• એપ્રિલના આરંભે જન્મોત્સવની રોનક, મહાવીર, હાટકેશ્વર, હનુમાન જયંતીની તૈયારી
  • મંગળવારે મહાવીર જયંતીએ જૈન સંઘોમાં ચૈત્ય પરિપાટી સહિતનાં આયોજનો
  • ગુરુવારે ચૈત્રી પૂનમે હનુમાન મંદિરોમાં ધાર્મિક અનુષ્ઠાનોની ભરમાર

આદ્યશક્તિની સાધના, ઉપાસના અને ધાર્મિક અનુષ્ઠાનો સાથે ચૈત્રી નવરાત્રિ પર્વનું સમાપન થયું છે. હવે એપ્રિલ માસના આરંભે પ્રથમ અઠવાડિયામાં જ જન્મોત્સવની રોનક જોવા મળશે. મહાવીર જયંતી, હાટકેશ્વર જયંતી, હનુમાન જયંતી સહિતના ધાર્મિક પર્વોને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંગળવારે મહાવીર જયંતીએ જૈન સંઘોમાં ચૈત્ય પરિપાટી સહિતના આયોજનો કરાયા છે. જ્યારે ગુરુવારે ચૈત્રી પૂનમે હનુમાન જયંતીને પગલે મંદિરોમાં હવન, મહાઆરતી, મહાપ્રસાદી સહિતના ધાર્મિક અનુષ્ઠાનોની ભરમાર જોવા મળશે.

એપ્રિલ માસના પ્રથમ અઠવાડિયામાં શનિવારે કામદા એકાદશી, રવિવારે વિષ્ણુદમનોત્સવ બાદ મંગળવારે મહાવીર જયંતી જન્મકલ્યાણકની ઉજવણી થશે. મંગળવારે જ નૃસિંહ દોલોત્સવ, બુધવારે શિવદમનોત્સવ, હાટકેશ્વર જયંતી, વ્રતની પૂનમ ઉજવાશે. ગુરુવારે ચૈત્રી પૂર્ણિમા સાથે જ હનુમાન જયંતી, બહુચરાજીનો મેળો, આયંબિલ ઓળીનું સમાપન થશે. હાટકેશ્વર જયંતી, મહાવીર જયંતી અને હનુમાન જયંતીની ધાર્મિક સ્થાનો પર રંગારંગ ઉજવણી થશે.

પંડિતોના જણાવ્યા મુજબ, ભગવાન મહાવીરનો જન્મ બિહાર રાજ્યના ક્ષત્રિયકુંડ ગામમાં ભારતીય પંચાગ પ્રમાણે ચૈત્ર સુદ તેરસે થયો હતો. આ દિવસે દરેક સંઘોમાં સવારે પ્રભાતફેરી, ચૈત્ય પરિપાટી, પ્રભુ મહાવીર સ્વામીના જીવનની કથા, સાંસ્કૃતિક કાર્યક્રમો, વ્યાખ્યાનમાં જીવનચરિત્રની વાતો, બપોરે જાપ, વાંચન અને દરેક સંઘમાં લાડુ, પેંડાની પ્રભાવના કરવામાં આવે છે.

આ દિવસે અનુકંપા દાન, ગરીબ લોકોને દાન સહિતના સેવાકાર્યોની સોડમ રેલાઇ છે. પાંજરાપોળ વગેરેમાં જીવદયાના કાર્યો, સાંજે પ્રભુજીને ભવ્ય આંગી, રાત્રે ભક્તિ ભાવના સાથે આખો દિવસ ધાર્મિક મહોત્સવ જેવો માહોલ જોવા મળે છે.

હનુમાન જયંતીએ હનુમાન મંદિરોમાં દિવસભર ભીડ દેખાશે

ચૈત્રી પૂર્ણિમાએ હનુમાન જયંતીની રંગારંગ ઉજવણી કરવામાં આવે છે. જે મુજબ સુરતમાં કૈલાસનગર સ્થિત ક્ષેત્રપાળ હનુમાન મંદિર, લંબે હનુમાન મંદિર, કથેરીયા હનુમાન, ઝટપટિયા હનુમાન, લંકાવિજય હનુમાન સહિતનાં મંદિરોમાં વહેલી સવારથી મોડી રાત્રી સુધી ભક્તોની ભીડ જોવા મળશે. હનુમાન મંદિરોમાં સવારે હવન, યજ્ઞ બાદ સાંજે સંધ્યા આરતી, ભજનસંધ્યા જેવા આયોજનો કરવામાં આવશે. હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી માટે હનુમાન મંદિરોમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.


  • Follow us on: