- દક્ષિણ ભારતમાં 'ભૂમિ એકાદશી' અને 'ભીષ્મ એકાદશી' તરીકે ઓળખવામાં આવે
- જયા એકાદશી 1 ફેબ્રુઆરીએ જ ઉજવવામાં આવશે
- 2 ફેબ્રુઆરીએ સવારે વ્રતનું પારણું કરવામાં આવશે.
શાસ્ત્રો અનુસાર એકાદશી વ્રતને તમામ ઉપવાસોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. એક મહિનામાં બે એકાદશી આવે છે. જયા એકાદશી મહા મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે. જે આ વર્ષે 1 ફેબ્રુઆરીએ આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે
એકાદશીને લઇને એવુ માનવામાં આવે છે કે જે કોઈ આ દિવસે વ્રત રાખે છે તેમની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. તે વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે. જ્યારે આ એકાદશીને દક્ષિણ ભારતમાં 'ભૂમિ એકાદશી' અને 'ભીષ્મ એકાદશી' તરીકે ઓળખવામાં આવે છે. 1 ફેબ્રુઆરીએ સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. તેથી જ આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે.
એકાદશીની સાથે સાથે સર્વાથ સિદ્ધિ યોગ હોવાથી આ દિવસે વિષ્ણુપૂજા સાથે લક્ષ્મીપૂજાનું મહત્ત્વ
વૈદિક પંચાંગ મુજબ, જયા એકાદશી 31 જાન્યુઆરી, 2023 ના રોજ રાત્રે 11.52 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 01 ફેબ્રુઆરી, 2023 ના રોજ બપોરે 02.02 વાગ્યે સમાપ્ત થશે. તેથી, ઉદયતિથિને માનીને, જયા એકાદશી 1 ફેબ્રુઆરીએ જ ઉજવવામાં આવશે. એટલા માટે શુભ સમય સવારે 7 થી 9 સુધીનો રહેશે. આ સાથે 2 ફેબ્રુઆરીએ સવારે વ્રતનું પારણું કરવામાં આવશે.
સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે
જયા એકાદશીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાઈ રહ્યો છે. આ યોગ 1લી ફેબ્રુઆરીએ સવારે 07.11 વાગ્યાથી શરૂ થશે અને 2જી ફેબ્રુઆરીની મધ્યરાત્રિ 03.22 સુધી રહેશે. આ યોગ જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ યોગમાં કરવામાં આવેલ કોઈપણ કાર્ય સિદ્ધ થાય છે.
જયા એકાદશી પૂજાવિધિ
આ દિવસે વહેલી સવારે સ્નાન કરો અને પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી, ભગવાન વિષ્ણુની ભાવપૂર્વક પૂજા અર્ચના કરો. અગરબત્તી-દીપ પ્રગટાવી ભગવાન વિષ્ણુને પીળું ચંદન ચઢાવો. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. જો શક્ય હોય તો,એકાદશીની રાત્રે જાગરણ કરો અને મનમાં હરિના નામનો જાપ કરો. આ સાથે દ્વાદશીના બીજા દિવસે જરૂરિયાતમંદ અને બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન અને દક્ષિણા આપો.