• મહાશિવરાત્રિના દિવસે વહેલી સવારે 4 વાગ્યે મંદિરના કપાટ ખુલશે
  • મહાશિવરાત્રિને લીધે સોમનાથ મંદિર સતત 42 કલાક ખુલ્લું રહેશે
  • બે હજાર વાહનો પાર્ક થાય તેવી પાર્કિંગ વ્યવસ્થા પણ ગોઠવાઇ છે

આ વર્ષે 18 ફેબ્રુઆરી 2023, શનિવારના મહાશિવરાત્રિ ઉજવવામાં આવશે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ટ્રસ્ટ પણ ભક્તોને આવકારવા ઉત્સુક છે. મહાશિવરાત્રિને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. મહાશિવરાત્રિના સોમનાથ દાદાના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે. જેને ધ્યાનમાં રાખતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાશિવરાત્રિએ સોમનાથ મંદિર સતત 42 કલાક ખુલ્લું રહેશે.

આરતી અને મહાપૂજા નિશ્ચિત સમયે થશે

મહાશિવરાત્રિએ મોટી સંખ્યામાં ભક્તોનો સોમનાથ મહાદેવના દર્શને કરવા આવતા હોય છે. જેથી વહેલી સવારે 4:00 કલાકે મંદિરના કપાટ ખુલી જશે. જે સતત 42 કલાક ખુલ્લા રહેશે તથા ચારેય પ્રહરની આરતી અને મહાપૂજા નિશ્ચિત સમયે થશે. મહાશિવરાત્રિને લઈને સોમનાથ મંદિરમાં મહામૃત્યુંજય યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટે 17થી 19 ફેબ્રુઆરી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કર્યું છે.


ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે

સોમનાથ મંદિરમાં પાલખી યાત્રા, જ્યોતપૂજન, ચાર પ્રહરનું વિશેષ પૂજન, આરતી સહિત ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ મહાશિવરાત્રિને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. ભક્તોને તકલીફ ન થાય તેની પૂરેપૂરી કાળજી લેવામાં આવી છે. 2 હજાર જેટલા વાહનો પાર્ક થઈ શકે તે માટે વિશાળ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

મહાશિવરાત્રિનું મહત્ત્વ

મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા અને ઉપવાસ કરવાનું વિશેષ મહત્ત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શિવ આ દિવસે જ લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હતા. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. મહાશિવરાત્રિએ અપરિણીત છોકરીઓ આખો દિવસ ઉપવાસ રાખે છે અને યોગ્ય વર મેળવવા માટે ભગવાન શિવને પ્રાર્થના કરે છે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર જળાભિષેક અને રુદ્રાભિષેક કરવાથી તમામ પ્રકારની ખુશીઓ અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. મહાશિવરાત્રિના સવારથી જ શિવ મંદિરોમાં શિવભક્તોનો ઘોડાપૂર જોવા મળે છે.

મહાશિવરાત્રિની પૂજન વિધિ

બારેય મહિનામાં આવતી શિવરાત્રિ કરતા મહા મહિનામાં આવતી શિવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે એટલે જ તેને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. આ દિવસે સવારે વહેલા ઊઠીને પૂજાનું વ્રત લઈને નજીકના શિવ મંદિરમાં જવું. ત્યારબાદ મનમાં ભગવાન શિવ અને માતા પાર્વતીનું ધ્યાન કરતા શિવલિંગ પર જળાભિષેક કરો. મહાશિવરાત્રિના શિવ પૂજા દરમિયાન ભગવાન શિવને અક્ષત, સોપારી, દૂધ, દહીં, મધ, ઘી, ધતુરા વગેરે અર્પણ કરો. પૂજા દરમિયાન શિવ મંત્રનો જાપ કરતા રહો.

  • Follow us on: