• આ વ્રતમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે
  • કોડભરી કન્યાઓ પોતાના વર માટે આ વ્રત કરે છે
  • સૌભાગ્યની પ્રાપ્તિ માટે આ વ્રત કરવામાં આવે છે

ગૌરી વ્રત દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિથી શરૂ થાય છે. આ વ્રત અષાઢ માસની પૂર્ણિમાના દિવસે પૂર્ણ થાય છે. આ વર્ષે ગૌરી વ્રત 17મી જુલાઈ 2024થી શરૂ થઈ રહ્યું છે અને આ વ્રત 21મી જુલાઈ 2024ના રોજ સમાપ્ત થશે. આ વ્રતમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. આપણે ત્યાં ગુજરાતમાં જ્યારથી છોકરીઓ સમજતી થાય ત્યારથી વ્રત રાખવા શરૂ કરે છે.

ગૌરી વ્રત કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે

અષાઢ સુદ અગિયારસથી ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે. ગૌરી વ્રતને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ વ્રતમાં અલૂણા ઉપવાસ કરવાની પરંપરા છે. એટલે કે આ વ્રતના પાંચ દિવસ સુધી કન્યાઓ મીઠાંવાળુ ભોજન ગ્રહણ નથી કરતી ગૌરી વ્રત કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ચાલો જાણીએ ગૌરી વ્રતનું પાલન કરવાની પૂજા પદ્ધતિ શું છે.

ગૌરી વ્રત 2024 પૂજા વિધિ

ગૌરી વ્રતના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું.

તે પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને ઉપવાસનો સંકલ્પ કરો

ત્યાર બાદ સ્વચ્છ માટીથી માતા પાર્વતી અને ભગવાન શિવની મૂર્તિઓ બનાવો.

પછી એક કળશમાં માટી ભરો અને તેની અંદર જવના દાણા નાખો. પૂરા પાંચ દિવસ તેમાં પાણી ઉમેરતા રહો. આ સમગ્ર પ્રક્રિયાને જવારા કહેવાય છે.

તમે તમારી ઈચ્છા મુજબ આ વ્રત 1, 3 અથવા સંપૂર્ણ પાંચ દિવસ સુધી રાખી શકો છો.

આ પૂજામાં માતા ગૌરીની પૂજા લાલ ફૂલ, અશ્વગંધા અને કસ્તુરીના ફૂલથી કરવામાં આવે છે.

ગૌરી વ્રત દરમિયાન દેવી માતાને મોસમી ફૂલો અર્પણ કરવામાં આવે છે.

અંતે, કથાનો પાઠ કરો અને આરતી કરો અને ભોજન અર્પણ કરો.

આ વ્રત 5 વર્ષની કન્યાથી લઇને કિશોરી સુધી કરે છે. 5 દિવસ મોળાકત વ્રત કરે છે. ઉપવાસમાં મીઠાનો ઉપયોગ નથી કરતા. સાદગીવાળુ ભોજન કરે છે પાંચમા દિવસે ગોર બનાવી પૂજા કરી મનગમતુ વરદાન માંગે છે.

ગૌરી વ્રતનું મહત્વ

હિન્દુ ધર્મમાં ગૌરી વ્રતનું વિશેષ મહત્વ છે. આ વ્રત ખાસ કરીને ગુજરાતમાં કોડભરી કન્યાઓ તેમના જીવનની શરૂઆતમાં કરે છે ત્યાર પછી બીજા વ્રત કરવામાં આવે છે. ઇચ્છિત વર મેળવવા માટે આ વ્રત રાખે છે. ગૌરી વ્રતનું પાલન કરીને તેની યોગ્ય રીતે પૂજા કરવાથી ભક્તને ઈચ્છિત ફળ મળે છે.

ગોરમાં ગોરમાં રે સાસુ દેજો

ગોરમા ગોરમા રે, સસરાજી દેજો સવાદિયા તમે મારી ગોરમા.

ગોરમા ગોરમા રે, સાસુજી દેજો ભૂખાળવાં તમે મારી ગોરમા.

ગોરમા ગોરમા રે, કંથડો દેજો કહ્યાગરો તમે મારી ગોરમા.

ગોરમા ગોરમા રે, દેરાણી-જેઠાણીનાં જોડલાં તમે મારી ગોરમા.

ગોરમા ગોરમા રે, કાંઠા તે ઘઉંની રોટલી તમે મારી ગોરમા.

ગોરમા ગોરમા રે, માથે માળવિયો ગોળ રે તમે મારી ગોરમા.

ગોરમા ગોરમા રે, એટલું દેશો તો અમે પૂજશું તમે મારી ગોરમા.

ગોરમા ગોરમા રે, ભાવ ધરીને અમે પૂજશું તમે મારી ગોરમા.

ગોરમા ગોરમા રે, પૂજીને પાયે લાગશું તમે મારી ગોરમા


  • Follow us on: