• જો દેવી અન્નપૂર્ણાની થાય મહેર તો ધનધાન્યની રહે લીલાલહેર
  • સર્વ જીવ પ્રાણીમાત્રનું ભરણપોષણ કરનારી ભુવનેશ્વરી શક્તિ
  • સમગ્ર વિશ્વનું ભરણપોષણ કરનારાં અને અન્નજળ દ્વારા દુનિયાને જિવાડનારાં દેવી અન્નપૂર્ણા

વિશ્વનું ભરણપોષણ કરનારાં અન્ન-આહાર આપનારાં દેવી એટલે અન્નપૂર્ણા, તે વિશ્વના સર્વ જીવ પ્રાણીમાત્રનું ભરણપોષણ કરનારી ભુવનેશ્વરી શક્તિ છે ભારતમાં એક બે નહીં પરંતુ તેત્રીસ કરોડ દેવી-દેવતાઓની પૂજા-અર્ચના થાય છે. દરેક ઇચ્છા-અપેક્ષા અને આકાંક્ષાની પૂર્તિ માટે એક અલગ દેવ કે દેવી હોય છે. ઘરમાં ધનધાન્ય ભર્યાં રહે એ માટે આપણે ત્યાં દેવી અન્નપૂર્ણાની પૂજા કરવામાં આવે છે.

અન્નજળ દ્વારા દુનિયાને જિવાડનારાં દેવી અન્નપૂર્ણા 

સમગ્ર વિશ્વનું ભરણપોષણ કરનારાં અને અન્નજળ દ્વારા દુનિયાને જિવાડનારાં દેવી અન્નપૂર્ણા છે. એમની ઉદારતા ત્રણેય ભુવનમાં અજોડ છે. 29 નવેમ્બરના રોજ અન્નપૂર્ણા માતાજીનું વ્રત શરૂ થાય છે. આપણે સૌ આ વ્રતની કથા અને દેવી અન્નપૂર્ણાને લગતાં સ્તોત્ર અને પૂજન-અર્ચન દ્વારા એમની અમીદૃષ્ટિને કૃપાપાત્ર બનવાનો પ્રયત્ન કરીએ. ઉપનિષદોમાં કહ્યું છે કે, ‘અન્ન ખલુ બ્રહ્મ’ અન્નનો તિરસ્કાર કરવાથી કેવું દુષ્પરિણામ આવે તે ‘ભવિષ્યોત્તર પુરાણ’માં દેવી અન્નપૂર્ણાના વ્રતની કથા ઋષિ અગસ્ત્ય દંડકવનમાં રામ-લક્ષ્મણને સંભળાવે છે.

દેવી અન્નપૂર્ણાના વ્રતની કથા

કાશીનગરીમાં દેવદત્ત અને ધનંજય નામના બે ભાઇઓ રહેતા હતા. એમાં દેવદત્ત ધનિક અને સુખી હતો જ્યારે ધનંજય નિર્ધન અને દુ:ખી હતો. પોતાના કુટુંબની દરિદ્રતા દૂર કરવા ધનંજય કાશીના મણિકર્ણિકા ઘાટે જઇને, શિવ-પાર્વતીનું સ્મરણ કરતાં કરતાં જ ત્યાં સૂઇ ગયો. રાત્રે સપનામાં એક જટાધારી બ્રાહ્મણે આવીને તેને જણાવ્યું, ‘પૂર્વે કાંચી નગરીમાં રાજકુમાર શત્રમર્દન અને તેનો મિત્ર હેરંબ જંગલમાં શિકાર કરવા ગયા. બંનેને કકડીને ભૂખ લાગી.

એક આશ્રમમાં ઋષિએ તેમની ભૂખ શમાવવા સામો (એક ખડધાન્ય) આપ્યો. રાજકુમાર તો તે અન્ન પ્રેમથી આરોગી ગયો, પણ હેરંબે એ અન્નનો તિરસ્કાર કર્યો. અન્નનો આદર કરનાર રાજકુમાર જ આ જન્મમાં તારો સુખી અને સમૃદ્ધ ભાઇ દેવદત્ત છે અને અન્નનો તિરસ્કાર કરનાર પેલો હેરંબ તે તું જ છે. આમ, અન્નનો અનાદર કરનાર તું દરિદ્રતા ભોગવે છે. તેથી હવે તું દેવી અન્નપૂર્ણાનું વ્રત નિષ્ઠાથી કરીશ, તો તારું દુઃખ દૂર થશે’. બ્રાહ્મણે કહ્યા પ્રમાણે તે પછી ધનંજયે દિવ્ય સ્ત્રીઓ પાસેથી અન્નપૂર્ણાના વ્રતની વિધિ જાણીને વ્રત કર્યું અને તે ધનધાન્ય, સંપન્ન બન્યો. સર્વ વાતે સુખી થયો.


  • Follow us on: