૬૯ વર્ષ થયાં, ટ્રાફિક શિસ્ત કઈ આઝાદીથી આવશે! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Sanskar
  • ૬૯ વર્ષ થયાં, ટ્રાફિક શિસ્ત કઈ આઝાદીથી આવશે!

૬૯ વર્ષ થયાં, ટ્રાફિક શિસ્ત કઈ આઝાદીથી આવશે!

 | 4:27 am IST
  • Share

ફોકસ : એમ. એ. ખાન

ચાર રસ્તા પર ટ્રાફિક જબરજસ્ત હતો.કારવાળા લેન તોડીને જ્યાં જગ્યા મળી ત્યાં આગળ વધી રહ્યા હતા, બાઈક અને સ્કૂટરચાલકો તો જરાક જગ્યા દેખાય કે તરત આગળ વધી જતા હતા. રિક્ષાવાળા આડી, ત્રાંસી કરીને ઊભા હતા. આગળ ટ્રાફિક સિગ્નલ રેડ હતું. એટલું ઓછું હોય એમ સામેથી એક કાર અને રિક્ષા રોંગ સાઈડ એનટ્રી મારીને હોર્ન વગાડીને માથું પકવતા હતા. એક મિત્ર મિજાજ ગુમાવી કારમાંથી નીચે ઉતર્યા અને રિક્ષાવાળા તથા કારવાળા સાથે ઉગ્ર દલીલો કરવા લાગ્યા, ‘અલ્યા રોંગ સાઈડ ઘૂસ્યા છો અને પાછા હોર્ન વગાડો છો?’

‘ભાઈ, તમારી દલીલોમાં જો મારામારી થઈ તો વળી વધારે ટ્રાફિક જામ થઈ જશે!’ કહી એમને પરાણે પાછા બેસાડયા.

એમણે ઉકળાટ ઠાલવવા માંડયો. ટ્રાફિકનાં નિયમોની તો જાણે કોઈને ખબર જ નથી. બસ, એક જ વાત પર ધ્યાન, જરાક જગ્યા થાય તો હું નીકળી જાઉં, પછી પાછળ જે થવાનું હોય એ થાય. અંધાધૂંધ ગમે તે લેનમાં વાહનો ચલાવીને એવી સ્થિતિ કરી દીધી છે કે સિગ્નલ ખુલશે એ પછીય આપણને નીકળતાં ખાસ્સી વાર લાગશે, કદાચ આપણે બરાબર આગળ પહોંચીએ ને સિગ્નલ પાછું બંધ પણ થઈ જાય! આટલું ઓછું હોય એમ પાછા નફ્ફટ લોકો રોંગ સાઈડમાં ઘૂસી ગયા છે, અને પાછા આપણે એમનો રસ્તો રોક્યો હોય એમ હોર્ન વગાડે છે! મિત્રનો આક્રોશ શમતો જ નહોતો.

ટ્રાફિક ખુલ્યો અને અમે સિગ્નલ ક્રોસ કર્યું તો ત્યાં પોલીસ વાન ઊભી હતી. તરત એ મિત્રએ કાર ઊભી રખાવી અને પોતે કારમાંથી ઊતરીને ટ્રાફિક પોલીસના અધિકારી પાસે જઈ કહેવા લાગ્યા, ‘સાહેબ તમે આ ગરબડ ચલાવી કેમ લો છો? આટલો બધો ટ્રાફિક છે અને પેલા સાવ નાલાયક, લાજ વગરના લોકો રોંગ સાઈડમાં ઘૂસે છે!’

પોલીસ અધિકારી કહે, ‘શું કરીએ સાહેબ, કેટકેટલાંને રોકવા માટે ઝઘડા કરીએ. સાંજ પડયે અમારું બી.પી વધી જાય છે. વળી કોઈ પાછા રૂઆબ મારીને ફોન જોડીને અમારા હાથમાં પકડાવી દે, લો સાહેબ જોડે વાત કરો. સામેથી કોઈક પ્રધાનના પી.એ. કે સચિવાલયના અધિકારી કે કોઈ પક્ષના મોટા નેતા અમને ધમકાવે. તમે જ કહો, આ બધા વચ્ચે અમે પણ કેટલુંક કરીએ. -અને આ બધું અમારે જ કરવાનું? દેશના નાગરિકો તરીકે તમારા બધાની ફરજ નથી કાયદો પાળવાની?’

એ પોલીસ અધિકારીનો એ પ્રશ્ન આજે પણ મનમાં તીરની જેમ ખૂંચે છે. આવતીકાલે ૧૫મી ઓગષ્ટ દેશનો સ્વતંત્રતા દિવસ છે. આઝાદી મળી એની ઉજવણી થશે, વડાપ્રધાન લાલ કિલ્લાના કાંગરેથી ધ્વજવંદન કરી દેશ જોગ પ્રવચન આપશે. શાળા-કોલેજોમાં, સરકારી કચેરીઓમાં, કેટલીક સંસ્થાઓમાં ધ્વજવંદનનાં કાર્યક્રમ યોજવામાં આવશે. આ બધું પણ પરાણે ફરજના ભાગરૂપે જ થતું હોય એવું બધાનાં ચહેરા પર સ્પષ્ટ દેખાશે. આપણા દેશ માટે અને દેશની લોકશાહી માટે આ સારું લક્ષણ નથી.

બધા લોકો દરેક વાતે સરકાર, કાયદા અને બંધારણ જ નકામું હોવાની વાતો કરે છે. માની લો કે સરકારો દ્વારા જોઈએ એવી સારી કામગીરી નથી થઈ. તો એની સામે નાગરિક તરીકે આપણે કઈ કઈ સારી કામગીરી કરી છે? કેટલી ફરજો પ્રામાણિકતાથી નભાવી છે? તંત્રમાં પણ આખરે તો આપણા સગાં-સબંધી, ઓળખીતા નાગરિકો જ બેઠા છેને! એ પણ આપણા જેવા જ છે.

બીજી જવાબદારીઓમાં તો સમય અને નાણાંની કદાચ જરૂર પડે, પરંતુ વાહન ચલાવતી વખતે નિયમો પાળવામાં તો કોઈ ખર્ચ નથી થતો. માત્ર મનોવૃત્તિનો જ સવાલ હોય છે. તમારી મનોવૃત્તિ કેવી હોય છે? રોડ ઉપર બેફામ નંબર વગરનું વાહન ચલાવો છો, ટ્રાફિક સિગ્નલ તોડીને ગૌરવ લો છો, લેન તોડતા જ રહો છો, ગમે ત્યાં રોંગ સાઈડ પ્રવેશ કરી જાઓ છો, નો ર્પાિંકગનાં બોર્ડ નીચે જ પાર્કીંગ કરી લો છો, સાઈડ સિગ્નલ બતાવ્યાં વિના ગમે તે દિશામાં ગમે ત્યારે વળાંક લઈ લો છો..! આ માનસિકતામાંથી આઝાદ થતાં આપણને કોણ રોકે છે.ં?

સરકાર દેશનો વહીવટ બરાબર ચલાવી શકે એ માટે બંધારણમાં અને જાતજાતના પીનલ કોડમાં નાગરિકો માટે ફરજો નક્કી કરવામાં આવી છે. જો આપણે બધા આ ફરજો બરાબર અદા કરીએ તો આપોઆપ બધાને અધિકાર અને આઝાદી મળે. રસ્તા માં થૂંકીએ નહીં તો બીજા બધાને સ્વચ્છતા માણવાની આઝાદી મળી જાય. તંત્રએ પહોળા કરી આપેલા રસ્તા પર આડેધડ કાર કે ટુ વ્હીલર્સની હારમાળા પાર્ક ન કરીએ તો ટ્રાફિક જામ ન થાય અને બધાને મોકળાશથી વાહન ચલાવવાની આઝાદી મળી જાય. રોડ પર નિયમસર વાહન ચલાવીએ તો બધાંને અકસ્માતના જોખમથી આઝાદી મળે. નંબરપ્લેટ વિનાનું એકપણ વાહન ન ફેરવીએ તો આતંકવાદીઓ કે અસામાજિક તત્ત્વોના વાહન તરત પકડાઈ જાય અને આપણને ભયથી આઝાદી મળી જાય. લાયકાત અને કૌશલ્ય વગરના માણસોને પ્રોત્સાહન આપવાનું બંધ કરીએ તો ગેરવહીવટ અને ભ્રષ્ટાચારથી આઝાદી મળી જાય.

આપણે બધા માનસિક રીતે આઝાદ થવા માંગતા જ નથી, આ માનસિકતા બધે જ કનડે છે. ટેકસમાં ચોરી, નોકરી-વ્યવસાયમાં ઓછી મહેનતે વધારે કમાણીની લાલચ, સતત જુઠાણાં ચલાવવાની નબળાઈ, શિક્ષણ કે જ્ઞાાન મેળવવાના બદલે ગોખણપટ્ટી, ચોરી કે ઓળખાણથી ટોચના માર્ક્સ લાવી ડિગ્રી સર્ટિફિકેટ મેળવવાની મથામણ. આ માનસિકતાથી મુક્ત ન બનીએ ત્યાં સુધી વિકાસની આઝાદી ક્યાંથી મળવાની હતી! ટ્રાફિકનો તો આપણે દાટ જ વાળ્યો છે. નિયમ છે કે ટ્રાફિક સિગ્નલ પાસે જતી વખતે દુરથી પીળું સિગ્નલ દેખાય તો સ્પીડ ઓછી કરવી, પરંતુ મોટાભાગના લોકો સ્પીડ વધારી દે છે. ઝિબ્રા ક્રોસિંગના પટ્ટાને દબાણ ન થાય એ રીતે વાહન ઊભું રાખવું, પરંતુ એની ઉપર અને ઘણાં તો એનીય આગળ વાહન ઊભું રાખે છે. ટ્રાફિક સિગ્નલ પાસે જતાં જતાં તમારે જે દિશામાં વળવું હોય એ બાજુની લેનમાં જતાં રહેવું જોઈએ, પરંતુ એની બિલકુલ વિરૂદ્ધ લેનમાં ઊભા રહી સિગ્નલ ખુલતાં જ ડાબી બાજુના છેડાથી જમણી બાજુ અને જમણી બાજુની લેનથી ડાબી બાજુ વળવા માટે વાહન દબાવ્યા કરે છે. એથી સિગ્નલ ખુલે તો પણ વાહનો ફસાઈ રહે છે અને ધૂંધવાટ સર્જાય છે.

કાયદો તોડી ગૌરવ મેળવવાની આપણી માનસિક ગુલામીઓ ગણાવતાં આખું પાનું ભરાઈ જાય. વાતનો સાર એટલો જ છે કે રાજકીય આઝાદી મળ્યાને ૬૯ વર્ષ થઈ ગયાંં છે. આપણે આપણી બેજવાબદારી, નફટાઈ અને સ્વાર્થથી આઝાદી મેળવી શક્યા નથી. પરિણામે દેશનો વિકાસ પણ થતો નથી. ચાલો, આ સ્વતંત્રતા દિવસે સોગંદ ખાઈએ, સરકારને જે કરવું હોય એ કરે, આપણે આ બધા દૂષણોથી આઝાદ થઈને જ રહીશું!

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન