- વાસ્તુદોષને દૂર કરવા માટે વાસ્તુના કેટલાક નિયમો જરૂરી
- આ યંત્રથી વાસ્તુદોષનું નિવારણ થાય છે તેમજ સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે
- આર્થિક સમસ્યાઓ વધી જાય, ઘરમાં કંકાસ અને વાસ્તુદોષ હોય ત્યારે શ્રીયંત્રની પૂજા કરવી
ક્યારેક જીવનમાં વાસ્તુદોષના કારણે અપાર યાતનાઓ અને મુશ્કેલીઓ સહન કરવાનુ આવે છે તો ક્યારેક સમજમા નથી આવતુ કે આવુ કેમ થાય છે અથાગ મહેનત પછી જો નિષ્ફળતા મળે તો જાણી લેવુ કે ક્યાંક વાસ્તુદોષ તો નથી ને? વાસ્તુદોષને દૂર કરવા માટે વાસ્તુના કેટલાક નિયમો, યંત્ર અને મંત્રજાપ આપેલા છે જેનાથી જરૂર ફાયદો થાય છે.
લાભકારક યંત્રો
સંપૂર્ણ વાસ્તુદોષ નિવારણ યંત્ર
ઘર, ઓફિસ, ફેક્ટરી, દુકાન વગેરે જગ્યાએ વાસ્તુદોષ હોય અને કોઈપણ પ્રકારના ફેરફાર કરવા શક્ય ન હોય તો સંપૂર્ણ વાસ્તુદોષ નિવારણ યંત્રની વિધિસર પૂજા કરી, યંત્રને સિદ્ધ કરી, પૂર્વ દિશાની દીવાલ પર લગાવવું. આ યંત્રથી વાસ્તુદોષનું નિવારણ થાય છે તેમજ સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે.
શ્રી યંત્ર અને સંપૂર્ણ શ્રીયંત્ર
શ્રીયંત્રને મહાયંત્ર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આર્થિક સમસ્યાઓ વધી જાય, કોઈ ઉકેલ મળે નહીં અને ઘરમાં કંકાસ અને વાસ્તુદોષ હોય ત્યારે શ્રીયંત્રની પ્રાણપ્રતિષ્ઠા અને પૂજા કરાવીને સ્થાપના કરવી જોઈએ. ભૂ-પૃષ્ઠ શ્રીયંત્રને પૂર્વ અને ઉત્તર દિશામાં તથા મેરુપૃષ્ઠ શ્રીયંત્રને અગ્નિ ખૂણામાં રાખવું જોઈએ. દર પૂનમના દિવસે શ્રીસૂક્ત, પુરુષસૂક્ત અને લલીતા સહસ્ત્ર નામથી તેનું પૂજન-અર્ચન કરવું.
સંપૂર્ણ કુબેર યંત્ર
ઉત્તર દિશાના સ્વામી કુબેર છે. આથી આ યંત્રને હંમેશાં ઉત્તર દિશામાં રાખવું જોઈએ. ઉત્તર દિશામાં ટૉઇલેટ, બાથરૂમ, રસોડું, સીડીઓ હોય ત્યારે આ દિશાનો દોષ લાગે છે. આથી તેના નિરાકરણ માટે ઉત્તર દિશામાં આ યંત્ર લગાવવું અથવા મંદિરમાં મૂકીને દરરોજ તેનું પૂજન કરવું.
સંપૂર્ણ કષ્ટનિવારણ યંત્ર
ઘર, દુકાન, ફેક્ટરી અથવા કોઈપણ જગ્યામાં કામ કરવા છતાં ધાર્યું પરિણામ ન મળે અને હંમેશાં અપજશ જ મળતો હોય તો ઘરની પૂર્વ અથવા પશ્ચિમ દિશાની દીવાલ પર આ યંત્રની સ્થાપના કરવી અને રોજ ગૂગળ, લોબાન અને કપૂરનો ધૂપ આપવાથી દરેક કષ્ટમાંથી મુક્તિ મળે છે.
કાલી યંત્ર
દક્ષિણ દિશાનો દોષ હોય, નૈઋત્ય ખૂણામાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી હોય, ઘરમાં બાળકોની પ્રગતિ રૂંધાયેલી હોય તથા આર્થિક મુશ્કેલી હોય ત્યારે ઘરમાં કાલી યંત્રની સ્થાપના કરવાથી દોષનું નિવારણ થાય છે.
દુર્ગા યંત્ર
ઘરમાં કોઈપણ પ્રકારનો દોષ હોય, ઘર અથવા બાળક કે ઘરની વ્યક્તિ કોઈ ખરાબ નજરથી ટોકાઈ જતી હોય અને કામ થવામાં તકલીફ થતી હોય ત્યારે ઘરના મંદિરમાં દુર્ગા યંત્રની સ્થાપના કરવાથી દરેક દિશામાં સફળતા મળે છે અને રક્ષણ થાય છે.