મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી 2025ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે, શિવ ભક્તો ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ધાર્મિક વિધિપૂર્વક પૂજા કરે છે અને તેમને વિવિધ પ્રકારના ફૂલો, બીલી પત્ર અને માળા અર્પણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવું ફૂલ છે જેને ભગવાન શિવને ચઢાવવાની મનાઈ છે.


આ ફૂલ કેતકીનું ફૂલ છે. શાસ્ત્રોમાં આ ફૂલ શિવલિંગને અર્પણ કરવું વર્જિત માનવામાં આવ્યું છે. ખરેખર, તેની પાછળ એક ખૂબ જ રસપ્રદ પૌરાણિક કથા છે. ચાલો જાણીએ કે શિવલિંગ પર કેમ કેતકીનું ફૂલ ચઢાવવામાં આવતું નથી અને આ ફૂલને કયો શ્રાપ મળ્યો છે. જાણો પૌરાણિક કથા...

કેતકી ફૂલને લગતી પૌરાણિક કથા

કેતકી ફૂલ અને ભગવાન શિવની આ વાર્તા ત્રેતાયુગ સાથે સંબંધિત છે અને શિવપુરાણમાં પણ કહેવામાં આવી છે. કથા અનુસાર, એક સમય એવો હતો જ્યારે ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે શ્રેષ્ઠ કોણ છે તે અંગે વિવાદ ચાલતો હતો. કોણ શ્રેષ્ઠ છે અને કોની વધુ પૂજા કરવી જોઈએ તે અંગે બંને વચ્ચે દલીલો શરૂ થઈ. ત્યારે આ વિવાદને ઉકેલવા માટે ભગવાન શિવ અગ્નિના વિશાળ સ્તંભ (જ્યોર્તિલિંગ)ના રૂપમાં પ્રગટ થયા. આ જ્યોતિર્લિંગ એટલું મોટું અને દિવ્ય હતું કે તેનો અંત કે શરૂઆત દેખાતી ન હતી. ભગવાન શિવે બ્રહ્મા અને વિષ્ણુને કહ્યું કે જે આ જ્યોતિર્લિંગનો અંત અથવા આરંભ શોધશે તે શ્રેષ્ઠ માનવામાં આવશે.

જ્યોતિર્લિંગનો અંત અને આરંભ શોધવાનો પ્રયાસ

આ પછી ભગવાન વિષ્ણુએ વરાહનું રૂપ ધારણ કર્યું અને પૃથ્વીના ગર્ભમાં જઈને આ જ્યોતિર્લિંગની શરૂઆત શોધવાનો પ્રયાસ કર્યો. ભગવાન બ્રહ્માએ હંસના રૂપમાં આકાશમાં ઉડાન ભરી અને આ જ્યોતિર્લિંગનો અંત શોધવાનો પ્રયાસ કર્યો. પરંતુ બંને ભગવાન, વિષ્ણુ અને બ્રહ્મા જ્યોતિર્લિંગની શરૂઆત અને અંત શોધી શક્યા નહીં. ભગવાન વિષ્ણુએ હાર સ્વીકારી અને ભગવાન શિવને સત્ય કહ્યું કે તેઓ તેનું મૂળ શોધી શક્યા નથી. ભગવાન બ્રહ્મા આકાશમાં ઉંચા ને ઉંચા ઉડતા રહ્યા, પરંતુ તેઓ શિવલિંગનો અંત પણ શોધી શક્યા નહીં. પરંતુ બ્રહ્માજીએ હાર ન માની, બલ્કે કેતકી પુષ્પથી એક નવી વાર્તા રચી.

કેતકી ફૂલની ખોટી જુબાની

દંતકથા અનુસાર, બ્રહ્માજીને છેડો મળ્યો ન હતો, પરંતુ કેતકીનું ફૂલ મળ્યું હતું. બ્રહ્માજીએ ફૂલને સાક્ષી બનવા કહ્યું અને જણાવ્યુ કે તેમને શિવલિંગનો અંત મળી ગયો છે. કેતકીના પુષ્પને આ વિશે કંઈ ખબર ન હોવા છતાં બ્રહ્માજીએ તેને જૂઠું બોલવા માટે દબાણ કર્યું. તેમણે કહ્યું કે આ ફૂલ એ વાતનું સાક્ષી છે કે તેમને શિવલિંગનો છેડો મળ્યો છે. ભગવાન શિવ પોતે સમગ્ર સત્ય જાણતા હતા. કેતકીની ખોટી જુબાની પર તે ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપ્યો કે હવેથી આ ફૂલનો ઉપયોગ ભગવાન શિવની પૂજામાં ક્યારેય નહીં થાય. એવું પણ કહેવાય છે કે ભગવાન શિવે ક્રોધમાં બ્રહ્માજીને શ્રાપ આપ્યો હતો.


  • Follow us on: