એઇમ્સના ડાયરેક્ટરની ચેતવણી, દેશ સ્ટેજ-૩ તરફ વધી રહ્યો છે - Sandesh
  • Home
  • India
  • એઇમ્સના ડાયરેક્ટરની ચેતવણી, દેશ સ્ટેજ-૩ તરફ વધી રહ્યો છે

એઇમ્સના ડાયરેક્ટરની ચેતવણી, દેશ સ્ટેજ-૩ તરફ વધી રહ્યો છે

 | 1:46 am IST

સ્નેપ શોટ

દેશભરમાં કોરોના વાઇરસની ચિંતામાં હવે વધારો થઇ રહ્યો છે. છેલ્લાં ૨૪ કલાકમાં ૬૯૩ કોરોના પોઝિટિવ નવા દર્દીઓ દેશમાં મળી આવ્યાં છે. આ આંકડો ખૂબજ ગંભીર છે. અત્યારે દેશમાં કોરોના પોઝિટિવના દર્દીઓ ૪૦૬૭ છે અને ૧૦૯ લોકોના મોત નીપજ્યાં છે. દેશમાં કોરોના વાઇરસ ૩૦ રાજ્યોનાં ૨૮૮ જિલ્લાઓમાં  પ્રસરી ચૂક્યો છે. આ ૨૮૮ જિલ્લાઓમાં લોકડાઉન પૂરું થયા બાદ ૧૪ એપ્રિલ પછી પણ ૨૪ કલાક સર્વેલન્સ અને મોનિટરિંગ ચાલુ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે. કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓમાં સૌથી વધુ કેસ યુવાનોના છે. હેલ્થ મિનિસ્ટ્રિએ દેશભરના કોરોના પોઝિટિવના જે આંકડા જાહેર કર્યાં છે તેમાં ૦-૪૦ વર્ષમાં ૪૭ ટકા કેસ, ૪૧-૬૦ વર્ષમાં ૩૪ ટકા કેસ અને ૬૦ વર્ષથી ઉપરમાં ૧૯ ટકા કેસ પોઝિટિવ છે. આ આંકડા પરથી એ વાત બહાર આવે છે કે કોરોના માત્ર સિનિયર સિટીઝનને થાય છે તે વાત ખોટી છે. હેલ્થ મિનિસ્ટ્રિએ એ પણ આંકડો જાહેર કર્યો છે કે, કુલ પોઝિટિવ કેસોમાં ૭૬ ટકા પુરૂષો છે. જ્યારે ૨૪ ટકા દર્દીઓ મહિલાઓ છે.

દેશમાં કોરોના વાઇરસનો કહેર વધવામાં તબલિગી જમાતની મરકઝનો મોટો ફાળો છે તે વાતનો હવે કોઇ ઇનકાર કરી શકે તેમ નથી. દેશમાં કુલ પોઝિટિવ કેસો ૪૦૬૭ રવિવાર સુધી નોંધાયા છે તેમાં ૧૪૪૫ લોકો તો તબલિગી જમાત સાથે સંકળાયેલા છે. દરમિયાનમાં તબલિગી જમાતના નેતા મૌલાના સાદ કાંધાલવીને દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે એક નોટિસ ફટકારી છે. આ નોટિસમાં પોલીસે ૨૬ પોઇન્ટના જવાબ માગ્યાં છે. આ જાણકારીમાં તબલિગી જમાતની મરકઝમાં કેટલા લોકો આવ્યાં હતાં ? ક્યાંથી આવ્યાં હતાં ? મરકઝ માટે મંજૂરી લીધી હતી કે કેમ ? મરકઝના કાર્યક્રમ દરમિયાન હાજર રહેલો સ્ટાફ, વોલિયન્ટર્સ, ર્પાિંકગમાં રહેલા લોકો જેવી જુદી જુદી ૨૬ પ્રકારની માહિતી માગી છે. જેનો જવાબ આપવો હોય તો સહેલાઇથી આપી શકાય તેમ છે. પરંતુ તબલિગી જમાતના પ્રમુખ મૌલાના સાદે પોલીસની આ નોટિસનો જવાબ આપવાનું ટાળ્યું છે અને કહ્યું છે કે , અત્યારે હું આઇસોલેશનમાં છું એટલે હું કોઇ માહિતી આપી શકુ નહીં. મૌલાના સાદના આ જવાબથી ક્રાઇમ બ્રાન્ચ સંતુષ્ટ નથી. પોલીસે તેમને બીજી નોટિસ ફટકારી છે. પોલીસનું કહેવું છે કે, મૌલાના સાદનો જવાબ એકદમ પાયા વગરનો છે.  પોલીસ તપાસમાં એ બહાર આવ્યું છે કે, તબલિગી જમાતની મરકઝની તૈયારી મહિનાઓથી ચાલુ હતી.આ તમામ જાણકારી તબલિગી જમાતના પ્રમુખ સહિત બીજા ચાર સાથીઓ પાસે હતી. મૌલાના સાદ જો જવાબ આપવા માગતાં હોય તો તેમના લેપટોપથી આપી શકે છે પરંતુ મૌલાના સાદ દેશહિતમાં જે જાણકારી જોઇએ છે તે આપતા નથી, તે ગંભીર વાત  છે. અત્યારે પોલીસે મૌલાના સાદ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરીને લોકડાઉનના નિમમો તોડવાનો ગુનો દાખલ કર્યો છે. જો કે પોલીસના હાથમાં હજુ મૌલાના સાદ આવ્યાં નથી.

તબલિગી જમાતને કારણે દેશમાં શું હાલત થઇ ગઇ છે તે અંગે જાણકારો ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. દેશનાં અંદરના ભાગોમાં તબલિગી જમાતના કાર્યકરોને કારણે કોરોનાના પોઝિટિવ દર્દીઓ હવે વધી રહ્યાં છે. દેશમાં અત્યારે કેટલીક જગ્યાએ સ્ટેજ-૩માં કોરોના પહોંચી જાય તેવી શક્યતાઓ વધી ગઇ છે. ચીન, ઇટલી, અમેરિકા, બ્રિટન, સ્પેન જેવા દેશોમાં કોરોનાના કારણે જે ભયંકર તકલીફો ઊભી થઇ ગઇ છે તેવી તકલીફ ભારતમાં ઊભી થઇ શકે એમ છે કે નહીં તે અંગે એઇમ્સના ડાયરેક્ટર ડો. રણદિપ ગુલેરિયાએ જાણકારી આપી છે. ડો. ગુલેરિયાને જ્યારે પુછાયું કે, દેશ અત્યારે કોરોના ઇન્ફેક્શનનાં કયાં સ્ટેજમાં છે ? ત્યારે ડો. ગુલેરિયાએ કહ્યું હતું કે, ભારત અત્યારે કોરોના વાઇરસનાં સ્ટેજ-૨ અને સ્ટેજ-૩ની વચ્ચે કોઇ જગ્યાએ છે. દેશનાં મોટાભાગના વિસ્તારો અત્યારે સ્ટેજ-૨માં છે પરંતુ કેટલાંક હોટસ્પોટ એરિયા સ્ટેજ-૩ની તરફ વધી રહ્યાં છે. આ વિસ્તારોમાં કોરોનાનું ઇન્ફેક્શન ઝડપથી વધી રહ્યું છે. ચિંતાની વાત એ છે કે કોઇ કોઇ જગ્યાએ કેસ બહુ ઝડપથી વધી રહ્યાં છે અને કોમ્યુનિટી ઇન્ફેક્શન પણ દેખાઇ રહ્યું છે. પરંતુ અત્યારે આ ગંભીર વાત માત્ર લોકલ લેવલ પર છે અને કેટલાંક નાના વિસ્તારોમાં દેખાઇ રહી છે.

ડો. ગુલેરિયાએ દેશમાં સાવચેતી અને સખતાઇ પર ભાર મૂક્યો છે અને તેમણે કહ્યું કે, અત્યારે સૌએ દેશનાં હોટસ્પોટ બનેલાં વિસ્તારો પર સૌથી વધારે ધ્યાન રાખવાની જરૂર છે જ્યાં લોકલ કોમ્યુનિટીમાં કોરોના વાઇરસ સ્પ્રેડ થઇ રહ્યો છે. આ વિસ્તારોમાં આપણે જો સ્થિતિ પર કાબૂ મેળવી લઇશું તો ચિંતાની કોઇ વાત નથી. કોમ્યુનિટી ઇન્ફેક્શન અત્યાર સુધી થોડાંક વિસ્તારમાં છે અને નાની નાની જગ્યાએ ફેલાઇ રહ્યો છે એટલે આપણે સાવચેતી રાખવાની જરૂરત છે. ડો. ગુલેરિયાએ કહ્યું કે, તબલિગી જમાતની મરકઝ પછી કોરોના પોઝિટિવનાં કેસોમાં વધારો નોંધાયો છે. માટે મરકઝમાં ગયેલા બધાજ લોકોને ટ્રેસ કરવા જરૂરી છે. તેમના કોન્ટેક્ટ પણ ટ્રેસ કરીને બધાંને ક્વોરન્ટાઇન કરવા જોઇએ. કોઇને પણ કોરોનાના સામાન્ય લક્ષણો પણ દેખાઇ આવે તો તેને ઘરમાં જ રહેવું જોઇએ. જ્યારથી એઇમ્સના ડોક્ટર અને તેમની પત્નીને કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારથી એઇમ્સના બધાંજ ડોક્ટરોમાં ડર વ્યાપી ગયો છે. ડોક્ટરોને પોતાના પરિવારની પણ ચિંતા છે કે પોતાને લીધે તેમના પરિવારને પણ ઇન્ફેક્શન લાગી શકે છે.

લોકડાઉન વધારવું જોઇએ કે નહીં તે અંગે એઇમ્સના ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, અત્યારે આ વાત કહેવી મુશ્કેલ છે. ૧૦મી એપ્રિલ સુધીનાં તમામ ડેટા આવી જશે ત્યારે જ કોઇ જવાબ આપવો સહેલો પડશે કે લોકડાઉન વધારવું જોઇએ કે નહીં. જો કે એક વાત નક્કી છે કે દેશમાં સ્થિતિ સામાન્ય થતાં સમય લાગવાનો છે. આ કોરોના વાઇરસ એટલી આસાનીથી જવાનો નથી.

ડો. ગુલેરિયા એઇમ્સ હોસ્પિટલનાં ડાયરેક્ટર છે અને તેમની વાતોમાંથી બિટવીન ધ લાઇન્સ એ છે કે દેશ અત્યારે ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. જો સરકાર અને આપણે કાળજી નહીં રાખીએ તો દેશ ગમે ત્યારે સ્ટેજ-૩માં પહોંચી શકે છે અને આ પરિસ્થિતિમાં દેશનાં ઘણાબધાં નાગરિકોના મોત નીપજી શકે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન