બે કાન અને એક જીભ વિશે - Sandesh
1.6M
1M
1.7M
APPS

બે કાન અને એક જીભ વિશે

 | 12:25 am IST
  • Share

કેલિડોસ્કોપ :- મોહમ્મદ માંકડ

ઈશ્વરે આપણને બે કાન અને એક જ જીભ આપી છે, એનો સ્પષ્ટ સંકેત એ છે કે સાંભળવા કરતાં અડધું જ બોલવું પરંતુ માણસ એથી ઊલટું જ કરે છે. સાંભળવા કરતાં એ બમણું બોલે છે. બોલીને એ પોતાને નુકસાન કરે છે, એથીયે વધારે સાંભળવામાં બેદરકારી રાખીને એ પોતાને નુકસાન કરે છે.

બાળક સંસારમાં આવે ત્યારે સાંભળવામાં બહુ સજાગ હોય છે. પણ ધીમેધીમે ઉંમર વધવા સાથે એ તરફ એ બેદરકાર થતું જાય છે.

માણસ એક ક્ષણે એક જ ક્રિયા કરતો હોય એવું બનતું નથી. એક જ સમયે એ ઘણુંબધું કરી રહ્યો હોય છે. જમતી વખતે માત્ર એ જમતો જ હોય એવું બનતું નથી. ઘણીવાર જમતી વખતે જમવાનો સ્વાદ માણવાના બદલે કોઈક ચિંતાઓ વચ્ચે એ ઘેરાયેલો હોઈ શકે છે.

એટલે, માણસે જોવાનું હોય ત્યારે સારી રીતે જોવાની, સાંભળવું હોય ત્યારે સાંભળવાની કે બોલતાં હોઈએ ત્યારે

એકચિત્ત થઈને બોલવાની તાલીમ લેવી પડે છે.

આપણે જાણીએ છીએ કે સામાન્ય સંજોગોમાં બોલવાની ક્રિયા એ સાંભળવાની આનુષંગિક ક્રિયા છે. એટલે જ બાળક પોતાના ઘરમાં કે વિસ્તારમાં બોલાતી બોલીને સાંભળીને એ જ લઢણથી બોલતાં શીખે છે. ચરોતરમાં ઊછરતું બાળક ચરોતરી લઢણથી બોલતાં શીખે છે તો સૌરાષ્ટ્રમાં કે ઉત્તર ગુજરાતમાં વસતા બાળકની બોલી, ઉચ્ચારો તદ્દન જુદાં હોય છે. પાલનપુરી કે સુરતી લઢણ તો આપણને ચકિત કરી દે એવી હોય છે. બાળક જેવું સાંભળે છે એવું જ બોલે છે. સાંભળે છે એવા જ લહેકાથી અને ઉચ્ચારથી એ બોલે છે.

પરંતુ, બાળક સારી રીતે સાંભળતાં શીખે એ માટે આપણે ખાસ મહેનત લેતા નથી પણ ક્યારેક બાળક મોટું થતું જાય છતાં બોલતાં ન શીખે ત્યારે મા-બાપ ચિંતાથી ડોક્ટર પાસે જાય છે.

ક્યારેક બાળકને તપાસતાં એવું જાણવા મળે છે કે એ બહેરું છે એટલે બોલતાં શીખતું નથી.

બાળકને જીભની નહીં પણ કાનની તકલીફ છે. બાળકને બોલતું કરવા માટે ડોક્ટર એની જીભની નહીં, પણ કાનની ટ્રીટમેન્ટ કરે છે.

સામાન્ય રીતે આપણે ‘બોલવાની’ વાતને જેટલું મહત્ત્વ આપીએ છીએ એટલું ‘સાંભળવાની’ વાતને મહત્ત્વ આપતાં નથી. સારા વક્તા બનવા માટે પણ સારા શ્રોતા બનવું ખૂબ જ જરૂરી છે. કદાચ એ એની પહેલી શરત છે.

અહીં મને મહાન ગાયિકા લતા મંગેશકરની કારકિર્દીની શરૂઆતની એક વાત યાદ આવી જાય છે. સદીઓમાં પણ ભાગ્યે જ પાકે એવી આ ગાયિકા મરાઠી છે. શરૂઆતની એમની ગાયકીમાં સ્વાભાવિક રીતે જ મરાઠી ઉચ્ચારોની લઢણ આવી જતી હતી. એ જમાનાના વિખ્યાત અભિનેતા દિલીપકુમારે ટકોર કરી કે લતાજીના ઉર્દૂ ઉચ્ચારો બરાબર નથી બસ, લતાજી માટે આ ટકોર પૂરતી હતી. પછીના સમયમાં એમણે ઉર્દૂ ઉચ્ચારો ઉપર ઉર્દૂભાષીઓ કરતાંયે કદાચ વધારે કાબૂ મેળવી લીધો. આપણે જાણીએ છીએ કે ‘મુઘલે આઝમ’થી લઈને ‘પાકિઝા’ જેવી અનેક ફિલ્મોની સફળતામાં એમના ગાયેલાં ગીતોનો મોટો ફાળો રહ્યો છે. અહીં શીખવાની વાત એ છે કે માત્ર બોલવાની આવડતથી જ નહીં પણ સાંભળવાની કલા હસ્તગત કરવાથી જ લતા મંગેશકર લતા મંગેશકર થઈ શક્યાં છે. એટલે સાંભળતાં શીખવાની કલાને સાવ સામાન્ય ગણવી નહીં.

એરિસ્ટોટલે કહ્યું છે કે, ‘ઓછું બોલવા જેવા સહેલા કામના ફાયદા ઘણા છે.’ પરંતુ કેટલાકને સાંભળવાનું બિલકુલ ગમતું નથી. સાંભળતા આવડવું એ કોઈ કુદરતી બક્ષિસ નથી. પણ ધ્યાન દઈને સાંભળતા શીખવા માટે તાલીમની જરૂર પડે છે. મનુષ્યે કેળવવો પડે એવો એ સંસ્કાર છે. ધ્યાનથી સાંભળીને જરૂરિયાત જેટલું જ બોલનાર માણસ જ્ઞાની હોય છે.

તમે જ્યારે ધ્યાનથી સાંભળો છો ત્યારે બીજાને આનંદ આપી શકો છો અને અનેક મુશ્કેલીઓ તથા ગેરસમજથી બચી શકો છો.

આમ છતાં, ધ્યાનથી સાંભળવાનો અર્થ એવો નથી કે સામી વ્યક્તિ જે કાંઈ કહે તે બધું જ સ્વીકારી લેવું- કાનમાં જે કાંઈ રેડાય તેમાંથી કચરો દૂર કરતા રહેવાની સતત તકેદારી તો રાખવાની જ છે. ભાષણોમાં જે કાંઈ કહેવાય કે જાહેર ખબરોમાં જે કાંઈ બોલાય એ બધું કાંઈ સ્વીકારી લેવા જેવું હોતું નથી. દરેકે એમાંથી પોતાની રીતે તારવણી કરતા રહેવાનું હોય છે.

ધ્યાનથી સાંભળવાનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ સંભાળીને બોલવાની ટેવનું છે. બાળપણથી જ એની કેળવણી જરૂરી છે. ક્યારે બોલવું? શું બોલવું? કેટલું બોલવું? એની તાલીમ માણસને ઘણી મુશ્કેલીઓથી બચાવે છે.

નિષ્ણાત ડોક્ટરોએ પ્રયોગો કરીને તારણ કાઢયું છે કે બહુ બોલનાર વ્યક્તિને હૃદય પર એસિડિટી અને હોજરીમાં અલ્સર જેવા રોગ થાય છે. સ્વરપેટીના રોગ થાય છે.

લોહીના ઊંચા દબાણ માટે અનેક કારણો છે પરંતુ બહુ બોલનારનું બ્લડપ્રેશર ઊંચું જાય છે અને લોહીનું ઊંચું દબાણ બીજા અનેક રોગોને જન્મ આપે છે. ફેફસાં, યકૃત, મગજ, હૃદય, કિડની જેવાં બીજાં અંગોને એથી નુકસાન થાય છે.

જેમ્સ લીન્ચ અને તેના સહાયકોએ કરેલા પ્રયોગો ઉપરથી એવું તારણ નીકળ્યું છે કે વાતચીત કરતી વખતે વ્યક્તિનું બ્લડપ્રેશર અચૂકપણે વધે છે, પણ બીજાને સાંભળતી વખતે ફરી પ્રેશર ઓછું થઈ જાય છે. આ પ્રયોગોનો સાર એ છે કે, સતત બોલવું, ઉશ્કેરાઈને બોલવું, ઉત્તેજિત થવું એ આરોગ્ય માટે નુકસાનકારક છે.

શાંત રહેવું, બીજાની વાત ધ્યાનથી સાંભળવી, મૌન રહેવું, ઓછું બોલવું એ આરોગ્ય માટે ફાયદાકારક છે.

જાપાનમાં કહેવાય છેઃ ‘મૌન માનવી હંમેશાં સાંભળવાલાયક હોય છે.’ પરંતુ આપણે તો મૌન રહેવા ટેવાયેલા જ નથી હોતા. એટલું જ નહીં કેટલાક તો એવા માણસો આપણને જોવા મળે છે કે જે વિશે તેઓ ઓછામાં ઓછું જાણતા હોય છે એ વિસે પણ તેઓ વધારેમાં વધારે ચોક્કસ રીતે બોલતા હોય છે.

બીજી એક ઉપયોગી કહેવત, પાળવા જેવી છે. બે વખત માપીને એક વખત કરવત મૂકજો. જિંદગીમાં આ નિયમ રાખશો તો પસ્તાશો નહીં. એને જરા જુદી રીતે જોઈએઃ બે વખત સાંભળીને એક વખત બોલજો, જિંદગીમાં આ નિયમ રાખશો તો પસ્તાશો નહીં.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન