Anil Starch promoter Amul sheth Rs.3000 crore scam in Ahmedabad
  • Home
  • Ahmedabad
  • 30,00,00,00,000 : અમોલ શેઠે એક માત્ર અનિલ સ્ટાર્ચમાં આચરેલા કૌભાંડનો આ આંકડો

30,00,00,00,000 : અમોલ શેઠે એક માત્ર અનિલ સ્ટાર્ચમાં આચરેલા કૌભાંડનો આ આંકડો

 | 6:00 am IST
  • Share

  • માત્ર સામાન્ય લોકોને જ નહીં પણ ખુદ સરકાર અને રાષ્ટ્રીયકૃત બેન્કોને પણ કુલ 3,000 કરોડથી વધુમાં રોવડાવી
  • અનિલ સ્ટાર્ચ લિ.માં મુકાયેલા લિક્વિડેટર પાસે સરકાર, બેન્ક સહિત 190 લોકોના દાવાથી થયેલો ઘટસ્ફોટ
  •  અનિલ લીમીટેડના સ્ટાફના પ્રોવીડન્ટ ફંડના રૂ.4,15,14,085 ભરવાના બાકી હોવાનું લીકવીડેટરની તપાસમાં બહાર આવ્યુ છે.

 

અનિલ સ્ટાર્ચના અમોલ શેઠની ધરપકડ બાદ તેને રિમાન્ડ પર મેળવી ક્રાઈમ બ્રાન્ચ કરોડોના તેના કૌભાંડનું પગેરૃં મેળવવા મથી રહી છે ત્યારે સંદેશે મેળવેલી વિગતો મુજબ અત્યાર સુધીમાં અમોલ શેઠ પાસે સત્તાવાર રીતે ખુદ સરકારના 1,000 કરોડ, 7 બેંકો સહિત 63 કંપનીઓના 1,585 કરોડ   અને અન્ય 127 રોકાણકારોના 240 કરોડ લેણાં છે.  આ ઉપરાંત જે રોકાણકારોએ ફરિયાદ નથી નોંધાવી તેમના લેણાંને ગણતરીમાં લઈ તો અમોલ શેઠે કરેલાં કૌભાંડનો આંકડો ત્રણ હજાર કરોડથી પણ વધી જાય તેમ છે. અને આટલી રકમના તાણાવાણા ઉકેલવા જો ક્રાઈમ બ્રાન્ચ ખરેખર ગંભીર હશે તો તેણે કુશાગ્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બેન્કર્સ, બિઝનેસ પ્લાનર્સ, ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ્સની ફોજ કામે લગાડવી પડશે તે નક્કી છે.

અનિલ સ્ટાર્ચ કંપનીએ અનિલ લીમીટેડ નામ ધારણ કરી જે ઉઠામણાં કર્યા તેના પગલે અનિલ લીમીટેડ કંપનીમાં લીકવીડેટરની નિમણૂંક થયા બાદ બેંકો, કંપનીઓ અને રોકાણકારો દ્વારા કંપની પાસેથી ઉઘરાણું કરવાનું ચાલુ કર્યુ હતુ. જેમાં લેણદારોને કેટલી રકમ લેવાની થાય અને લીકવીડેટર દ્વારા મંજૂર કરવામાં આવેલ રકમ જોતા આશરે રૂ.3,000 કરોડથી વધુ થાય છે. આ ઉપરાંત અનિલ સ્ટાર્ચની કંપનીના શિરછત્ર હેઠળ અનિલ ટ્રેડ કોમ, સિધ્ધાર્થ કોન માર્ટ, અનિલ એગમાર્ટ, અનિલ બાયોપ્લસ, અનિલ ન્યુટ્રીઅન્સ જેવી પેટા કંપનીઓમાં બેંકો, રોકાણકારોના નાણાં મેળવી લીધા હતા. આ ઉપરાંત અનિલ સ્ટાર્ચ પેટા કંપની અનિલ ટ્રેડ માર્ક સામે અમદાવાદની ફોજદારી કોર્ટોમાં 700 થી ચેક રીટર્નની ફરિયાદો થઈ છે.જેમાં અનિલ ટ્રેડ માર્કની ઓફિસમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી સમન્સ- વોરન્ટની બજવણી કરવામાં જ આવતી નથી. ફરિયાદીઓના જણાવ્યા મુજબ અમારા પરસેવાના નાણાં છે અને વર્ષો જૂની કંપની

હોવાથી અમારા નાણાં સલામત હોવાથી મુકયા હતા. જે નાણાં ડૂબી જતા અમારી હાલત કફોડી થઈ ગઈ છે. તો કેટલાક રોકાણકારો એમ કહ્યુ કે, પોલીસની મીલી ભગત હોવાથી અમોલ શેઠ તથા તેના મળતિયાઓને આજદિન સુધી સમન્સ અને વોરન્ટની બજવણી કરવામાં આવતી નહોતી. અનિલ લીમીટેડના સ્ટાફના પ્રોવીડન્ટ ફંડના રૂ.4,15,14,085 ભરવાના બાકી હોવાનું લીકવીડેટરની તપાસમાં બહાર આવ્યુ છે. જયારે અનિલ ટ્રેડ લીમીટેડમાં અન્ય લીકવીડેટરની નિમણૂંક એનસીઅએલટી દ્વારા કરવામાં આવી છે.જેમાં પણ હજારો રોકાણકારોના નાણાં મેળળવા માટે માંગણી કરી હોવાનું જાણવા મળે છે.

અનિલ સ્ટાર્ચના સીએફઓ તરીકે ચિંતન આચાર્ય

અનિલ સ્ટાર્ચ કંપનીના સીએફઓ તરીકે ચિંતન જીતેન્દ્રકુમાર આચાર્ય હતો. તેમજ જયરાજ હરીૃંદ્ર પેન્ડેકર, અનિલ માઇન્સ એન્ડ મિનરર્લ્સ લિમિટેડ એન્ડ અનિલ ન્યુટ્રોશિયન લિમિટેડમાં ડાયરેક્ટર તરીકે   તેમજ બ્રોકર તરીકે પણ કામ કરતો હતો. આ તમામ ઉપર પણ નજીકના દિવસોમાં ક્રાઈમ બ્રાંચ સકંજો મજબૂત કરશે તેમ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે. આવા અનેક બ્રોકરો અને અમોલની કંપનીઓના નામ પોલીસને મળ્યા છે.

7 બેન્કો સહિત 63 કંપનીના 1,585 કરોડ ડૂબ્યા

     બેંક ઓફ ઈન્ડિયા                       રૂ.417,81,63,554

     IDBI બેંક                                  રૂ. 270,02,72,600

     PNB બેંક-                                 રૂ.62,49,65,965

     IFCL લિમિટેડ                          રૂ.195,19,91,324

    AXIS બેંક                                   રૂ.84,43,36,264

    SVC કો.ઓપ. બેંક                      રૂ.66,84,61,150

    સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા-               રૂ.156,75,02,184

આ ઉપરાંત 63 કંપનીઓ મળીને કુલ રૂ.1585,49,93,321ના કલેમ લિક્વિટેરએ કાગળ ઉપર આપવા માટે મંજૂર કર્યા છે.

અન્ય 127 લોકોનો 240 કરોડનો ક્લેમ

અનિલ લિ. કંપનીમાં 127 કંપની તથા પ્રાઈવેટ લોકોએ રૂ.240 કરોડ ની માંગણી લીકવીડેટર પાસે માંગણી કરી હતી.જેમાં લીકવીડેટર દ્વારા રૂ.160 કરોડ આપવાના મંજૂર કરેલા.

એક મહિલા સહિત ચારને પાવર ઓફ એટર્ની આપેલા

ઠગ અમોલ શેઠે પૈસાની હેરાફેરી કરવા અને બેન્કમાં લેવડ-દેવડ કરવા તેમજ ઉઘરાણી આવતા લોકોને સમજાવીને પૈસા આપવા માટે ચાર ખાસ માણસો રાખ્યા હતા. તેની પોતાની સહિઓ કરવાનો પાવર નુપેશ રાઠોડ, મિનેશ શેઠ, શાલીભદ્ર અને શ્વેતા નામદેવને આપી હતી. ત્રણ આરોપીઓ પકડાતાં અન્ય આરોપીઓ ભુગર્ભમાં જતા રહ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.

બાપુનગરમાં ફેક્ટરી, પણ કોર્પોરેટ ઓફિસ જજિસ બંગલો પાસે

આરોપી અમોલ શેઠની અનીલ સ્ટાર્ચ મીલ બાપુનગરના 50 હજાર એકર જમીનમાં ફેલાયેલી છે. જ્યાં તેનો દબદબો હતો. ત્યાંની ઓફિસે તે જતો જ નહોતો. જેથી તેનુ ધંધામાં કોઇ ધ્યાન જ નહોતુ. તેની મીલ બાપુનગરમાં હતી. જ્યારે તેની કોર્પેોરેટ વૈભવી ઓફિસ બોડકદેવ જજીસ બંગ્લોઝ પાસે આવેલી છે. ત્યાં તે જતો હતો. પરંતુ મીલ પર તો જતો જ નહોતો.

આ સરકારી વિભાગોને 1,000 કરોડમાં રોવડાવ્યા

ડિપાર્ટમેન્ટ ક્લેમ (રૂ.) ક્લેમ અપ્રુવ (રૂ.)
કમિ. ઓફ સ્ટેટ ટેક્સ 545,96,65,301 545,96,65,301
કમિ. ઓફ સ્ટેટ ટેક્સ 455,75,67,058 455,75,67,058
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ 39,95,35,310
કમિશનર ઓફ કસ્ટમ 4,47,85,575
એએમસી 80,55,957 80,55,957
CGST 4,25,13,277 4,25,13,277
ESI કોર્પોરેશન 47,16,700 47,16,700
અસિ. કમિ. CGST 1,24,18,110 1,24,18,110
કુલ 1052,92,57,288 1008,49,36,403

અનેક વિધવા, વૃદ્ધોના પ્રોવિડન્ટ  ફંડના નાણાં ય ઉસેટી ગયો

અનીલ સ્ટાર્ચ મીલનુ દેશભરમાં જ નહી વિદેશોમાં પણ નામ હતી. જેથી લોકોએ તેમના જીવનની તમામ પુંજી તેમના પાછલા સમયમાં કામ આવે તે માટે અનીલ મીલના નામે રોકી હતી. આ ઉપરાંત કેટલાક સરકારી અધિકારીઓ નિવુત થતાં ઁહ્લના તમામ પૈસા તેમજ વિધવાઓએ પણ પોતાના પૈસા રોક્યા હતા. લોકોને તેમના જ પૈસા તેમની ગંભીર બિમારીમાં પણ કામમાં ના આવ્યા હોવાથી શ્રાપ પણ આપ્યા હતા. તો કેટલાક લોકોના રોકાણ કરેલા પૈસા પરત ના આવતાં ડિપ્રેશન તેમજ અનેક બિમારીઓના ભોગ બન્યા હોવાનુ જાણવા મળ્યું છે.

ઠગાઈના નાણાં સંતાડવા અમોલ શેઠે બિટકોઇનમાં પણ રોકાણ કરેલું

અનિલ સ્ટાર્ચ ફડંચામાં ગયા બાદ તેને ઉગારવામાં નિષ્ફળતા મળતાં અમોલ શેઠે ઠગાઈનો રસ્તો અપનાવેલો  ઉઘરાવેલા નાણાં કોઈને પણ પાછા નહીં આપવાની દાનત હોવાથી ગમે ત્યારે જેલના સળિયા પાછળ ધકેલાશે તેવી ખબર જ હતી. જેથી તેને કાયદાની છટકબારીઓ રાખીને અનેક જગ્યાએ રોકાણ કર્યા છે. જેમાં શેરબજારના સટ્ટામાં, બિટકોઇન તેમજ નામી-બેનામી મિલકતો તેને પોતાને બચવા માટે અન્ય લોકોના નામે વસાવી હોવાનુ પોલીસસૂત્રો તરફથી જાણવા મળ્યું છે. આની પણ તપાસ થઈ રહી છે.

પોતે બનાવેલી જુદી જુદી કંપનીઓના 40 ઉચ્ચ અધિકારીઓને વૈભવી કારની ગિફ્ટ આપી

અનીલ સ્ટાર્ચ મીલના કૌભાંડી અમોલ શેઠ એક તરફ ધંધામાં ખોટ જતી હતી ત્યાં બીજી તરફ કર્મચારીઓને ખુશ કરવા માટે 40 ટોપ અધિકારીઓને લકઝુરીયસ કાર ગિફટ આપી હતી. જેના કારણે તેના અધિકારીઓ તેની સાથે વફાદાર રહેતા હતા. ડબલ પગાર આપીને કંપનીના ડાયરેકટરોની પોસ્ટ આપીને આંજી નાખતો હતો. જો કે કંપનીના અધિકારીઓ પણ ઓવર કોન્ફિડન્સમાં આવીને કાયદાના ડર વગર લાલચમાં ડીરેકટરો બની ગયા હતા. હવે જેલમાં જવાનો વારો આવતાં તેમના હાંજા ગગડી પડયા છે. મોટાભાગના ડીરેકટરો સિનીયર સિટીઝન હોવાનુ જાણવા મળ્યુ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો