AGRના રૂ. ૧.૪૭ લાખ કરોડ : ડેડલાઇન પૂરી થઈ છતાં કોઈ કંપનીએ બાકી લેણાંની ચુકવણી કરી નથી - Sandesh
  • Home
  • India
  • AGRના રૂ. ૧.૪૭ લાખ કરોડ : ડેડલાઇન પૂરી થઈ છતાં કોઈ કંપનીએ બાકી લેણાંની ચુકવણી કરી નથી

AGRના રૂ. ૧.૪૭ લાખ કરોડ : ડેડલાઇન પૂરી થઈ છતાં કોઈ કંપનીએ બાકી લેણાંની ચુકવણી કરી નથી

 | 6:32 am IST

। નવી દિલ્હી ।

ટેલિકોમ કંપનીઓને રૂ. ૧.૪૭ લાખ કરોડની એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ(AGR)ની બાકી રકમ ચૂકવી આપવા સુપ્રીમ કોર્ટનાં આદેશને પગલે દેશની ટેલિકોમ કંપનીઓ સંકટમાં મુકાઈ છે. સુપ્રીમ કોર્ટનાં આદેશ પછી શુક્રવારે રાત સુધીમાં AGRની તમામ રકમ ચૂકવી દેવા સરકાર દ્વારા તાકીદ કરાઈ હતી. જો કે સમય વીતી ગયો છતાં કોઈ કંપનીએ સરકારને બાકી લેણાંની રકમ ચૂકવી નથી. આવા સંજોગો વચ્ચે RBIનાં ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, સુપ્રીમનાં આદેશને પગલે જો કઈ સમસ્યા સર્જાશે તો તે અંગે બેન્ક દ્વારા આંતરિક ચર્ચા કરાશે. શુક્રવારે ટેલિકોમ કંપનીઓએ AGRની રકમ નહીં ચૂકવતા સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું અને ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા તેમજ અન્ય કંપનીઓનાં એમડી સહિત તમામ જવાબદાર અધિકારીઓ સામે કોર્ટની અવગણનાનો કેસ કરવાની ધમકી આપી હતી.

સરકારે રૂ. ૧.૬૦,૦૦૦ કરોડ લૂંટયા : કોંગ્રેસ

કોંગ્રેસનાં પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે ટેલિકોમ કંપનીઓને છૂટ આપીને ભાજપ સરકારે દેશવાસીઓનાં ખિસ્સામાંથી રૂ. ૧,૬૦,૦૦૦ કરોડ સેરવી લીધા છે. ખાસ કરીને પ્રિ પેઈડ ગ્રાહકોની મોટા પાયે લૂંટ ચલાવાઈ છે. સેલફોન કંપનીઓને લૂંટવાનો છૂટોદોર અપાયો છે.

અનિશ્ચિતતા

સુપ્રીમનાં AGR નાં આદેશ પછી ટેલિકોમ કંપનીઓ પાસે કરોડોની રકમ તત્કાળ ચૂકવવા માટે પાસે પૈસા નથી. આને કારણે અનેક ટેલિકોમ કંપનીઓ નાદારીનાં માર્ગે જઈ શકે છે અથવા તો ધંધો બંધ કરવાની નોબત આવી શકે છે.

૧ લાખથી વધુ કર્મચારીઓ બેકાર થવાની ભીતિ

AGRનાં બાકી લેણાંની રૂ. ૫૩,૦૦૦ કરોડની જંગી રકમ ચૂકવવાનાં મામલે વોડાફોન આઈડિયાનું ભાવિ અનિશ્ચિત અને અંધકારમય બન્યું છે. તેનાં ૧૧,૭૦૦ કાયમી અને ૧ લાખથી વધુ હંગામી કર્મચારીઓ પર બેકાર થવાની તલવાર તોળાઈ રહી છે. તેણે ૧૭ માર્ચ પહેલા પૈસા ચૂકવવાનાં છે. કંપની પાસે હવે બે જ વિકલ્પ છે. ક્યાં તો તે તેની ઇક્વિટી વેચે અથવા તો દેવાળિયા જાહેર થાય.

ફ્રી સુવિધાઓ પણ બંધ થઈ શકે

ટેલિકોમ કંપનીઓ પૈસા એકઠા કરવા માટે તેનાં ટેલિફોનનાં દરમાં ૧૦થી ૨૫ ટકાનો તત્કાળ વધારો કરે તેવી સંભાવના છે. ગ્રાહકોને આપવામાં આવતી ફ્રી સુવિધાઓ પણ બંધ થઈ શકે છે.

બિઝનેસ ચાલુ રાખવાનું અવલંબન સુપ્રીમનાં આદેશ પર : વોડાફોન

દેવામાં ડૂબેલી વોડાફોને શનિવારે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનાં આદેશ મુજબ તે AGR ડયૂ ચૂકવશે પણ બિઝનેસ ચાલુ રાખવો કે કેમ અને કેવી રીતે ચાલુ રાખવો તે સુપ્રીમનાં આદેશ પર અવલંબે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;