A 20 percent drop in Bitcoin signals a major blow to the economy
  • Home
  • Business
  • બિટકોઈનમાં ફરી 20 ટકાનો ઘટાડો: ગ્લોબલ ઇકોનોમીમાં મંદીનો સંકેત

બિટકોઈનમાં ફરી 20 ટકાનો ઘટાડો: ગ્લોબલ ઇકોનોમીમાં મંદીનો સંકેત

 | 8:51 am IST
  • Share

  • બિટકોઈનમાં ફરી 20 ટકાનો ઘટાડો

  • ગ્લોબલ ઇકોનોમીમાં મંદીનો સંકેત

  • બિટકોઈનનું મૂલ્ય ઘટીને નીચામાં 42296 ડૉલરની સપાટીએ પહોંચી

 

 

લોકપ્રિય બનેલી ક્રિપ્ટોકરન્સી બિટકોઈનમાં છેલ્લા કેટલાક સમયથી મોટી અફરાતફરી જોવા મળી રહી છે. એક તબક્કે તેનું મૂલ્ય વધીને 65000 ડૉલરને પાર કરી ગયું હતું. જો કે શનિવારે ફરી તેનાં મૂલ્યમાં 20 ટકાનો ઘટાડો થયો હતો. એક તબક્કે બિટકોઈનનું મૂલ્ય ઘટીને નીચામાં 42296 ડૉલરની સપાટીએ પહોંચી ગયું હતું. અલબત્ત આ પછી તેમાં સુધારો થયો હતો અને સિંગાપુર ખાતે બપોરે 1.50 કલાકે 47600 ડૉલરની આસપાસ ટ્રેડ થતો હતો. આમ તેમાં 11 ટકાનો ઘટાડો જળવાઈ રહ્યો હતો. બિટકોઈનમાં આ ઘટાડો ગ્લોબલ ઈકોનોમીમાં ઘટાડો અને મંદીનાં સંકેત આપે છે.બિટકોઈનની સાથે સાથે કાર્ડેનો, સોલાના પોલિગન તેમજ શીબા ઈનુનાં મૂલ્યમાં પણ 13થી 20 ટકાનો ઘટાડો થયો હતો.

ઈથેરમાં પણ ગાબડાં 

ઈથેરનાં મૂલ્યમાં પણ ગાબડાં જોવા મળ્યા હતા. શનિવારે ઈથેર એક તબક્કે 17.4 ટકા ઘટયા પછી સુધરીને 10 ટકાનાં ઘટાડા સાથે ટ્રેડ થતો હતો. ઈથેરનું મૂલ્ય એક તબક્કે ઘટીને 3900 ડૉલરનાં સ્તરે આવી ગયું હતું. કોઈનગેકોનાં જણાવ્યા મુજબ ક્રિપ્ટો સેક્ટરમાં 20 ટકાનાં સર્વાંગી ઘટાડા સાથે તેનું મૂલ્ય ઘટીને 2.2 ટ્રિલિયન ડૉલર થયું હતું.

નાણાં બજાર વોલેટાઈલ

વિશ્વનાં ફાઈનાન્શિયલ માર્કેટમાં મોટી વધઘટની સાથે ક્રિપ્ટો કરન્સીનાં મૂલ્યમાં અફરાતફરી જોવા મળી છે. વધતા જતા ફુગાવાને કારણે કેટલાક દેશોની સેન્ટ્રલ બેન્કોન નાણાંકીય નીતિ વધુ કડક બનાવવાની ફરજ પડી છે. પરિણામે માર્કેટમાં લિક્વિડિટીમાં ઘટાડો થયો છે અને જુદીજુદી એસેટ્સનું મૂલ્ય ઊંચકાયું છે. કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટને કારણે માર્કેટમાં જોખમો વધ્યા છે.

માર્કેટમાં અનિશ્ચિત સ્થિતિ

શનિવારે બિટકોઈન્સમાં ગાબડું પડયા પછી તેને ખરીદનારા કેટલાક લોકો માર્કેટમાંથી બહાર નીકળી ગયા હોવાનું સિંગાપુર ખાતે ક્રિપ્ટો એક્સચેન્જ લૂનોનાં એશિયા પેસિફિક હેડ વિજય ઐયરે જણાવ્યું હતું. ઓમિક્રોનને કારણે ઈકોનોમી તેમજ માર્કેટમાં અનિશ્ચિતતા સર્જાઈ છે જેને કારણે હાલ કશું કહેવું મુશ્કેલ છે. શનિવારે માર્કેટમાં ક્રિપ્ટોમાં લાંબા તેમજ ટૂંકાગાળાનું 2.4 અબજ ડૉલરનું રોકાણ લિક્વિડેટ થયું હતું. જે 7 સપ્ટેમ્બર પછી મોટામાં મોટું ધોવાણ દર્શાવે છે. 10 નવેમ્બરે બિટકોઈન્સે ટોચની 69000 ડૉલરની રેકોર્ડ બ્રેક સપાટી બનાવી હતી.

 

નાણાંપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું….

સારી રીતે વિચારણા કરીને તૈયાર કરાયેલું વિધેયક કેબિનેટમાં રજૂ કરી સંસદમાં લાવવામાં આવશે. ક્રિપ્ટોકરન્સી પર ઘણી અટકળો થઈ રહી હોવાનું ભારપૂર્વક જણાવતા નાણાપ્રધાન નિર્મલા સીતારામને શનિવારે કહ્યું હતું કે તમામ પાસાને ધ્યાનમાં લેવાયા છે. ક્રિપ્ટોકરન્સીના નિયમન માટે સરકાર કાયદો લાવવાની તૈયારી કરી રહી છે તેની પૃષ્ઠભૂમિ સામે નાણામંત્રીએ કહ્યું કે કેબિનેટની મંજૂરી પછી સંસદમાં ચોક્કસપણે એક સારી રીતે પરામર્શ કરાયેલું બિલ રજૂ થશે. ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઑફ્ ઑફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021 વર્તમાન શિયાળુ સત્રમાં રજૂ કરવા માટે લોકસભાની યાદીમાં તેને સામેલ કરાયું છે. રિઝર્વ બેન્ક દ્વારા જારી કરવામાં આવનારા અધિકૃત ડિજિટલ ચલણની રચના માટે એક સુવિધાજનક માળખું બનાવાશે તેવું બિલના મુસદ્દામાં જણાવાયું છે. રાજ્યસભામાં સીતારામને પ્રશ્નોના જવાબમાં કહ્યું હતું કે નવું બિલ વર્ચ્યુઅલ કરન્સી સ્પેસમાં ઝડપથી બદલાતા પરિમાણોને ધ્યાનમાં લઈ તૈયાર કરાયું છે. મીડિયામાં ભ્રામક જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત અંગે નાણાપ્રધાને કહ્યું કે એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની માર્ગરેખાનું આ માટે અભ્યાસ કરાઈ રહ્યો છે. ત્યારપછી નિર્ણય લેવાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો