- 8 જાન્યુઆરી રવિવારે વર્ષનું પહેલું પુષ્ય નક્ષત્ર રહેશે, જેથી રવિ પુષ્ય સંયોગ બનશે
- ખરીદી અને નવી શરૂઆત માટે આખો દિવસ શુભ રહેશે
- વર્ષ 2023માં કુલ 162 સર્વાર્થ સિદ્ધિ યોગ થશે
ભારતીય પંચાંગમાં ગુરુ પુષ્ય અને રવિ પુષ્ય યોગને અત્યંત ફાયદાકારક ગણાવ્યા છે. ગુરુવારે પુષ્ય નક્ષત્ર આવે ત્યારે ગુરુ પુષ્ય યોગ બને છે અને રવિવારે પુષ્ય નક્ષત્ર આવે ત્યારે રવિ પુષ્ય યોગ બને છે. 8 જાન્યુઆરી, રવિવારે વર્ષનું પહેલું પુષ્ય નક્ષત્ર રહેશે, જેથી રવિ પુષ્ય સંયોગ બનશે. આ દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ પણ બનશે, એટલે ખરીદી અને નવી શરૂઆત માટે આખો દિવસ શુભ રહેશે.
આ સંયોગને જ્યોતિષમાં સૌથી સારું મુહૂર્ત કહેવામાં આવે છે. જ્યોતિષના જાણકારો પ્રમાણે, આ સંયોગમાં કરવામાં આવતાં કાર્યોમાં સફળતા મળવી લગભગ નક્કી હોય છે, એટલે આવા જ સંયોગમાં ખરીદી, લેવડ-દેવડ, રોકાણ સાથે જ નોકરી અને બિઝનેસમાં નવી શરૂઆત કરવી ફાયદાકારક માનવામાં આવે છે.
પુષ્ય નક્ષત્રની સાથે રવિવારે સર્વાર્થસિદ્ધિ, બુધાદિત્ય અને શ્રીવત્સ યોગ રહેશે.
રવિવારે પુષ્ય નક્ષત્ર સાથે જ સર્વાર્થસિદ્ધિ, બુધાદિત્ય અને શ્રીવત્સ યોગ રહેશે. ચંદ્ર ઉપર ગુરુની દૃષ્ટિ પડવાથી ગજકેસરી યોગનું ફળ પણ મળશે. નક્ષત્રોના આ શુભ સંયોગમાં કરવામાં આવતાં કાર્યોમાં સફળતા અને ફાયદો મળવાની શક્યતા વધી જશે. આ વર્ષના પહેલા પુષ્ય સંયોગની શરૂઆત 8 જાન્યુઆરીએ થશે. આ નક્ષત્ર સવારે લગભગ 7 વાગે શરૂ થશે અને બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી રહેશે. આ દિવસે રવિવાર હોવાથી એને રવિ પુષ્ય કહેવામાં આવશે
રવિ પુષ્ય યોગમાં મંત્ર સિદ્ધિ પણ ખૂબ જ ઝડપથી થાય છે. વિશેષ મંત્રનો અનુષ્ઠાન અને જાપ પણ ખૂબ ફળદાયી છે. માઘ મહિનામાં બની રહેલા રવિ પુષ્ય યોગમાં લાયક વ્યક્તિને દાન કરવું પણ ઘણું પુણ્યકારક અને ફળદાયી છે. ગરીબો, જરૂરીયાતોને ભોજન આપવું અને કપડાંનું દાન કરવું એ ખૂબ પુણ્યનું કાર્ય છે.
નવું વર્ષ 2023 શા માટે ખાસ છે?
હિંદુ કેલેન્ડર મુજબ વર્ષ 2023માં કુલ 162 સર્વાર્થ સિદ્ધિ યોગ થશે. આ ઉપરાંત 143 રવિ યોગ, 33 અમૃત સિદ્ધિ યોગનો પણ સમન્વય થશે. વર્ષ 2023માં 14 પુષ્ય યોગ (નક્ષત્ર) હશે. પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવી ખૂબ જ શુભ હોય છે. માર્ચ અને ડિસેમ્બર મહિનામાં બે વખત પુષ્ય યોગ બનશે. નવા વર્ષમાં જાન્યુઆરીમાં સર્વાર્થ સિદ્ધિ યોગ મહત્તમ 16 વખત રચાશે. આ સિવાય માર્ચ, એપ્રિલ, જુલાઈ અને ડિસેમ્બરમાં 14-14 વખત રવિ યોગ બનશે. એપ્રિલમાં છ વખત અમૃત સિદ્ધિ યોગ થશે.
પુષ્ય નક્ષત્ર ખુબ જ મહત્ત્વનું હોય છે
તમામ 27 નક્ષત્રમાં પુષ્યને રાજા માનવામાં આવે છે. આ નક્ષત્રને શાસ્ત્રોમાં અમરેજ્ય પણ કહેવામાં આવે છે, એટલે એ નક્ષત્ર જે જીવનમાં સ્થિરતા અને અમરતા લઈને આવે છે. આ નક્ષત્રમાં લગ્ન માટે કરવામાં આવતી ખરીદીથી સંબંધોમાં મીઠાશ અને મજબૂતી આવે છે. પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ હોય છે, પરંતુ પ્રકૃતિ ગુરુ ગ્રહ સમાન હોય છે. જ્યારે પણ રવિવારે પુષ્ય નક્ષત્ર આવે છે ત્યારે એનાથી બનતો રવિ પુષ્ય યોગ સુખ-સમૃદ્ધિ અને સફળતા આપનારો હોય છે, એટલે પુષ્ય નક્ષત્રમાં લગ્ન માટે ખરીદી કરવાની પરંપરા છે.
કહેવાય છે કે આ દિવસે દાન કરવાથી અનેકગણું ફળ મળે છે. આ દિવસે તીર્થસ્થળો અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરવું પણ શુભ માનવામાં આવે છે. 8 જાન્યુઆરીએ રવિ પુષ્ય યોગ બની રહ્યો છે જે વર્ષ 2023નો પ્રથમ રવિ પુષ્ય યોગ છે. આ વર્ષે રવિ પુષ્ય કુલ પાંચ વખત આવશે, જેમાં 5 ફેબ્રુઆરી, 10 સપ્ટેમ્બર, 6 ઓક્ટોબર અને 5 નવેમ્બરનો સમાવેશ થાય છે. રવિ પુષ્ય યોગ અથવા ગુરુ પુષ્ય યોગમાં લગ્ન કરવા શુભ માનવામાં આવે છે. આ સિવાય તમામ કાર્યો ખૂબ જ શુભ હોય છે.