A young woman mardar her husband in Vastral area of Ahmedabad
  • Home
  • Ahmedabad
  • પત્ની અને ‘વો’ના ચક્કરમાં થયું એવું કે જાણીને લાગશે નવાઈ!

પત્ની અને ‘વો’ના ચક્કરમાં થયું એવું કે જાણીને લાગશે નવાઈ!

 | 9:23 pm IST
  • Share

  • પત્ની અને ‘વો’ની ઘટનાનો કરુણ અંજામ
  • અમદાવાદના વસ્ત્રાલમાં બની ઘટના
  • પત્નીએ પતિને ઉતારી દીધો મોતને ઘાટ


પતિ-પત્નીના સંબંધોને જન્મોજન્મના સંબંધ માનવામાં આવે છે. જો કે બદલાયેલ જમાનામાં પતિ અને પત્ની વચ્ચે જયારે પણ ‘વો’ ની એન્ટ્રી થાય છે ત્યારે સુખી સંસારમાં આગ લાગતા વાર નથી લાગતી. આવો જ એક બનાવ અમદાવાદમાં બન્યો. અહીં 2 સંતાનની જનેતાએ પ્રેમી સાથે મળી ઠંડા કલેજે તેના જ પતિની હત્યા કરી નાખી. પત્નીએ કેવી રીતે તેના પતિની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો અને કેવી રીતે હત્યાને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો તે જુઓ ખાસ અહેવાલમાં.

પત્નીને સોસાયટીના વ્યક્તિ સાથે જ થયો પ્રેમ

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી દીપ્તિ પટેલના લગ્ન બિપિનચંદ્ર સાથે 17 વર્ષ પહેલાં થયા હતા. લગ્ન બાદ દીપ્તિને 2 સંતાન હતા. જો કે તેમની જ સોસાયટીમાં રહેતા સૌરભ સુથાર સાથે 2 વર્ષ પહેલાં આંખ મળતા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ પ્રાંગર્યો હતો. જેની જાણ પાંચ મહિના પહેલા દીપ્તિના પતિ બિપિનચંદ્રને થઈ હતી. બિપિનચંદ્રએ દીપ્તિના પ્રેમી સૌરભને ધમકાવ્યો હતો અને દીપ્તિને હવે પછી ન મળવા માટેની ધમકી આપી હતી. જેને કારણે દીપ્તિ અને સૌરભ મળી શકતા ન હતા. આ જ કારણથી સૌરભને લાગી આવ્યું અને તેણે દીપ્તિ સાથે મળીને દીપ્તિના પતિ બિપિનચંદ્રનું કાસળ કાઢી નાખવાનો કારસો રચ્યો. સૌરભે તેના સહકર્મીની મદદ લઈને હોસ્પિટલમાંથી ઊંઘની ગોળીઓ ખરીદી હતી અને ત્યારબાદ દૂધમાં ગોળીઓ નાંખીને બિપિનચંદ્રને આપવા માટે દીપ્તિને કહ્યું હતું.

પોલીસ તપાસમાં પત્નીએ કરી ગુનાની કબૂલાત

પતિને ઊંઘની ગોળીઓ આપ્યા બાદ દીપ્તિએ તેના પ્રેમીને ઘરે બોલાવ્યો હતો, જ્યાં બન્નેએ મળીને બિપિનચંદ્રનું મોઢું ઓશિકાથી દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પતિની હત્યા દીપ્તિ અને તેના પ્રેમીએ કરી હોવાની શંકા કોઈને થાય નહિ તેને કારણે દીપ્તિએ પતિના મૃતદેહને એલજી હોસ્પિટલમાં લઇ જઈને હત્યાને કુદરતી મોતમાં ખપાવ્યું હતું. મૃતક પતિ બિપિનચંદ્રની અંતિમવિધિ પણ કરી હતી. જો કે બિપિનચંદ્રના કુદરતી મોત થવાને લઈને બિપિનચંદ્રના પરિવારજનોને શંકા હોવાને કારણે તેમણે રામોલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ક્રાઇમબ્રાન્ચ દ્વારા દીપ્તિના કોલ રેકોર્ડિંગ કઢાવવામાં આવ્યા હતા અને દીપ્તિની ઘનિષ્ટ પૂછપરછ કરવામાં આવી હતી. આ સમયે તે ભાંગી પડી હતી અને તેના જ પતિની તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. સમગ્ર ઘટનામાં દીપ્તિ અને મૃતક બિપિનચંદ્રના પરિવારજન સાથે ફોનમાં થયેલી વાતચીત સામે આવી છે, જેમાં દીપ્તિએ જ બિપિનચંદ્રને ઊંઘની ગોળીઓ આપી હોવાની કબૂલાત કરી હતી. બિપિનચંદ્રના મોત બાદ દીપ્તિ તેના પ્રેમી સાથે રહેવા ઇચ્છતી હોવાની કબૂલાત કરતી હોવાનું કોલ રેકોર્ડિંગ પણ પોલીસને હાથ લાગ્યું છે.

દીકરાના મોતથી પરિવારના લોકો પર તૂટ્યું આભ

પ્રેમાંધ બનેલી દીપ્તિએ તેના પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેને પસ્તાવો પણ થયો હતો. જેને લઈને તેણે તેના કૃત્યની કબૂલાત બિપિનચંદ્રના પરિવારજનો સાથે કરીને પોલીસ કેસ ન કરવા માટે કાકલૂદી કરી હતી. જો કે પરિવારને દીકરાને ગુમાવવાનું દુઃખ હોવાની સાથે બિપિનચંદ્રના પરિવાર માટે આભ ફાટયા સમાન હતું. જેને કારણે બિપિનચંદ્રના પરિવારજનોએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જેની તપાસ કરતા અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા કરાઈ હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો