An interesting incident of Nanakdevji, the first Guru of Sikhism
  • Home
  • Astro
  • શીખ ધર્મના પ્રથમ ગુરુ નાનકદેવજીની એક રસપ્રદ ઘટના

શીખ ધર્મના પ્રથમ ગુરુ નાનકદેવજીની એક રસપ્રદ ઘટના

 | 3:30 pm IST
  • Share

ગુરુ નાનકે મુખીની રોટલીને નીચોવી ત્યારે તેમાંથી લોહીનાં ટપકાં પડયાં અને ગરીબની રોટલી નીચોવી તો તેમાંથી નિર્મળ દૂધની ધારા વહેવા લાગી

કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે 1469માં રાવી નદીના કિનારે સ્થિત તલવંડી નામના ગામમાં લાલા કલ્યાણ રાય (મહેતા કાલૂજી) નામના એક ખેડૂતના ઘરે ગુરુ નાનકનો જન્મ થયો. તેમની માતાનું નામ તૃપ્તા દેવી હતું. તલવંડીને નાનકજીના નામ પર નનકાના સાહબ કહેવામાં આવે છે, જે હાલમાં પાકિસ્તાનમાં છે.

16 વર્ષની વયે તેમના વિવાહ થયા હતા. તેમને શ્રાીચંદ અને લક્ષ્મીચંદ નામના બે પુત્રો પણ થયા. ઈ.સ. 1507માં તેઓ પોતાના પરિવારનો ભાર પોતાના સસરા પર છોડીને યાત્રા કરવા નીકળી પડયા. ઈ.સ. 1521 સુધી તેમણે ભારત, અફઘાનિસ્તાન, ફારસ અને આરબનાં મોટાભાગનાં સ્થળોનું ભ્રમણ કર્યું. એવું કહેવાય છે કે તેમણે ચારે દિશાઓમાં ભ્રમણ કર્યું. લગભગ આખા વિશ્વમાં ભ્રમણ દરમિયાન ગુરુ નાનકની સાથે રોમાંચક ઘટનાઓ ઘટતી રહી. ઈ.સ. 1539માં તેમણે દેહત્યાગ કર્યો.

ગુરુ નાનકના સિદ્ધાંત     

એવું કહેવામાં આવે છે કે નાનકદેવજી પાસેથી જ હિંદુસ્તાનને પહેલી વાર હિંદુસ્તાન નામ મળ્યું. આશરે 1526માં જ્યારે બાબર દ્વારા દેશ પર હુમલો કરાયા પછી ગુરુ નાનકદેવજીએ કેટલાંક શબ્દો કહ્યા હતા. તે શબ્દોમાં પહેલી વાર હિંદુસ્તાન શબ્દનું ઉચ્ચારણ થયું હતું. એ શબ્દો આ પ્રમાણે હતા :

ખુરાસાન ખસમાના કીઆ હિંદુસ્તાન ડરાઈયા

નાનકજીના વ્યક્તિત્વમાં બધાં જ ગુણ હતા. ગુરુ નાનકે રૂઢિઓ અને કુસંસ્કારોના વિરોધમાં હંમેશાં અવાજ ઉઠાવ્યો હતો. સંત સાહિત્યમાં નાનકજી ચળકતાં તારલાસમાન છે. કવિહૃદય ગુરુ નાનકજીની ભાષામાં ફારસી, મુલતાની, પંજાબી, સિંધી, ખડી બોલી, અરબી, સંસ્કૃત અને વ્રજભાષાના શબ્દો સમાઈ ગયા હતા.

દસ સિદ્ધાંતો   

ઈશ્વર એક છે.

હંમેશાં એક જ ઈશ્વરની ઉપાસના કરો.

જગતના કર્તા બધી જગ્યાએ છે અને પ્રાણીમાત્રમાં હાજર છે.

સર્વશક્તિમાન ઈશ્વરની ભક્તિ કરનારાઓને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી.

ઈમાનદારીથી મહેનત કરીને પેટનો ખાડો પૂરવો જોઈએ.

ખરાબ કાર્ય કરવા અંગે વિચારવું ન જોઈએ અને કોઈને હેરાન-પરેશાન ન કરવા જોઈએ.

હંમેશાં પ્રસન્ન રહેવું જોઈએ. ઈશ્વર પાસે હંમેશાં ક્ષમા માગવી જોઈએ.

મહેનત અને પ્રામાણિકતાથી કમાણી કરીને તેમાંથી જરૂરિયાતમંદોને પણ કંઈક આપવું જોઈએ.

બધી જ સ્ત્રી અને પુરુષ સમાન છે.

ભોજન શરીરને જીવતું રાખવા માટે જરૂરી છે, પરંતુ લોભ-લાલચ તથા સંગ્રહવૃત્તિ ખરાબ વસ્તુ છે.

એક રસપ્રદ ઘટના

ગુરુ નાનકદેવજી એક વાર એક ગામમાં પહોંચ્યા. ત્યાં તેમના માટે બે ઘરેથી ભોજન માટેનું નિમંત્રણ આવ્યું. જેમાંથી એક નિમંત્રણ ગામના ધનાઢય મુખીનું હતું અને બીજું એક નિર્ધન વ્યક્તિનું હતું. ગુરુજીએ ગરીબ વ્યક્તિનું નિમંત્રણ સ્વીકાર્યું તેથી મુખી તેને પોતાનું અપમાન સમજ્યા. તેથી તેણે વિરોધ કર્યો. ત્યારે ગુરુ નાનકે મુખીની રોટલીને નીચોવી ત્યારે તેમાંથી લોહીનાં ટપકાં પડયાં અને ગરીબની રોટલી નીચોવી તો તેમાંથી નિર્મળ દૂધની ધારા વહેવા લાગી. ગુરુજીએ કહ્યું, મુખીની કમાણી અનીતિ, અધર્મ, અત્યાચાર, શોષણથી મેળવેલી છે, જ્યારે ગરીબ વ્યક્તિના ભોજનમાં ઈમાનદારી અને મહેનતની કમાણી કરી છે. તેમાં અનીતિ, અન્યાય, શોષણ કે મલિનતા નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો