- અમાસ અને દિવસના સંયોગ સાથે ધાર્મિક ઉજવણીનું મહત્વ
- 8 મે, 5 જૂન અને 2 ઓક્ટોબરના રોજ બુધવારી અમાસ રહેશે
- ઉપવાસ-વ્રત માટે મહત્વની ગણાતી પાંચ સોમવારી પૂનમ પણ આવશે
હિન્દુ સમુદાયમાં વિવિધ દિવસો અને તિથીને સાંકળીને ધાર્મિક પર્વોની ઉજવણીનું ભારે મહાત્મય આંકવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર ગુરુવાર કે રવિવારે આવતું હોય તો તેનું મહત્વ અનેકગણું વધી જાય છે. આ જ પ્રકારે અમાસ અને પૂનમ પણ ચોક્કસ દિવસે આવતી હોય તો શ્રાદ્ધાળુઓના ઉત્સાહમાં અનેકગણો વધારો થાય છે. જે અંતર્ગત હવે હિન્દુ વર્ષ એટલે કે વિક્રમ સંવત 2080માં 2 શનિવારી, 2 સોમવારી અને 4 બુધવારી અમાસનો સંયોગ જોવા મળશે. આ સિવાય ઉપવાસ-વ્રત માટે મહત્વની ગણાતી પાંચ સોમવારી પૂનમ પણ આવશે.
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પણ શનિવારી અને સોમવારી અમાસનું મહત્વ અનેક ગણું માનવામાં આવે છે. રાશિ જાતકોની કુંડળીમાં શની દોષ હોય તેમને શનિવારી અમાસના વ્રત, ઉપવાસ કરવાથી રાહત મળતી હોવાનો મત જ્યોતિષીઓ આપે છે. સોમવારી અમાસનું પણ એટલું જ મહત્વ આંકવામાં આવે છે. શ્રાદ્ધાળુઓ પોતાની માનતા અને શ્રાદ્ધા પ્રમાણે શનિવારી, સોમવારી અને બુધવારી અમાસ કરે છે. સોમવારી પૂનમ પણ ધાર્મિક, આધ્યાત્મિક રીતે ભારે મહત્વની ગણવામાં આવે છે. 14 નવેમ્બરના મંગળવારે કારતક સુદ એકમ સાથે નૂતન વર્ષ શરૂ થશે. નૂતન વર્ષમાં 9 માર્ચ અને 3 ઓક્ટોબરના રોજ શનિવારી અમાસ આવી રહી છે. આ દિવસે શની દોષ હોય કે શનીની પનોતી ચાલતી હોય એવા રાશિ જાતકો માટે પૂજા-અર્ચના, આરાધના, વ્રત, ઉપવાસ ફળદાયી રહેશે.










