• મકાનની શરૂઆત કરવી હોય તે સમયનું મુહૂર્ત 'ખાતમુહૂર્ત' કહેવાય છે
  • રવિવાર, મંગળવાર અને શનિવારે ગૃહારંભ ત્યજવો જોઈએ
  • સફેદ રંગની ગાયનું બારણે આવીને ઊભા રહેવું શુભ સંકેત

દરેકના જીવનનું સ્વપ્ન હોય છે ઘરનું ઘર. શમણાના ઘરને બનાવવુ, સજાવવુ તેમાં શાંતીથી રહેવુ દરેકના જીવનની જરૂરિયાત કહી શકાય. વાસ્તુશાસ્ત્રમાં ઘરને લઇને કેટલાક ખાસ ઉપાય દર્શાવવામાં આવ્યા છે. જેમકે અશ્વિની, ઉત્તરા ભાદ્રપદ, ઉત્તરાષાઢા, ઉત્તરા ફાલ્ગુની, રેવતી, પુષ્ય, શ્રાવણ, મૃગશીર્ષ, રેવતી અને રોહિણી નક્ષત્રોમાં દ્વાર મૂકવું શુભ ગણાય છે. લગ્નપ્રસંગમાં આપણે મુહૂર્તને જેટલું મહત્ત્વ આપીએ છીએ તેટલું જ મહત્ત્વ ઘર અને ફેક્ટરી કે અન્ય વ્યવસાયનો આરંભ કરતી વખતે વાસ્તુશાસ્ત્ર પ્રમાણેના મુહૂર્તને આપવું જોઈએ.

શુભ ગ્રહો હોય તો ધન-ધાન્યની પ્રાપ્તિ થાય

શુક્લ પક્ષમાં ગૃહારંભ કરવો ઘણો સારો છે. બાંધકામ ખૂબ ઝડપથી પૂરું થાય છે. ખાતમુહૂર્ત 3,5,7,9,1 1 ,1 3 તિથિઓમાં કરવું અતિ ઉત્તમ છે, પરંતુ 1 ,2,4,6,8,1 0 ,1 2,1 4 અને અમાસમાં ગૃહારંભ કરવાથી અનિષ્ટ ફળ મળે છે. મૃગશીર્ષ, રેવતી, ચિત્રા, ફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદ, રોહિણી, પુષ્ય, ધનિષ્ઠા, શતતારકા, હસ્ત, મૂળ, પુનર્વસુ જેવાં નક્ષત્રોમાં ગૃહારંભ એટલે કે ખાતમુહૂર્ત કરવું ઉત્તમ ગણાય. બાકીનાં નક્ષત્રો ત્યજવાં.

ખાતમુહૂર્ત કરવું ઉત્તમ ગણાય

રવિવાર, મંગળવાર અને શનિવારે ગૃહારંભ ત્યજવો જોઈએ. શનિવાર ગૃહારંભ માટે યોગ્ય છે, પરંતુ બહુમાળી મકાનો બનાવવા માટે શનિવાર ત્યજવો જોઈએ. શુક્રવાર ખૂબ જ ઉત્તમ ગણાય છે. કારખાનાં માટે શનિવાર ઉત્તમ ગણાય છે. ચર લગ્ન કે ચર નવાંશમાં ગૃહારંભ કરવો હિતાવહ નથી. ખાતમુહૂર્ત કરતી વખતે કુંડળીમાં લગ્ન શુક્ર, ગુરુ અથવા કેન્દ્રમાં ગુરુ કે શુક્ર જેવા શુભ ગ્રહો હોય તો ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે.

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ખાતમુહૂર્તનું ફળ

કારતક : ખૂબ મહેનત પડે, બાંધકામ મોડું થાય, નોકરોને અકસ્માત થાય

માગશર : બાંધકામમાં ઝડપ વધે, ધન પ્રાપ્ત થાય.

પોષ : મકાનનું બાંધકામ ખૂબ ઝડપથી પૂર્ણ થાય, ધન-ધાન્યની વૃદ્ધિ થાય.

મહા : અકસ્માત, અગ્નિથી ભય રહે.

ફાગણ : ધન-ધાન્યની વૃદ્ધિ થાય.

ચૈત્ર : મૃત્યુનો ભય, બીમારી, આર્થિક મુશ્કેલી રહે.

વૈશાખ : ધનમાં વધારો થાય, વ્યક્તિ નિરોગી રહે.

જેઠ : મૃત્યુનો ભય, ગંભીર બીમારી રહે.

અષાઢ : મુશ્કેલી રહે, સમૃદ્ધિ ઓછી રહે.

શ્રાવણ : સંપત્તિ અને રાચરચીલું વધે.

ભાદરવો : ઘર બનાવવામાં વિલંબ થાય

આસો : કંકાશ, મનમાં ઉચાટ રહે.

ગૃહપ્રવેશ મુહૂર્ત

મકાનની શરૂઆત કરવી હોય તે સમયનું મુહૂર્ત 'ખાતમુહૂર્ત' કહેવાય છે. તેનું વાસ્તુપૂજન નીચે પ્રમાણે થાય છેઃ જમીન ખરીદતી વખતે અથવા માપીને ચારે ખૂણાના ખૂંટ દર્શાવતી વખતે અને શિલાસ્થાપન કરતી વખતે ઉપરાંત મુખ્ય દ્વાર મૂકતી વખતે. સ્તંભ (પિલર) મૂકતી વખતે તૈયાર થયા બાદ ઘરમાં પ્રવેશ કરતી વખતે.

દ્વાર મૂકવાનું મુહૂર્ત

અશ્વિની, ઉત્તરા ભાદ્રપદ, ઉત્તરાષાઢા, ઉત્તરા ફાલ્ગુની, રેવતી, પુષ્ય, શ્રાવણ, મૃગશીર્ષ, રેવતી અને રોહિણી નક્ષત્રોમાં દ્વાર મૂકવું શુભ ગણાય છે. મુખ્ય દ્વાર ગુરુવાર અને શુક્રવારે મૂકવાથી લક્ષ્મીનો લાભ અને રવિવારે મૂકવાથી સુખની પ્રાપ્તિ થાય છે. નવા ઘરમાં દ્વાર સ્થાપન પંચમી, સપ્તમી, અષ્ટમી, નવમી તિથિએ કરવું. અમાસ અને પૂર્ણિમાએ દ્વારસ્થાપન કરવું નહીં.

ગૃહપ્રવેશ વખતનાં શુભ શુકનો

સફેદ રંગની ગાયનું બારણે આવીને ઊભા રહેવું. કુંવારી છોકરીનું હસતાં હસતાં સામેથી આવવું. દૂધથી ભરેલા પાત્રનાં દર્શન થવાં. ફૂલ, દહીં કે ફળોની ટોપલી લઈને પ્રવેશ કરવો. પાણીવાળું લાલ રંગનું માટલું કે ઘીનું પાત્ર દેખાવું. ઘોડાનો અવાજ સંભળાવવો અને હાથી દેખાવો. લાલ સાડીવાળી સ્ત્રીઓની જોડી દેખાવી.

ગૃહપ્રવેશ વખતનાં અશુભ શુકનો

તૂટેલું કે કાળું માટલું દેખાવું. માંદી, અંધ કે અપંગ વ્યક્તિ દેખાવી. કૂતરાનો અને સ્ત્રીનો રડવાનો અવાજ સંભળાવો. બળદ,વિધવા કે વૃદ્ધ વ્યક્તિનું લાકડીના ટેકે આવવું. સૂકું ઘાસ, અગ્નિ, બિલાડી, સાપ, ભિખારી, દારૂડિયો દેખાવો અથવા તેલ ઢોળાવું. પૂજારૂમમાં અચાનક દીવો ઓલવાઈ જવો. આ બધાં અશુભ શુકનો પૂજા વખતે દેખાય તો બીજા વર્ષે ફરી પૂજા કરી વાસ્તુશાંતિ કરવી.


  • Follow us on: