એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે હાથી જે અવાજ સાંભળે છે તેની નકલ કરી શકે છે. હાથી ક્યારેય પરસ્પર લડતાં નથી. હાથી હંમેશાં ઝુંડમાં રહે છે. જ્યારે ઝુંડમાંથી એક હાથીનું મૃત્યુ થાય ત્યારે બધાં જ ઝુંડ ભેગાં થઇને મોટેમોટેથી અવાજ કાઢીને શોક વ્યક્ત કરે છે. હાથીને ચોખ્ખાઈ પસંદ છે અને તે દરરોજ નહાય છે. હાથી પોતાની સૂંઢથી જમીન પર પડેલો સિક્કો પણ ઉપાડી શકે છે.  

હાથીની આંખનો પ્રકાશ ઓછો હોય છે. તેથી તે પોતાની સૂંઢનો ઉપયોગ નેત્રહીન વ્યક્તિ લાકડીનો ઉપયોગ કરે એ રીતે કરે છે. હાથી ચાલતી વખતે સૂંઢથી નીચેની તરફ ફૂંક મારે છે. હવા જમીન સાથે અથડાઈને પરત આવે છે, એનાથી તેને આગળના રસ્તાનો અંદાજ આવી જાય છે. આંખનો પ્રકાશ ઓછો હોવાથી તીવ્ર પ્રકાશ હોય ત્યારે હાથીને ઓછું દેખાય છે અને ઓછા પ્રકાશમાં વધારે જોઈ શકે છે.  

યુવાન આફ્રિકન હાથીનું વજન આશરે 6160 કિલોગ્રામ હોય છે, જ્યારે ભારતીય હાથીનું વજન 5000 કિલોગ્રામની આસપાસ હોય છે. જાનવરોમાં હાથીઓનું મગજ સૌથી મોટું હોય છે. હાથીની યાદશક્તિ પણ સારી હોય છે. તે લાંબા સમય સુધી પાણીમાં તરી શકે છે.  

હાથી એક વખતમાં પોતાની સૂંઢમાં આશરે ૮થી ૯ લિટર સુધી પાણી ભરી શકે છે. તે સૂંઢથી 350 કિલોગ્રામ જેટલું વજન ઉપાડી શકે છે. માદા હાથી દર ચાર વર્ષમાં એક બાળકને જરૃર જન્મ આપે છે. એનો ગર્ભકાળ આશરે ૨૨ મહિના સુધીનો હોય છે. નવા જન્મેલા હાથીની લંબાઈ આશરે 83 સેન્ટીમીટર અને વજન 112 કિલો સુધીનું હોય છે. હાથી પોતાના પગનો ઉપયોગ સાંભળવા માટે કરે છે. જ્યારે હાથી ચાલે છે ત્યારે જમીનમાં એક વિશેષ પ્રકારનું કંપન પેદા થાય છે. આ કંપનની મદદથી હાથી બીજા હાથી વિશે જાણી લે છે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો