નવેમ્બર - 25, 26, 27, 28, 29
ડિસેમ્બર -2,4,8,9,14
જાન્યુઆરી -17,18,25,26,27,28,31
ફેબ્રુઆરી -1,6,7,10,11,14,16,22,23
માર્ચ -8,9,10,11,13,14
મે -2,3,4,6,7,8,9,10,11,12,15,16,21,22,27,29,30,31
જૂન -3,6,7,8,11,12,13,23,26,27,28
હિન્દુ સમુદાયમાં દેવપોઢી એકાદશીથી દેવઊઠી એકાદશી સુધીના સમયગાળા દરમિયાન લગ્ન આયોજનો પર બ્રેક લાગી જાય છે. આ ચાર મહિનાના સમયગાળાને હિન્દુ ચાતુર્માસ કહેવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે ચાર મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં સ્થિર હોવાથી લગ્નો લેવાતા નથી. જ્યારે દીપોત્સવી પર્વની ઉજવણી બાદ કારતક સુદ એકાદશીના રોજ પ્રબોધિની એકાદશી, દેવઊઠી એકાદશીની ઉજવણી સાથે જ લગ્નસરાની નવી સિઝનની શરૂઆત થાય છે. દેવસૂતી એટલે કે દેવપોઢી અને દેવઊઠી એ બન્ને અગિયારસ વેળાએ લગ્નસરાની ક્રિયાઓ શરૂ-બંધ થાય છે. દેવપોઢી એકાદશીના ઉપવાસ સાથે જ હિન્દુ ચાતુર્માસ શરૂ થાય છે. જ્યારે દેવઊઠી એકાદશીના ઉપવાસ સાથે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવે છે.
મંદિરોમાં તુલસી અને ભગવાન શાલીગ્રામના લગ્ન લેવાની સાથે જ લગ્નસરાની સિઝન શરૂ થાય છે. આ વર્ષે શુક્રવારે 4 નવેમ્બરે દેવઊઠી એકાદશીની ઉજવણી થશે. જોકે, 2 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી શુક્રનો અસ્ત છે. આ સ્થિતિમાં વિવિધ પરિબળોને પગલે ૨૫ નવેમ્બરે લગ્નનું પહેલું મુહૂર્ત છે. વધુમાં, લગ્નસરાની નવી સિઝન સાથે જ નવેમ્બરમાં 5 અને ડિસેમ્બરમાં 5 મુહૂર્ત છે. જ્યારે 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી ધનારક એટલે કે કમુરતા રહેશે. જાન્યુઆરી માસમાં 7, ફેબ્રુઆરી માસમાં 9, માર્ચ માસમાં 6 બાદ એપ્રિલમાં એકેય લગ્નમુહૂર્ત નથી. એપ્રિલમાં 1થી 28 તારીખ સુધી ગુરુનો અસ્ત હોવાથી એકેય મુહૂર્ત નથી. મે માસમાં સૌથી વધારે 18 મુહૂર્ત છે. જૂન માસમાં 11 મુહૂર્ત બાદ દેવપોઢી એકાદશી સાથે જ લગ્નસરાની સિઝન પૂરી થશે.
ગુરુ, શુક્રનો અસ્ત અને હોળાષ્ટક, મીનારક પર નજર
સામાન્યપણે લગ્નસરાની સિઝનને ગુરુ, શુક્રનો અસ્ત અને હોળાષ્ટક, ધનારક, મીનારક નડે છે. આ વર્ષે 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી ધનારક એટલે કે કમુરતા રહેશે.1 એપ્રિલથી 28 એપ્રિલ સુધી ગુરુનો અસ્ત, ગત 2 ઓક્ટોબરથી ચાલુ નવેમ્બર માસની 17 તારીખ સુધી શુક્રનો અસ્ત રહેશે. 26 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી હોળાષ્ટક અને 14 માર્ચથી 14 એપ્રિલ સુધી મીનારક કમુરતા રહેશે. સામાન્યપણે આ દિવસોમાં લગ્ન સહિતના શુભ કાર્યો થતા ન હોય લગ્નસરાની શહેનાઇઓ ગુંજશે નહીં.