- રાહુના મિનમાં પ્રવેશથી 30ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે પવન સાથે વરસાદના યોગ
- ઓક્ટોબરમાં14 દિવસના અંતરે જ સૂર્ય અને ચંદ્ર ગ્રહણ
- ભારતમાં દેખાનાર ચંદ્ર ગ્રહણ 28મીએ બપોરે 02.31થી મધરાતે 03.56 મિનિટ સુધી ચાલશે
વર્ષ 2023 સંવત 2079માં પાંચ ગ્રહણ પૈકીના વર્ષનાં છેલ્લા બે ગ્રહણ આવતા મહિને ઓક્ટોબરમાં થશે. ઓક્ટોબરમાં 14 દિવસના અંતરે જ સૂર્ય અને ચંદ્ર ગ્રહણ થશે. સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, જ્યારે મેષ રાશિમાં થનાર ચંદ્ર ગ્રહણ દેશમાં દેખાશે તેવું જ્યોતિષાચાર્યનું કહેવું છે.
28મીએ અશ્વિન શુકલ પક્ષ પૂર્ણિમાના દિવસે થનાર ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે
ઓક્ટોબર મહિનામાં વર્ષના અંતિમ બે ગ્રહણ 14 દિવસના અંતરે થશે. 14 ઓક્ટોમ્બરે ભાદ્રપદ કૃષ્ણપક્ષને અમાસના દિવસે થનાર સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ત્યારબાદ 28મીએ અશ્વિન શુકલ પક્ષ પૂર્ણિમાના દિવસે થનાર ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારત, ઓસ્ટ્રેલિયા, પૂ. અમેરિકા, યુરોપ અને આફ્રિકામાં દેખાશે. આ ગ્રહણ મેષ રાશિમાં થનાર છે. સંપૂર્ણ ગ્રહણકાળ 4 કલાક 25 મિનિટનો રહેશે. ગ્રહણ પુણ્યકાળ ગ્રહણના પ્રારંભથી મોક્ષ સુધી રહેશે. ગ્રહણનો વેધ 28મીએ બપોરે 02.31થી ગ્રહણના મોક્ષ સુધી એટલે મધરાતે 3 વાગ્યાને 56 મિનિટનો રહેશે.
14 ઓક્ટોમ્બરે ભાદ્રપદ કૃષ્ણપક્ષને અમાસના દિવસે થનાર સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં
બીજી તરફ, તા.30મીના રોજ સાંજે 04.48 કલાકે રાહુનો મીન રાશિમાં પ્રવેશ થશે. રાહુના મીનમાં પ્રવેશથી આકસ્મિક વરસાદના એંધાણ છે. ત્યારબાદ 4 નવેમ્બર બપોરે 12.34 કલાકે શની માર્ગી થશે. ગુરૂ મેષમાં વક્રી અને શુક્ર સિંહ રાશિમાં માર્ગી ચાલી રહયો છે. 30 ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે પવન સાથે વરસાદના યોગ છે. બધા ગ્રહોને ધ્યાન રાખીને જોતા વર્તમાન પરિસ્થિતિમાં ઘણા સુધારા આવશે. ગુરૂ-રાહુની યુતી અલગ થવાથી કોર્પોરેટ અને આર્થિક ક્ષેત્રે ઘણા મોટા સુધારા આવવાના યોગ છે. શની માર્ગી થવાથી ટેકનોલોજી ક્ષેત્રે અટકેલા કામ જલ્દી પૂર્ણ થશે.
ગ્રહણની કઇ રાશિ પર શું અસર થશે ?
ગ્રહણ વૃશ્ચિક, કુંભ, મિથુન અને કાર્ક રાશિવાળા માટે લાભદાયી રહેશે. સિંહ, તુલા, ધન અને મીન રાશિવાળાને ગ્રહણ મધ્યમ ફળ આપશે. મેષ, મકર, કન્યા અને વૃષભ રાશિ માટે ગ્રહણ અશુભ રહેશે.