હું વ્હિસ્કીથી ભરેલો ગ્લાસ હાથમાં ખુલ્લો રાખતી હતી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • હું વ્હિસ્કીથી ભરેલો ગ્લાસ હાથમાં ખુલ્લો રાખતી હતી

હું વ્હિસ્કીથી ભરેલો ગ્લાસ હાથમાં ખુલ્લો રાખતી હતી

 | 6:37 am IST
  • Share

 

 

 

બેગમ પારા.

નવી પેઢીએ તો આ નામ સાંભળ્યું જ નહીં હોય. ૧૯૪૦થી ૧૯૫૦ના સમયગાળામાં મુંબઇના બોલિવૂડમાં તો એક બોલ્ડ એન્ડ બ્યુટીફુલ અભિનેત્રી તરીકે જાણીતી હતી. હિન્દી ફિલ્મ જગતમાં તેનો ડંકો હતો. ૧૯૫૦ના ગાળામાં તે બોલિવૂડની ગ્લેમર ગર્લ તરીકે જાણીતી હતી.

બેગમ પારાનો જન્મ તા. ૨૫ ડિસેમ્બર ૧૯૨૬ના રોજ બ્રિટિશ ઇન્ડિયાના સમયમાં જેલમ (પંજાબ) ખાતે થયો હતો. હવે એ વિસ્તાર પાકિસ્તાનમાં છે. બેગમ પારાનું અસલી નામ ઝુબેદા ઉલ હક હતું. તેનું પરિવાર મૂળ અલીગઢનું વતની હતું. તેના પિતા બિકાનેરમાં જજ હતા. જેઓ પાછળથી રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા.

બેગમ પારાનું શિક્ષણ  અલીગઢ મુસ્લિમ યુનિર્વિસટી દ્વારા થયું હતું. એનો ભાઈ મસરુુલ હક ૧૯૩૦ના ગાળામાં મુંબઈ ગયો અને એક્ટર બની ગયો. અહીં તે પ્રોતિમા દાસ ગુપ્તા નામની  બંગાળી અભિનેત્રીના પ્રેમમાં પડી ગયો અને તેને પરણી પણ ગયો.

એ સમયગાળા દરમિયાન તેની બહેન ઝુબેદા (બેગમ પારા) અવારનવાર તેના ભાઈને મળવા મુંબઈ જતી હતી. તે તેની ભાભીની ગ્લેમરસ ઇમેજથી પ્રભાવિત થઈ હતી. તે તેની ભાભી પ્રોતિમા સાથે ફિલ્મી કલાકારોના ગેટ-ટુ ગેધર કાર્યક્રમો ને પાર્ટીઓેમાં જતી હતી. લોકો તેના ચહેરાની સુંદરતાથી પ્રભાવિત થતા હતા અને તેને ફિલ્મમાં કામ કરવા આમંત્રણ આપતા હતા. એકવાર શશધર મુખરજી અને દેવિકા રાણી તરફથી પણ તેને આવી જ ઓફર આવી. એના પિતાએ અનિચ્છાએ તેને મંજૂરી આપી અને કહ્યું કે, લાહોરમાં તું કદી કામ કરતી નહીં.

હવે તે ઝુબેદા તરીકે નહીં પરંતુ બેગમ પારા તરીકે જાણીતી હતી. ફિલ્મી જગતમાં તેને પ્રથમ બ્રેક ૧૯૪૪માં પૂનાના પ્રભાત સ્ટુડિયોમાં બની રહેલી ફિલ્મ ‘ચાંદ’માં મળ્યો. પ્રેમ આદિબ તે ફિલ્મમાં હીરો હતા અને સિતારાદેવીએ વેમ્પની ભૂમિકા ભજવી હતી. બેગમ પારાને પ્રભાત સ્ટુડિયોમાં કામ કરવાના મહિને રૃ. ૧,૫૦૦ મળતા હતા જે એ સમયગાળામાં એક સારું વેતન ગણાતું. એ જમાનામાં કલાકારોનો જે તે સ્ટુડિયોમાં વેતનથી કામ કરવાનો શિરસ્તો હતો.

એ ફિલ્મની સફળતા બાદ તેની ભાભી પ્રોતિમાએ ૧૯૪૫માં ‘છમિયા’ નામની ફિલ્મ બનાવી જે બનાર્ડ શોની કૃતિ ‘પિગ્મેલિયન’ પર આધારિત હતી. આ જ વિષય પર વર્ષો બાદ અંગ્રેજી ફિલ્મ ‘માય ફેર લેડી’ બની. બેગમ પારાની આ ફિલ્મને પણ જબરદસ્ત સફળતા મળી. તે એક સ્ટાર  બની ગઈ પરંતુ તેની ઇમેજ વિવાદાસ્પદ રહી અને તે સ્ક્રીન પર બોલ્ડ અભિનય કરતી જ રહી.

૧૯૪૬માં તેણે ‘સોહની મહિવાલ’ અને ‘ઝંઝીર’ ફિલ્મમાં કામ કર્યું. ૧૯૪૭માં તેણે રાજકપૂર સાથે ‘મહેંદી’ ફિલ્મમાં કામ કર્યું. એ જ વર્ષમાં તેણે નરગિસ સાથે ‘સુહાગ રાત’ ફિલ્મમાં કામ કર્યું. તેની જાણીતી  અન્ય ફિલ્મોેમાં ‘ઝરના’ (૧૯૪૮), ‘મહેરબાની’ (૧૯૫૦), ‘પગલે’ (૧૯૫૦), ‘લયલા મજનુ’ (૧૯૫૩), ‘કિસ્મત કા ખેલ’ (૧૯૫૬) વગેરેનો સમાવેશ થાય છે.

૧૯૫૧માં બેગમ પારાએ ‘લાઇફ’ મેગેઝિનના ફોટોગ્રાફર જેમ્સ બર્ક સામે ફોટોશૂટ માટે પોઝ આપ્યો. તેમની છેલ્લી ફિલ્મ ‘કરભલા’ (૧૯૫૬) હતી. બેગમ પારાને ૧૯૬૦માં ‘મોગલ-એ-આઝમ’માં રોલ કરવા પણ ઓફર કરવામાં આવી પરંતુ તેમણે એ ઓફર સ્વીકારી નહીં. એ ઓફર ના સ્વીકારવા માટે તેમણે કહ્યું, ‘કે એ રોલ  મારા ઇમેજ સાથે બંધ બેસતો નથી. નિવૃત્ત થઈ ગયા બાદ બેગમ પારા ૨૦૦૭માં ફરી એકવાર સંજય લીલા ભણસાલી દ્વારા ર્નિિમત ‘સાંવરિયા’ ફિલ્મમાં સોનમ કપૂરની દાદીમાના રોલમાં દેખાયાં.

બેગમ પારાનું લગ્ન ફિલ્મ એક્ટર દિલીપકુમારના નાનાભાઈ નાસિરખાન સાથે થયું હતું. નાસિરખાન પણ અભિનેતા હતા. તેમનાથી તેમને ત્રણ સંતાનો થયા જેમાંથી એકનું નામ અયુબખાન જે એક્ટર બન્યા. બીજો એક સંબંધ જાણવા જેવો છે. બેગમ પારાની ભત્રીજી રૃખસાના સુલતાન ફિલ્મ અભિનેત્રી અમૃતાસિંઘના મમ્મી થાય. અમૃતા સિંઘ એક્ટર સૈફ અલી ખાનને પરણ્યા અને પાછળથી છૂટાછેડા થયા. સૈફ અલી ખાન અને અમૃતાસિંઘની પુત્રી તે સારા અલી ખાન જે જાણીતી અભિનેત્રી છે.

અમૃતાસિંઘને છૂટાછેડા આપ્યા બાદ સૈફ અલી ખાને કરીના કપૂર સાથે લગ્ન કર્યા. આમ બેગમ પારાના પારિવારિક સંબંધો દિલીપકુમાર અને રાજ કપૂર એમ બંને પરિવારો સાથે છે.

કહેવાય છે કે ૧૯૫૦ના સમયગાળામાં બેગમ પારા એમના સમય કરતાં આગળ હતા. તેઓ બધી જ બાબતોમાં બોલ્ડ હતા. એક ઇન્ટરવ્યૂ વખતે તેમણે કહ્યું હતું ઃ ‘મારી પાસે અનેક સ્મૃતિઓ સંગ્રહાયેલી છે. મને ધ્રૂમપાન કદી ગમતું ન હોતું. મેં કદી ધ્રૂમપાન કર્યું નથી પરંતુ જ્યારે ડ્રિંક્સને બધા ખરાબ વાત સમજતા હતા ત્યારે હું ડ્રિંક્સ લેતી હતી. બીજી અભિનેત્રીઓ ગ્લાસમાં કોલામાં  મિક્સ કરીને વ્હિસ્કી પીતી હતી ત્યારે મેં એવો ઢોંગ કરવાને બદલે વ્હિસ્કીનો ગ્લાસ જ ખુલ્લા હાથમાં રાખીને વ્હિસ્કી પીતી હતી. એ અભિનેત્રીઓ તેઓ કદી શરાબ પીતી નથી એવો દંભ કરતી હતી, હું નહીં.

બેગમ પારાને એ વખતની કેટલીયે સુપ્રસિદ્ધ અભિનેત્રીઓ સાથે ઘનિષ્ઠ મિત્રતા હતી. જેમાં નરગિસ, ગીતા બાલી, નાદિરા, શ્યામા અને નિલોફરનો સમાવેશ થાય છે.

૧૯૭૪માં પતિ નાસિરખાનના મૃત્યુ બાદ બેગમ પારા થોડા સમય માટે પાકિસ્તાન જતાં રહ્યાં પરંતુ બે વર્ષ બાદ તેઓ ભારત પાછા ફર્યાં. તા. ૯ ડિસેમ્બર, ૨૦૦૮માં રોજ મુંબઈ ખાતે ૮૧ વર્ષની વયે તેમનું અવસાન થયું..

 

– દેવેન્દ્ર પટેલ

 

http://www.devendrapatel.in

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન