• 8 માર્ચના શુક્રવારે ધાર્મિક-આધ્યાત્મિક ઉમળકા સાથે મહાશિવરાત્રીની ઉજવણી
  • આ વર્ષે શિવયોગ અને પ્રદોષમાં મહાશિવરાત્રિ ઉજવાશે, મંદિરોમાં તડામાર તૈયારીઓ
  • શિવાલયોમાં કમળ બનાવવાનો આરંભ, ચાર પ્રહરની પૂજા-અર્ચના થશે

ભગવાન શિવની આરાધનાના ઉત્તમ અવસર એવા મહાશિવરાત્રી પર્વને દીપાવવા શિવાલયોમાં તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ચાલુ વર્ષે શિવયોગ અને પ્રદોષમાં મહાશિવરાત્રીની ઉજવણી થવાની હોવાથી શિવભક્તોનો ઉત્સાહ બેવડાયો છે. 8 માર્ચના શુક્રવારે ધાર્મિક અને આધ્યાત્મિક ઉમળકા સાથે પર્વની ઉજવણી થશે. શિવાલયોમાં આ દરમિયાન કમળ બનાવવાનો આરંભ થઇ ગયો છે. ચારેય પ્રહરની પૂજા-અર્ચના માટે વિવિધ પ્રકારની તૈયારીઓ આ સાથે શરૂ કરી દેવામાં આવી છે.

ભગવાન શિવની આરાધના માટે મહાશિવરાત્રી પર્વને શ્રેષ્ઠ ગણવામાં આવે

ભોલેનાથ, શંકર, મહાદેવ સહિતના નામો સાથે ભક્તોના દિલમાં વસેલા ભગવાન શિવની આરાધના માટે મહાશિવરાત્રી પર્વને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ચાલુ વર્ષે 8 માર્ચના શુક્રવારે મહાશિવરાત્રી ઉજવાશે. શુક્રવારે મહા વદ તેરસ નિમિત્તે મહાશિવરાત્રી રહેશે. શુક્રવારે રાત્રિએ 9.59 વાગ્યા સુધી તેરસની તિથિ છે. સવારે 10.41 વાગ્યા સુધી શ્રવણ નક્ષત્ર અને પછી દિવસભર ઘનિષ્ઠા નક્ષત્ર છે. શુક્રવારે રાત્રિએ 12.46 વાગ્યા સુધી શિવયોગ અને પછી સિદ્ધિયોગ છે.

મહાશિવરાત્રી પર્વ શિવાલયો માટે ઉત્સવ સમાન ગણી શકાય

મહાશિવરાત્રી પર્વ શિવાલયો માટે ઉત્સવ સમાન ગણી શકાય. આ દિવસે સોમનાથમાં શિવ પાલખીયાત્રા થાય છે. સામાન્યપણે શિવાલયોમાં પ્રદોષ નિમિત્તે ભગવાન શિવની પૂજા થાય છે. જોકે, આ વર્ષે પ્રદોષમાં જ મહાશિવરાત્રી ઉજવાશે. તે દિવસે રાત્રિએ 12 વાગ્યે કમળના દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે. જેને પગલે મંદિરોમાં હમણાંથી જ કમળ બનાવવાની શરૂઆત થઇ ચૂકી છે. મહાશિવરાત્રીએ ચારેય પ્રહરની પૂજા થશે. પૂજા માટે પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ દેખાઇ રહ્યો છે.

મહાશિવરાત્રીએ રાત્રિએ 12.33થી 01.11 સુધી નિશીથકાળ

મહાશિવરાત્રી પર્વ દરમિયાન નિશીથકાળની પૂજાનું અનેરું મહત્ત્વ હોય છે. શુક્રવારે પર્વ નિમિત્તે રાત્રિએ 12.33થી01.11 વાગ્યા સુધી નિશીથકાળ રહેશે. મંદિરોમાં સવારથી જ મહાઆરતી, હવન, ભજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તે સાથે જ રાત્રિએ ભંડારો, પ્રહરની પૂજા ચાલશે. મહાશિવરાત્રીએ ભોલેનાથને તલ, દૂધ, મધ સહિતની સામગ્રી ચઢાવવાનું અનેરું મહત્ત્વ છે. શિવાલયોમાં પર્વની ઉજવણી સાથે જ હવન સહિતના મોટા આયોજનો પણ કરવામાં આવે છે. 

  • Follow us on: