- દર વર્ષે આસો વદ ચતુર્થીના રોજ કરવા ચોથનું વ્રત રાખવામાં આવે
- સૌભાગ્યવતી મહિલાઓ પતિના દીર્ઘાયુષ્યની કરે પ્રાર્થના
- 13 ઓક્ટોબરના રોજ કરવા ચોથનું વ્રત રાખવામાં આવશે
પંચાંગ અનુસાર, દર વર્ષે આસો વદ ચતુર્થીના રોજ કરવા ચોથનું વ્રત રાખવામાં આવે છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખે છે અને તેમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ વર્ષે વૃદ્ધિ તિથિ અનુસાર, 13 ઓક્ટોબરના રોજ કરવા ચોથનું વ્રત રાખવામાં આવશે. તે જ સમયે, આ દિવસે ઘણા વિશેષ સંયોગો બની રહ્યા છે. જેમાંથી સૌથી શુભ સંયોગ લક્ષ્મી-નારાયણ યોગ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યોગમાં પૂજા કરવાથી પતિ-પત્નીના સંબંધો મધુર રહે છે. ચાલો જાણીએ શુભ સમય, યોગ અને પૂજા- પદ્ધતિ...
શુભ મુહૂર્ત
રોહિણી નક્ષત્રમાં ચંદ્રની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે વૈદિક કેલેન્ડર મુજબ રોહિણી નક્ષત્રનો પ્રારંભ કરવા ચોથના દિવસે સાંજે 6.41 કલાકે થઈ રહ્યો છે. તેથી, આ સમય પછી જ પૂજા કરવી શુભ રહેશે. જે લોકોની કુંડળીમાં ચંદ્ર દોષ હોય અથવા ચંદ્ર નબળી રાશિમાં બેઠો હોય, તે લોકો પણ આ નક્ષત્રમાં ચંદ્રની વિશેષ પૂજા કરી શકે છે.
કથા સાંભળવાનું મુહૂર્ત
શાસ્ત્રો અનુસાર આ દિવસે કરવા ચોથની કથા સાંભળવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જો મહિલાઓ કરવા ચોથની પૌરાણિક કથા ન સાંભળે તો વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. તેથી આ દિવસે બપોરે 12.02 થી 12.49 સુધી કથાનો શુભ મુહૂર્ત અભિજિત મુહૂર્ત થવાનો છે. આ સમયે કથા સાંભળવી ફાયદાકારક રહેશે. કથા પહેલા પૂજાની થાળી અવશ્ય શણગારવી.
ગ્રહોનો વિશેષ સંયોગ રચાઈ રહ્યો છે
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે શનિ, બુધ અને ગુરુ પોતપોતાની રાશિઓમાં સ્થિત છે. સૂર્ય અને બુધ પણ સાથે બેઠા છે. જેના કારણે બુધાદિત્ય યોગ પણ બની રહ્યો છે. સાથે જ લક્ષ્મી નારાયણ યોગ પણ બની રહ્યો છે. આ યોગ બનવાથી પતિ-પત્ની વચ્ચે પરસ્પર સંબંધ અને વિશ્વાસ વધુ મજબૂત થશે. આ દિવસે, ચંદ્ર તેની ઉચ્ચ રાશિ વૃષભમાં રહેશે. જેના કારણે કરવામાં આવેલી પ્રાર્થના જલ્દી સ્વીકારવામાં આવશે.