A forgotten platform from the folk life of Saurashtra
  • Home
  • Columnist
  • સૌરાષ્ટ્રના લોકજીવનમાંથી ભુલાઈ ગયેલો પટારો

સૌરાષ્ટ્રના લોકજીવનમાંથી ભુલાઈ ગયેલો પટારો

 | 4:02 am IST
  • Share

  • સમાજ સુરક્ષા : ગ્રામજનોને લૂંટારાઓથી બચાવવા માટે કાળા ભીમા સુથારે પટારો બનાવ્યો જે પેઢીઓ સુધી જળવાયો

  • એ કાળે 100 જેટલા સુથારા કારીગરો માત્ર પટારાનું જ કામ કરતા. અન્ય કામ કરનાર સુથારો તો જુદા જ.

 પશ્ચિમની સંસ્કૃતિ અને યંત્રયુગની આંધીમાં ઊડઊડ કરતા ગુજરાત, સૌરાષ્ટ્રના લોકજીવને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવતી અનેક મહત્ત્વની ચીજો ઝડપભેર ભૂલવા માંડી છે. કૃષિ જીવનમાંથી માટીના કોઠીકોઠલા અને મજૂડાં લુપ્ત થઈ ગયાં એવું એક કાળે કાઠિયાવાડના પ્રત્યેક ઘરમાં જાહોજલાલી ભોગવતા પટારાની પરંપરા પણ નામશેષ થઈ ગઈ. સાંસ્કૃતિક પરંપરામાં જીવન જીવતા લોકોના જૂના ઘરોમાં આજેય બેનમૂન પટારા સચવાયા છે. પણ એની ખરીદી અને વપરાશ લગભગ નામશેષ થઈ ગયા છે. આજે અહીં એની વાત માંડવી છે. ભગવદ્ ગોમંડલ નોંધે છે કે પટારો મૂળભૂત રીતે તો લાકડાની પેટી જ છે. એને મજબૂત કરવા માટે લોખંડની મજબૂત પટ્ટીઓ મારવામાં આવે છે અને પીળા રંગની પિત્તળની પટ્ટીઓ અને ખીલી, ફૂદડાંથી સુશોભિત કરાય છે. પટારાને બે બાજુથી પકડવા માટે મોટા કડાં અને એને હેરવવાફેરવવા માટે નીચે લાકડાના ચાર પૈડાં હોય છે. ઉપર ઢાંકણું બંધ કરવા માટે મજબૂત લોખંડના કે પિત્તળના નકુચાપાંદડા હોય છે. જુદા જુદા આકાર પ્રકારના પટારાઓમાં ચીજજણસો રાખવા માટે ત્રણથી આઠ જેટલા ખાનાં રાખવામાં આવતાં.

ગ્રામ વિસ્તારોમાં ખેડૂતો પટારામાં સોનારૂપાના ઘરેણાં, રોકડ નાણું ઉપરાંત રજાઈઓ, કપડાં અને વાસણોય મૂકતાએક કાળે સૌરાષ્ટ્રમાં ઘરોઘર પટારા જોવા મળતાં. કાઠી, કણબી રાજપૂત, કોળી, રબારી, મેર, આયર, ચારણ વગેરે જ્ઞાતિઓના પટારાઓમાં કંઈને કંઈ વિશેષતાઓ જોવા મળતી. દીકરી પરણીને સાસરે સિધાવે ત્યારે જ્ઞાતિના રિવાજ મુજબ, કરિયાવરમાં કપડાં, ભરત, દાગીના, વાસણો, ઢોલિયો, ગાદલાં ગોદડાં વગેરે સટરપટર ચીજોની સાથે પટારો આપવાની પરંપરા પાંચસાત દાયકા પૂર્વે ચાલુ હતી. આજે તો પટારાનું સ્થાન લાકડાં અને લોખંડના કબાટોએ લઈ લીધું છે.

વાત કંઈક આવી છે. સંવત 1723માં ભાવનગર શહેરની સ્થાપના થઈ એ કાળે જુદા જુદા પ્રકારના કારીગરોને ભાવનગરમાં લાવીને વસાવવામાં આવ્યા. એમાં ગુર્જર સુથારોય હતા. એ કાળે ઘરમાં રહેલી કીમતી ચીજજણસો જમીનમાં દાટીને સાચવવામાં આવતી. બહારવટિયા આવીને ગામ ભાંગી લૂંટફાટ કરતા. એ સંજોગોમાં કીમતી ચીજોને કેમ કરીને સાચવવી ? આ ચિંતનમાંથી વિશ્વકર્માના વંશજ કાળા ભીમા સુથારને વિચાર આવ્યો કે હું કારીગર છું. લાકડામાંથી એવી ચીજ બનાવું કે બહારવટિયાય એને તોડીફોડી શકે નહીં. આથી એણે લાકડાંની મજબૂત પેટી બનાવી. લોખંડની પટ્ટીઓમાંથી મઢી વજનદાર હોવાથી એને હેરવવા ફેરવવા પૈડાં લગાડયાં. પછી પોતાની સૂઝબૂજ પ્રમાણે એની ઉપર પિત્તળના પતરાંના જડતર કર્યાં અને એને પટારો એવું નામ આપ્યું. આ પટારો એટલો બધો લોકપ્રિય થયો કે વાત ન પૂછો. એ કાળે પટારા વગર્યનું કોઈ ઘર જોવા મળતું નહીં.

પછી તો ભાઈ ગોહિલવાડી પટારાની માગ દેશ પરદેશમાં વધવા માડી. ભાવનગરનો સુથારવાડો પટારાના ઘડતર અને જડતર માટે જગવિખ્યાત બન્યો. ભાવનગરના મહારાજા તખ્તસિંહજી અને ત્યારપછી શ્રી કૃષ્ણકુમાર સિંહજીએ પણ પટારાઉદ્યોગ વિકસાવવામાં સારો રસ લીધો. કાળા ભીમા સુથારે આરંભેલા આ ઉદ્યોગને એના દીકરા દામા કાળાએ ખૂબ ઝડપભેર વિકસાવ્યો. પટારાનો ધંધો પૂરબહારમાં ખીલી ઊઠતા અન્ય ગોહિલવાડી ગામડાઓમાંથી કુશળ સુથારો અહીં આવીને વસ્યા. એમ કહેવાય છે કે એ કાળે 100 જેટલા સુથારા કારીગરો માત્ર પટારાનું જ કામ કરતા. અન્ય કામ કરનાર સુથારો તો જુદા જ.

ભાવનગરના સુથારવાડાના વયોવૃદ્ધ અનુભવી સુથારોએ પટારાની જાહોજલાલીની વાત કરતા આ લેખકને જણાવ્યું કે અમારા જમાનામાં અમે રાત્રે કામે ચડતા. ત્યારે મધરાતનો ગજર ભાંગે ઈ વેળાએ અમને 50 રતલ લાડવા રોજ વહેંચવામાં આવતા. પટારા માટે સીસમનું લાકડું વજર્ય ગણાતું. એટલે અમે આંબો, સાગ, સાદડ, હળદરવો વગેરે લાકડું વાપરતા. ભાવનગર બંદર હોવાથી અહીંના લાતીબજારમાંથી લાકડું તથા કાચોમાલ જોઈએ એટલા પ્રમાણમાં વાજબી ભાવે મળી રહેતો. 30થી 40 કારીગરો તો હમણાં સુધી પટારા બનાવતા. એમાં પસોત્તમ ધનજી અજોડ અને આકર્ષક પટારા બનાવતો. એ પટારાનો રાજા ગણાતો. એ કાળે સુથાર અને લુહાર બન્ને જ્ઞાતિના કારીગરો આ કામ કરતાં. પટારાના ઘડતર અને જડતરમાં ભીડો, હથોડી, નાની મોટી એરણ, વાંહલો, પંચ, રંધો, પક્કડ, કાપણી, કરવત, લાગિયો, દાણાકાતી, ફરસી વગેરે ઓજારોનો ઉપયોગ કરવામાં આવતો.

મારા સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન ભીમડાદના કાઠી દરબાર શ્રી જીલુભાઈ ખાચરે જણાવ્યું કે પટારામાં જેમ ચોરખાના આવે છે એમ પટારો ઉઘાડો ત્યારે એમાંથી ખાસ પ્રકારનો રણકાર સંભળાય છે. કોઈ ચોર કે અજાણ્યો માણસ પટારો ઉઘાડે તો ઘરમાં તરત જ જાણ થઈ જાય છે. એવા પટારા 121416 સળી (ચોરસ ખાનાં)ના બનતા. એમાં 13 અને 15 એવા એકી નંબરની સળીવાળા પટારા અશુભ મનાતા. જાણકારો બેકી નંબરના ખાનાવાળા પટારા જોઈને મૂલવતા.

આમ ભાવનગરમાં આરંભાયેલો પટારા ઉદ્યોગ સ્થાનિક માગ  જુદાજુદા નગરોમાં વિકાસ પામ્યો. ધોલેરા, વિરમગામ, જસદણ, મહુવા, તળાજા, ચિત્તળ, અમરેલી, લાઠી અને લોયામાં આ ઉદ્યોગો ભારે કાઠું કાઠયું. બોટાદમાં પિતાંબર કાળા સુથારના પટારા એક કાળે ખૂબ જ વખણાતા એમ કહેવાય છે કે પિતાંબર સહજાનંદ સ્વામીનો પરમ ભક્ત હતો. ખૂબ ગરીબાઈમાં જીવન બસર કરતો. શ્રીજી મહારાજે કોઈ ભક્ત પાસેથી થોડા રૂપિયા અપાવીને આશીર્વાદ આપ્યા. એ રકમમાંથી લાકડું, લોખંડ, પિત્તળ વગેરે સામગ્રી  લાવીને પટારા બનાવવાનું શરૂ કર્યું. એ પછી એના પટારાએ ચોતરફ  ડંકો વગાડી દીધો. એ વિસ્તારની દીકરીઓ પરણીને સાસરે જાય ને પછી આણું વળાવે ત્યારે આણાનો પટારો ખરીદવા લોકો બોટાદ આવતા ને ગાડાં જોડી પટારા લઈ જતા.લોકસમાજમાં રાવણહથ્થાવાળા આજેય એનો રાહડો ગાય છે :

પાટું રે મારી પટારો તોડિયો

કંઈ વાગી છે ડાબા પગમાં ચૂંક

ઘેલી ગર્યના રાજા, આવા તે બહારવટા

નહોતા ખેલવા.

આજે પટારાનો ઉદ્યોગ લગભગ અસ્તાચળને આરે ઊભો છે. કાઠિયાવાડના કાઠી દરબારોના ઓરડે આજેય પટારાના બેનમૂન નમૂના સચવાયેલા આ લેખકે જોયા છે. નવરા પડેલા સુથાર કારીગરો હવે નાની પટારીઓ, ગાડાં, ટીપોઈ બનાવે છે. બગસરા, જસદણ, બોટાદ અને ચિત્તળમાં આ કારીગરો માટે આ ઉદ્યોગ આશીર્વાદરૂપ બની રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો