• શિવાલયોમાં કમળના દર્શન, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે
  • શનિવારે શ્રાવણ નક્ષત્ર, વ્યતિપાત-વરિયાન યોગ સાથે ઉજવણી
  • રાત્રિએ 12.39થી 01.25નો નિશિથકાળ

મહાદેવ, નીલકંઠ, ભોલેનાથ સહિતના સંખ્યાબંધ નામો સાથે શ્રાદ્ધાળુઓના દિલમાં વસી ગયેલા ભગવાન શિવની આરાધનાના પવિત્ર અવસર મહાશિવરાત્રીની 18 ફેબ્રુઆરીના શનિવારે રંગારંગ ઉજવણી થશે. ધાર્મિક અનુષ્ઠાનો અને કાર્યક્રમો સાથે થનારી ઉજવણીને લઇને શ્રાદ્ધાળુઓમાં ઉત્સાહની લાગણી વ્યાપી ગઇ છે. દરમિયાન આ વર્ષે શનિપ્રદોષ સાથે મહાશિવરાત્રી મહાપર્વની ઉજવણી થશે.

શનિવારે શ્રાવણ નક્ષત્ર અને વ્યતિપાત-વરિયાન યોગ સાથે મહાશિવરાત્રી પર્વ ઉજવાશે. જેમાં રાત્રિએ 12.39થી 01.25 વાગ્યા સુધીનો નિશિથકાળ રહેશે. મહાશિવરાત્રીને પગલે શિવાલયોમાં કમળના દર્શન, મહાઆરતી સહિતના આયોજનો માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

મહાશિવરાત્રી પર્વ વેળાએ શિવાલયોમાં રુદ્રી, શિવમહિમ્ન સ્ત્રોતના પાઠ અને શિવતાંડવ સ્ત્રોતથી ભગવાન શિવની આરાધના થાય છે. આખા વર્ષમાં 12 શિવરાત્રી આવે છે. મહા વદ પક્ષની ચૌદશે આવતી મહાશિવરાત્રીનું મહત્ત્વ અનેરું છે. ત્યારબાદ શ્રાાવણ માસની શિવરાત્રીનું મહત્ત્વ હોય છે. આ વર્ષે શનિપ્રદોષ સાથે મહાશિવરાત્રી ઉજવાશે. શનિવારે રાત્રિએ 08.03વાગ્યા સુધી તેરસની તિથિ છે અને ત્યારપછી ચૌદશની તિથિ શરૂ થઇ રહી છે. તેમ જોઇએ તો પ્રદોષને પગલે શનિવારે તેરસમાં મહાશિવરાત્રી ઉજવાશે. શનિવારે સાંજે 7.36 સુધી વ્યતિપાત અને પછી વરિયાન યોગ રહેશે. સાંજે 5.42સુધી ઉત્તરાષાઢા બાદ શ્રાવણ નક્ષત્ર રહેશે. રવિવારે ચૌદશ રહેશે અને 20 ફેબ્રુઆરીના રોજ સોમવતી અમાસ છે.

શનિપ્રદોષ હોવાની સાથે હનુમાનજીનું પૂજન-અર્ચન પણ થશે. ધાર્મિક મહત્ત્વ પ્રમાણે, સૂર્યાસ્ત પછીની રાત્રિ એટલે કે શિવરાત્રીની ઉજવણી થાય છે. શિવરાત્રીએ ચાર પ્રહરની પૂજાનું ભારે મહત્ત્વ હોય છે. રાત્રિએ સૂર્યાસ્ત પછી જ પ્રહરની પૂજા શરૂ થાય છે. રાત્રિએ 12થી 3 વાગ્યા સુધીના ત્રીજા પ્રહરમાં મહાદેવને ઘીના કમળ ચઢે છે. સવારે ચોથા એટલે કે સૂર્યોદય પહેલાના 3થી 6 વાગ્યા સુધીના પ્રહરમાં પણ પૂજા થાય છે.


  • Follow us on: