• બંગાળનો અવનવો સિંદૂર ખેલા દશેરા
  • દક્ષિણ ભારતના મૈસૂરનો દશેરા ઉત્સવ દેશવિદેશમાં પ્રખ્યાત
  • પશ્ચિમ બંગાળની દુર્ગાપૂજા તો જગવિખ્યાત

વિજયાદશમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ શુભ દિવસે લોકો ભગવાન શ્રી રામની પૂજા કરે છે. આ વર્ષે આ તહેવાર અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દસમી તિથિ એટલે કે 24 ઓક્ટોબર 2023ના રોજ ઉજવવામાં આવશે. જો આ દિવસે ભક્તો સાચી ભક્તિ સાથે પૂજા કરે છે, તો તેમને ભગવાન શ્રી રામની સાથે સાથે મા દુર્ગાના આશીર્વાદ મળે છે. વિજયાદશમી એટલે કે દશેરા એ તમામ ઈચ્છાઓની પૂર્તિ અને અનિષ્ટ પર ઇષ્ટની જીતનો પવિત્ર તહેવાર છે. આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કરીને દુનિયાને તેના અત્યાચારથી મુક્ત કરાવ્યું હતું. દેશમાં ત્યારથી લઇને આજદીન સુધી અલગ-અલગ સ્થળો પર દશેરા પર્વની ઉજવણી કરવામાં આવે છે.

મૈસૂરના રાજાશાહી ઠાઠ સાથેના દશેરા :

દક્ષિણ ભારતના મૈસૂરનો દશેરા ઉત્સવ દેશવિદેશમાં પ્રખ્યાત છે. મૈસૂરનો દશેરા ઉત્સવ પણ શ્રીરામ અને રાવણના યુદ્ધ સાથે સંબંધિત નથી. મૈસૂરના દશેરા ઉત્સવને ચામુંડેશ્વરી દેવી જેમને ભગવતી દુર્ગાનું રૂપ માનવામાં આવે છે તેમની ભક્તિ અને આરાધના સાથે જોડાયેલો છે. અહીંના લોકોની એવી માન્યતા છે કે દેવી ચામુંડેશ્વરીએ મહિષાસુરનો વધ કર્યો, જેથી આસુરી તત્ત્વ પર દૈવીશક્તિનો વિજય થયો. આ વિજયની ઉજવણી દશેરાના દિવસે કરવામાં આવે છે.

દસ દિવસ સુધી ચાલનારા વિજયાદશમીના ઉત્સવની શરૂઆત ચામુંડેશ્વરી માતાની વિશેષ પૂજા, અર્ચનાથી થાય છે. વાડેયાર રાજવંશના શાસક કૃષ્ણરાજ વાડેયારે મૈસૂરમાં દશેરા ઉત્સવની શરૂઆત કરી હતી. મૈસૂરમાં દશેરા ઉત્સવના છેલ્લા દિવસે સજાવેલા હાથીઓ પર શોભાયાત્રા નીકળે છે, જેમનું નેતૃત્વ કરનારા વિશેષ હાથીની પીઠ પર ચામુંડેશ્વરી દેવીની પ્રતિમા રાખવામાં આવી હોય છે.

બંગાળનો અવનવો સિંદૂર ખેલા દશેરા :

પશ્ચિમ બંગાળની દુર્ગાપૂજા તો જગવિખ્યાત છે. અહીં એવી માન્યતા છે કે મા દુર્ગા મહિષાસુરનો વધ કરીને આસો સુદ એકમે સપરિવાર ધરતી પર આવે છે અને આસો સુદ દશમ તિથિએ માતા પૃથ્વી પરથી વિદાય લઈને પોતાના લોકમાં પરત ફરે છે. નવરાત્રિના દસ દિવસ બંગાળમાં મોટા-મોટા પંડાલોમાં માતા દુર્ગા, સરસ્વતી, લક્ષ્મી, ગણેશ અને કાર્તિકેયની સ્થાપના કરીને પૂજા, અર્ચના કરવામાં આવે છે.

દશેરાના દિવસે પૂજા કર્યા પછી પુરુષો એકબીજાને ગળે મળીને દશેરાની શુભકામનાઓ આપે છે, જેને `કોલાકુલી' કહેવામાં આવે છે. જ્યારે મહિલાઓ દુર્ગા માને સિંદૂર અર્પણ કરીને પોતાના સૌભાગ્યની સલામતીની કામના કરે છે. ત્યારબાદ મહિલાઓ એકબીજાને સિંદૂર લગાવે છે. તેને સિંદૂર ખેલા કહેવામાં આવે છે, તેથી જ બંગાળના દશેરાને સિંદૂર ખેલ દશેરા કહે છે. સિંદૂર ખેલ બાદ વાજતેગાજતે દુર્ગા માતાનું વિસર્જન કરવામાં આવે છે.

કુલ્લુમાં સાત દિવસનો ઉત્સવ :

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં દશેરા સાત દિવસ સુધી મનાવવામાં આવે છે. અહીંની અનોખી વાત એ છે કે કુલ્લુના દશેરાનો સંબંધ રામાયણ સાથે નથી, પરંતુ રાજા જગતસિંહ સાથે છે. એક એવી કથા પ્રચલિત છે કે રાજા જગતસિંહ એક વાર મણિકર્ણ તીર્થની યાત્રા પર નીકળ્યા હતા. માર્ગમાં તેમને જાણવા મળ્યું કે એક બ્રાહ્મણ પાસે કીમતી રત્ન છે.

રાજાએ બ્રાહ્મણ પાસેથી તે રત્ન મેળવવા માટે બળનો પ્રયોગ કર્યો. રાજાના આવા વ્યવહારથી બ્રાહ્મણ દુઃખી થયો અને રાજાને શાપ આપ્યો. બ્રાહ્મણના શાપથી રાજાનું સ્વાસ્થ્ય દિવસે ને દિવસે બગડવા લાગ્યું. રાજાને શાપમુક્ત કરવા એક સાધુએ તેમને રઘુનાથજીની મૂર્તિની સ્થાપના કરવાની સલાહ આપી. અયોધ્યામાંથી રઘુનાથજીની મૂર્તિ લાવીને સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ રાજાનું સ્વાસ્થ્ય ધીરેધીરે સુધરવા લાગ્યું. રાજા જગતસિંહે પોતાનું સમગ્ર રાજ્ય ભગવાન રઘુનાથને સમર્પિત કરી દીધું. તે સમયથી કુલ્લુમાં વિશેષ રીતે દશેરા ઊજવવાની પરંપરા શરૂ થઈ. ઉત્સવ દરમિયાન રઘુનાથજીની જાહેરમાં રથયાત્રા કાઢવામાં આવે છે. અહીં એવી માન્યતા છે કે દશેરા દરમિયાન એક હજાર દેવી-દેવતા ઉજવણીમાં સામેલ થાય છે. 

  • Follow us on: