• આ વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે લેવાય, ભગવાન શંકરની કેવડાથી પૂજા કરવી
  • એક જ દિવસ ભોલેનાથને ચડે છે કેવડો
  • આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને મનોવાંછિત ફળ મળે છે

હરતાલિકા તીજ કે કેવડાત્રીજનું વ્રત ખૂબ અઘરું હોય છે. આ વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે લેવાય છે. વ્રત કરનારે નિત્ય ક્રમમાંથી પરવારી, ભગવાન શંકરની કેવડાથી પૂજા કરવી. દિવસે નકોરડો ઉપવાસ કરવો અને આખો દિવસ કેવડો સૂંઘવો. આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને મનોવાંછિત ફળ મળે છે.આ વ્રતનું પૂર્ણ ફળ મળે તેના માટે કેટલાક નિયમોનો પાલન કરવો જરૂરી છે. ભાદરવા મહીનામાં ઘણા મુખ્ય તહેવાર અને પિતૃ પક્ષ પડે છે. ભાદરવા શુક્લ પક્ષની તૃતીયા તિથિને હરતાલિકા ત્રીજ કે કેવડાત્રીજ ઉજવાય છે. કેવડાત્રીજ વ્રત કુમારી અને સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ કરે છે.

હિંદુ ધર્મમાં હરતાલીકા તીજનું ઘણું મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ, હરતાલિકા તીજ ભાદ્રપદના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે હરતાલિકા તીજ મંગળવાર, 30 ઓગસ્ટ 2022 ના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે જો મહિલાઓ આ દિવસે સાચા દિલથી વ્રત રાખે છે તો તેમને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શંકરને મેળવવા માટે માતા પાર્વતીએ પણ આ વ્રત રાખ્યું હતું.

એક વખત કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતી સોગઠાબાજી રમવા બેઠાં હતા. રમત ખૂબ રસાકસીભરી જામી હતી. ત્યાંજ વચમાં પાર્વતીને કંઈક યાદ આવતાં ભગવાનને પૂછી બેઠાં,"સ્વામી, તમને પામવા માટે ક્યું વ્રત કર્યું હશે તે મને યાદ નથી."

ભોળાનાથે પાસા ફેંકતા કહ્યું, "હા, મને ખ્યાલ છે. એક વખત નારદજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત લીધેલી. ત્યારે નારદજીએ તમારા પિતાજી આગળ મારા ખૂબ વખાણ કર્યા હતા. એ વખતે તમે પણ ત્યાં હાજર હતા. તમે પણ મારા વખાણ સાંભળ્યા અને એ વખતે તમે મારી સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કર્યું. નારદજીએ વખાણ મારા કર્યા પણ તમારા પિતાનો આગ્રહ એવો હતો કે તમારા લગ્ન વિષ્ણુ સાથે થાય.આથી તમે નારદજી પર ખૂબ ગુસ્સે થયા."

ભોળાનાથ વધુમાં આગળ જણાવે છે કે ત્યાર બાદ તમે તમારી મુંજવણ તમારી સહેલીને કહી. સહેલીએ બધી ચિંતા છોડી વનમાં ફરવા જવાનો તમારી આગળ પ્રસ્તાવ મૂક્યો. જે તમે માન્ય રાખ્યો.

એ પછી તમે વનમાં ફરવા ગયા. ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો પડ્યો હતો. તમે એ માટીના ઢગલા આગળ આવીને બેઠાં અને સાથે રમતાં રમતાં માટીનું એક શિવલિંગ બનાવી દીધું. ત્યાર પછી તેની પૂજા કરવા માટે કેવડો, બીલીપત્ર વગેરે લાવ્યા. ભક્તિભાવે આ બધુ વસ્તુઓ શિવલિંગ પર ચઢાવી. ભાદરવા સુદ ત્રીજનો એ દિવસ હતો. તેમે એ દિવસે ગુસ્સામાં કઈ ખાધુ ન હતુ. છતાં તમે પ્રસન્ન ચિત્તે ભૂખ્યા પેટે પૂજા કરી. આથી હું તમારા પર પ્રસન્ન થયો અને તમને વરદાન માંગવા કહ્યું. ત્યારે તમે વિનમ્રભાવે ફક્ટ એટલું જ માંગ્યું કે હે ભોળાનાથ જો મેં આપને ખરા અંતરથી ભજ્યા હોય અને ખરા હ્રદયથી પ્રેમ કર્યો હોય તો આપ મારા સ્વામી બનો. તથાસ્તુ કહી પછી હું અદ્રશ્ય થઈ ગયો. ત્યારપછી તમારા પિતા તમને શોધતા ત્યાં આવી ચડ્યા અને તમને કંઈ પૂછે એ પહેલાં જ તમે એમને જણાવી દીધું કે હું તન-મનથી મારા ભોળા શંભુને વરી ચૂકી છું. માટે હવે હું અન્ય સાથે લગ્ન નહીં કરી શકું.

તમે જાણ્યે અજાણ્યે એ દિવસે મને કેવડાથી પૂજ્યો હતો એટલા માટે એ વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પણ પડ્યો અને થોડા દિવસમાં તેમણે તમારા લગ્ન મારી સાથે કરી દીધા.


  • Follow us on: