- વસંત પંચમીએ બુધવારના કારણે ઓછા લગ્ન
- તા.26મીએ વાસ્તુ પૂજન સહિત પ્રસંગો યોજાશે
- વસંત પંચમી બુધવારે ભાઈ બહેન છુટા ન પડે તેવી માન્યતા વિવાહ પ્રસંગ ઓછા થશે
ભારતીય સંસ્કૃતિમાં વસંત પંચમીનો ખુબ જ મહિમા હોય આ તહેવાર પર વણજોયા મુહૂર્તમાં દરેક શુભ પ્રસંગો યોજાતા હોય છે અને વસંત પંચમીના વણજોયા મુહૂર્તમાં સૌથી વધુ લગ્ન પ્રસંગો યોજાતા હોય છે. આ વખતે વસંત પંચમીએ બુધવાર હોવાથી લગ્ન પ્રસંગોમાં આ બુધવાર નડી ગયો છે. વસંત પંચમીએ બુધવાર હોય અને બુધવારે ભાઈ બહેન છુટા ન પડે તેવી માન્યતાને લીધે ઘણા ઓછા લગ્નો યોજાશે. પણ બીજા દિવસે ધૂમ લગ્નો યોજાશે. 25 જાન્યુઆરીના બુધવારે બપોરે 12.35 વાગ્યાથી પાંચમનો આરંભ થશે. પરંતુ સૂર્યોદય તિથિમાં ગુરુવારે વસંતપંચમી ઉજવાશે.
બુધવારને કારણે દર વર્ષે જે વસંત પંચમીએ જે લગ્નો લેવાતા હોય એમાં વખતે થોડું ગાબડું પડશે. સાથેસાથે બુધવારે વાસ્તુ પૂજન, ગુહ પ્રવેશ જેવા પ્રસંગો યોજાશે.જ્યારે વસંત પંચમીએ બુધવારનું ગ્રહણ નડી ગયું હોવાથી તેના બીજા દિવસે એટલે ગુરુવારે વધુ લગ્નો યોજાશે. એટલે આ બે ત્રણ દિવસમાં શહેરની દરેક શેરી ગલીમાં લગ્નની શરણાયો ગુંજશે. અનેક લગ્નોના કારણે શહેરમાં ચારેકોર લગ્નોના મંગળગીતો અને જાનૈયા માંડવિયાના ફ્ટાણા સાંભળવા મળશે.
વિક્રમ સંવતની પહેલી ગુપ્ત નવરાત્રિનો પણ આરંભ
હિન્દુ શાસ્ત્રોમાં વર્ષમાં કુલ ચાર નવરાત્રિનો સમાવેશ થાય છે. તેમાં બે ગુપ્ત નવરાત્રિ આવે છે. રવિવારે મહા સુદ એકમથી ગુપ્ત નવરાત્રિનો આરંભ થઇ ગયો છે. આગામી 30 જાન્યુઆરીના મહા સુદ નવમી સુધી મહાનવરાત્રિ રહેશે. ત્યારબાદ આધ્યાત્મિક, ધાર્મિક રીતે મહાત્મ્ય ધરાવતી ચૈત્ર નવરાત્રિ આવશે. અષાઢ માસની ગુપ્ત નવરાત્રિ બાદ આદ્યશક્તિની આરાધના અને ગરબા-દાંડિયારાસ માટે જાણીતી આસો માસની નવરાત્રિ આવશે. ચારેય નવરાત્રિમાં શક્તિના ઉપાસકો દેવી ભગવતીની કથા, પાઠ, મંત્ર જાપ, અનુષ્ઠાન, ઉપવાસ કરે છે.
લગ્નોની ધૂમ વચ્ચે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ભારે હલચલ
કોરોના મહામારી અને તે સાથે જ મૂકવામાં આવેલા કોરોના નિયંત્રણોને કારણે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી પર છેલ્લા ત્રણ વર્ષમાં માઠી દશા જોવા મળી હતી. કેટરિંગ, મંડપ ડેકોરેશન, ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન, ફોટોગ્રાફી સહિત લગ્ન આયોજનો સાથે સંકળાયેલા અનેક ઉદ્યોગો, ક્ષેત્રોમાં ચિંતા વધી ગઇ હતી. જોકે, આ વર્ષે લગ્નસરાની નવી મોસમમાં લગ્ન આયોજનની ધૂમ વચ્ચે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીની રોનક પાછી ફરી છે. વસંતપંચમીએ સંખ્યાબંધ લગ્નો વચ્ચે કેટરિંગ, મંડપ ડેકોરેશન માટે એડવાન્સ્ડ બુકિંગ થઇ ગયું છે. તેમજ આયોજનોને લઇ ભાગદોડ ચાલી રહી છે.