મૌનને સમજે તે જ સાચો મિત્ર - Sandesh

મૌનને સમજે તે જ સાચો મિત્ર

 | 4:48 am IST
  • Share

‘તુમ તખલ્લુફ્ કો ભી ઈખ્લાસ સમજતે હો ફ્રાઝ,

દોસ્ત હોતા નહીં હર હાથ મિલાને વાલા.’

એટલે શું, તે કેવો હોય, કોની સાથે મિત્રતા કરવી અથવા તો કોની સાથે સંબંધો જાળવવામાં મને વધારે ફયદો છે તેવું વિચાર આવતા જ હોય છે. ઘણા લોકો આજે સંબંધોમાં સ્વાર્થ શોધતા જ હોય છે, આપણી સ્વીકારીએ કે ન સ્વીકારીએ. મિત્રતાની વાત આવે છે ત્યારે જાણીતા ઉદૂૅ અહમદ ફ્રાઝનો લેખ ખૂબ જ સાર્થક સાબિત થતો હોય તેમ લાગે છે. સામાન્ય રીતે આપણે બે વ્યક્તિ વાતચીત દરમિયાન કોઈ ત્રીજાની ઓળખ કરાવીએ તો મિત્ર તરીકે કરાવતા હોઈએ છીએ. આ મિત્ર ખરેખર મિત્ર છે કે માત્ર મિત્ર છે તે સમજવું ખૂબ જ જરૂરી છે. અત્યારે સાથ આપવા કરતા સાધન બનાવનારા લોકો વધારે મળતા હોય છે. તેના કારણે જ ફ્રાઝનો શેર સમજવા જેવો છે કે દરેક વ્યક્તિ મિત્ર નથી હોતી. તો પછી સવાલ એમ થાય કે મિત્ર એટલે શું?

મિત્ર એટલે તમારું પ્રતિબિંબ, તમારા અંતરઆત્માનો અવાજ અને તમારા અસ્તિત્વનો અધાર. મિત્ર એવો હોવો જોઈએ જે તમારા શબ્દો કરતા તમારા મૌનને વધારે સમજે. સુખમાં કદાચ સાથે ન હોય પણ દુઃખમાં તો પડખે જ હોય તે તમારો મિત્ર છે. રામ ક્યારેય હનુમાનને પોતાના સેવક કે ભક્ત નહોતા સમજતા. તે હનુમાનને પોતાના મિત્ર અને ભાઈ સમજતા હતા. હનુમાન કિષ્કિન્ધાકાંડથી લંકાકાંડ સુધી શ્રી રામને મદદ જ કરી છે. સંપૂર્ણ નિઃસ્વાર્થ મદદ  ઉતરકાંડમાં જ્યારે રામ સુખમાં હતા ત્યારે હનુમાને તૃપ્ત મને તેમનાંથી અંતર જાળવ્યું હતું. મિત્ર આવો હોવો જોઈએ. જાપાનમાં એક ખૂબ જ પ્રચલિત કહેવત છે કે,

When the character of a man is not clear to you, look at his friends….

તમે જ્યારે કોઈ વ્યક્તિ વિશે જાણવા માગતા હોવ તો તમારે તેના મિત્રો તરફ્ નજર કરી લેવી જોઈએ. મિત્રો આપણા પ્રતિબિંબ સમાન હોય છે. ઘણાં લોકો પાસે માતા-પિતા કે ભાઈ બહેન નથી હોતા અથવા તો માત્ર સગપણ પૂરતા હોય છે. આવા લોકો જીવનનો જંગ માત્ર મિત્રોના આધારે જીવતા હોય છે. અન્ય કોઈ વ્યક્તિ જ મિત્ર હોય તેવું નથી. તમારો પતિ કે તમારી પત્ની પણ તમારા સારા મિત્ર સાબિત થઈ શકે છે, જો તમે મુક્ત રીતે તેને પોતાના જીવનમાં પ્રવેશ આપો તો. મિત્ર સાથે હોય તો આપણને એમ થઈ જ જાય કે હવે મારા કામ પાર પડી જશે. આ જે વિશ્વાસ છે તે આ સંબંધની ધોરી નસ છે. આ સંબંધ માત્ર વિશ્વાસનાં આધારે ચાલતો હોય છે. અહીંયા લોહી કરતા લાગણીઓ વધારે ચાલતી હોય છે. અહીંયા લાભ કરતા લૂંટવાને પ્રાથમિકતા આપવામાં આવે છે.

મિત્રતા તો કર્ણની પણ હતી દુર્યોધન સાથે. તેણે ખોટી વ્યક્તિની મિત્રતા કરી એટલા માટે તેને મરવું પડયું. છતાં તેણે ક્યારેય મિત્રતા છોડી નહોતી. તેવી જ રીતે સુદામો ગરીબ હતો પણ કૃષ્ણના મનમાં વસેલો હતો. કૃષ્ણે તો પોતાના જીવનનાં ઘણા પ્રસંગે ઘણા મિત્રો બનાવ્યા અને આજીવન મિત્રતા પણ જાળવી. દ્રોપદી અને કૃષ્ણ પણ મિત્રો હતા અને મહાભારત બાદ કદાચ પાંડવોનો વંશ જળવાયો હતો તે માત્ર આ મિત્રતાના કારણે. આ ઘટના પરથી એક વાતતો નક્કી થાય છે કે સ્ત્રીને જો સ્ત્રી કરતાં પુરુષ મિત્ર મળે તો સંબંધો વધારે મજબૂત હોય છે. આ સંબંધોમાં માત્ર શરીરની બાદબાકી કરી નાખવી પડે છે. પુરુષ હંમેશા સ્ત્રી પ્રત્યે કમિટેડ રહ્યો છે અને મિત્રતામાં તો ખાસ. તેને ક્યારેય ઈર્ષા થતી નથી અને એટલા માટે જ તેમના સંબંધો ટકે છે.

મિત્રતામાં હંમેશા ઉપયોગ કરવો જ એવું પણ નથી હોતું. ઉપયોગ કરનારા લોકો મિત્રોની કેટેગરીમાંથી ઝડપથી આઉટ થઈ જતા હોય છે. ઘણાં લોકો એવા હોય છે કે, તમારું કામ પડે ત્યાં સુધી તમારી જોડે અને પડખે હોય છે પણ તમે જેવી યાચના કરો કે પલાયન થઈ જાય છે. આ લોકોથી પણ ચેતતા રહેવું પડે છે. આપણા જીવનમાં ઘણા લોકો પ્રવેશ કરતા હોય છે અને વિદાય લેતા હોય છે પણ મિત્રતા એવો સંબંધ છે જેને ક્યારેય એક્સપાયરી નથી લાગતી. ઘણી વખત આપણો મિત્ર કે આપણી મિત્ર જીવિત નથી હોતા પણ તેના સ્વજનો સાથે આપણા સંબંધ યથાવત હોય છે. આનું નામ જ સાચી મિત્રતા છે. તમારી લાગણીઓના ધબકારને પામી જાય તેનું નામ સાચો મિત્ર. તે કેવો દેખાય છે, કોની સાથે રહે છે, તેની પાસે પૈસા છે કે નહીં, તે મને મદદ કરશે કે નહીં આ તમામ શંકાઓથી પર જે સંબંધ સ્થપાય તેનું નામ મિત્ર. આ એવો સંબંધ છે જેમાં વ્યવહાર સાચવવાનો ભય નથી હોતો. કૃષ્ણ પાસે હતું અને સુદામાને આપ્યું તેમાં કોઈ વ્યવહાર નહોતો. સુદામાએ તે પાછું વાળવું જોઈએ તેવું કોઈ ભારણ પણ નહોતું. મિત્ર તો જીવનનો નશો છે. ખાલીપાનો વસવસો જે હસતાં હસતાં દૂર કરે તે મિત્ર હોય છે. મિત્રતા આપણને નિખાલસતા આપે છે. જેવા છીએ તેવા રજૂ થવું અને જેવા છીએ તેવા સ્વીકારી લેવું તે જ સાચી મિત્રતા છે. ફ્રેન્ડશિપ ડે ના દિવસે આવા જ મિત્રોને મિસ્કિન સાહેબની રચના અર્પણ કરું છું,

ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે,

જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે.

મિલાવ હાથ ભલે સાવ મેલોઘોલો છે,

હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે.

[email protected]

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો