અરવિંદ કેજરીવાલે શપથવિધિમાં શિક્ષકોને આમંત્રણ આપતાં વિવાદ - Sandesh
  • Home
  • India
  • અરવિંદ કેજરીવાલે શપથવિધિમાં શિક્ષકોને આમંત્રણ આપતાં વિવાદ

અરવિંદ કેજરીવાલે શપથવિધિમાં શિક્ષકોને આમંત્રણ આપતાં વિવાદ

 | 6:14 am IST

। નવી દિલ્હી ।

દિલ્હી વિધાનસભામાં જંગી બહુમતીથી જીત્યા પછી આમઆદમી પાર્ટીનાં ક્ન્વીનર અરવિંદ કેજરીવાલ રવિવારે ત્રીજી વખત સીએમ તરીકે શપથ લઈ રહ્યા છે. તેમની સાથે ૬ પ્રધાનો પણ સોગંદ લેવાનાં છે. આમઆદમી પાર્ટીએ શપથવિધિમાં હાજર રહેવા શિક્ષકોને આમંત્રણ આપતાં વિવાદ સર્જાયો છે.

ભાજપએ આક્ષેપ કર્યો છે કે કેજરીવાલ શપથમાં હાજર રહેવા શિક્ષકોને ફરજ પાડી રહ્યા છે. બીજી તરફ આમઆદમી પાર્ટીએ ભાજપ પર પ્રહાર કરીને જવાબ આપ્યો છે કે ભાજપએ શિક્ષકોનું સન્માન કરતા શીખવું જોઈએ. ભાજપનાં સાંસદ પરવેશ વર્મા અને કોંગ્રેસનાં નેતા મુકેશ શર્માએ આક્ષેપો કર્યા હતા કે આપ દ્વારા શિક્ષકો પર બળજબરી કરાઈ રહી છે. ત્યારે આપનાં મનીષ સિસોદિયાએ પ્રહાર કર્યો હતો કે કોંગ્રેસ અને ભાજપને શિક્ષકોનું સન્માન કરતા આવડતું નથી. તેમણે કહ્યું કે જનતાએ કેજરીવાલનાં વિકાસનાં મોડલને મત આપ્યા છે. લોકોને ભ્રષ્ટાચાર મુક્ત મદદગાર સરકાર મળી છે. શપથવિધિ માટે પીએમ મોદી સહિત દિલ્હીમાં હાજર રાજકારણીઓ અને નેતાઓને પણ આમંત્રણ અપાયું છે.

અણ્ણા હઝારેને હજી આમંત્રણ મળ્યું નથી

સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ દિલ્હીનાં રામલીલા મેદાનમાં અનશન આંદોલન કર્યું હતું જેમાં કેજરીવાલ તેમનાં સાથીદાર રહ્યા હતા. કેજરીવાલ આ વખતે શપથવિધિમાં હાજર રહેવા અણ્ણા હઝારેને આમંત્રણ આપશે તેવી જાહેરાત કરી હતી પણ અણ્ણાને હજી સુધી તેમનું આમંત્રણ મળ્યું નહીં હોવાનાં અહેવાલો છે. કેજરીવાલે અગાઉ શપથ લીધા ત્યારે અણ્ણા હઝારેને આમંત્રણ આપ્યું હતું પણ નાદુરસ્ત તબિયતને કારણે તેઓ હાજર રહ્યા ન હતા. નિર્ભયાનાં હત્યારાઓને ફાંસીમાં વિલંબ મુદ્દે અણ્ણા ૨૦ ડિસેમ્બરથી તેમના ગામ રાલેગણ સિદ્ધિમાં મૌન વ્રત ધારણ કરી આંદોલન કરી રહ્યા છે.

શપથવિધિમાં શહીદોનો પરિવારને પણ આમંત્રણ

કેજરીવાલ સરકારે શપથવિધિમાં શિક્ષકો, શહીદોનો પરિવાર, દિલ્હીનાં વિકાસમાં ભાગીદાર ઉદ્યોગપતિઓ,વકીલો, પત્રકારો, વિદ્યાર્થીઓ, બસ અને ઓટો ડ્રાઇવર્સ, ખેડૂતો તેમજ સામાજિક કાર્યકરોને આમંત્રણ આપ્યું છે.

આજે આપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક

દિલ્હીમાં જીતની હેટ્રિક લગાવ્યા પછી આમઆદમી પાર્ટીએ રવિવારે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે જેમાં દેશભરમાં ભાજપને પડકાર આપવા રણનીતિ ઘડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;