હિંદુ ધર્મમાં પંચાંગ અને જ્યોતિષશાસ્ત્રનું વિશેષ મહત્વ છે. હિંદુ પંચાંગ મુજબ દર મહિને પંચક કાળ આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર પંચક દરમિયાન કેટલાક શુભ અને માંગલિક કાર્યો કરવાની મનાઈ હોય છે, જ્યારે અમુક કાર્યો કરવાથી શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. નવેમ્બર 2026માં પંચકની શરૂઆત 17 નવેમ્બરથી થવા જઈ રહી છે.

આ વખતે પંચકનો પ્રારંભ મંગળવારથી થઈ રહ્યો હોવાથી તેને અગ્નિ પંચક કહેવામાં આવશે. 17 નવેમ્બરની મોડી રાતથી શરૂ થનારું પંચક 22 નવેમ્બરની સવારે પૂર્ણ થશે. આ પાંચ દિવસ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કયા કાર્યો કરવાથી બચવું જોઈએ, ચાલો જાણીએ.

અગ્નિ પંચક શું છે અને ક્યારે શરૂ થશે?

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ચંદ્ર ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારથી પંચકની શરૂઆત થાય છે. ત્યારબાદ ચંદ્ર શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાંથી પસાર થઈ રેવતી નક્ષત્ર સુધી પહોંચે છે. આ સમગ્ર સમયગાળાને પંચક કહેવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્રમાં અઠવાડિયાના દિવસ પ્રમાણે પંચકના અલગ-અલગ પ્રકાર માનવામાં આવ્યા છે. જો પંચકની શરૂઆત મંગળવારથી થાય તો તેને અગ્નિ પંચક કહેવામાં આવે છે. નવેમ્બર મહિનામાં 17 નવેમ્બર, મંગળવારથી અગ્નિ પંચક શરૂ થશે અને 22 નવેમ્બરની સવારે તેની પૂર્ણાહુતિ થશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અગ્નિ પંચક દરમિયાન આગ, લાકડાં અને બાંધકામ સંબંધિત કાર્યોમાં વિશેષ સાવચેતી રાખવી જોઈએ.

અગ્નિ પંચક દરમિયાન કયા કામ ન કરવા જોઈએ?

લાકડાં સંબંધિત કામ ટાળવું:

ધાર્મિક માન્યતાઓ અનુસાર અગ્નિ પંચક દરમિયાન લાકડાં સંબંધિત કામ કરવાનું ટાળવું જોઈએ. આ સમયગાળા દરમિયાન લાકડાં એકત્રિત કરવા, લાકડાનું ફર્નિચર ખરીદવા અથવા નવું ફર્નિચર બનાવવાનું અશુભ માનવામાં આવે છે.

આગ અને જોખમી કામથી દૂર રહેવું:

અગ્નિ પંચક દરમિયાન આગ સાથે જોડાયેલાં જોખમી કામ કરવામાં સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. ઘરમાં ગેસ સિલિન્ડર, વીજળીનાં સાધનો અને રસોડામાં આગ સંબંધિત કામ કરતી વખતે વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

ઘરની છતનું બાંધકામ ન કરાવવું:

જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર પંચક દરમિયાન ઘરની છત બનાવવાનું કામ ટાળવું જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં આર્થિક મુશ્કેલીઓ અને પારિવારિક વિવાદો ઊભા થઈ શકે છે.

દક્ષિણ દિશામાં મુસાફરી ટાળવી:

વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રની માન્યતાઓ અનુસાર અગ્નિ પંચક દરમિયાન દક્ષિણ દિશામાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. દક્ષિણ દિશાને યમરાજની દિશા માનવામાં આવે છે. જો કોઈ કારણસર મુસાફરી કરવી અનિવાર્ય હોય તો હનુમાનજીની પૂજા કરીને અને તેમને ફળ અર્પણ કરીને પ્રવાસ શરૂ કરવાની માન્યતા છે.

અગ્નિ પંચક દરમિયાન કયા શુભ કાર્યો કરવા જોઈએ?

હનુમાનજી અને ભગવાન શિવની પૂજા:

અગ્નિ પંચકના પાંચ દિવસ દરમિયાન હનુમાનજી અને ભગવાન શિવની આરાધના કરવી શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર તેમની પૂજા કરવાથી જીવનનાં સંકટો દૂર થાય છે અને મનમાંથી ભય દૂર થાય છે.

કોર્ટ-કચેરી સંબંધિત કામ:

જ્યોતિષશાસ્ત્ર અનુસાર અગ્નિ પંચકના પાંચ દિવસ કોર્ટ-કચેરી અને કાયદાકીય કામો માટે અનુકૂળ માનવામાં આવે છે. લાંબા સમયથી અટવાયેલા કાયદાકીય મામલાઓમાં પ્રગતિ થવાની માન્યતા છે. સરકારી કામકાજ પૂર્ણ કરવા માટે પણ આ સમય ઉપયોગી માનવામાં આવે છે.

દાન-પુણ્ય કરવું:

પંચક દરમિયાન જરૂરિયાતમંદ લોકોને ગોળ, અનાજ અને લાલ રંગનાં વસ્ત્રોનું દાન કરવું શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર દાન કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને સકારાત્મકતા વધે છે.

યોગ અને ધ્યાન કરવું:

આ પાંચ દિવસ દરમિયાન યોગ, ધ્યાન, મંત્રજાપ અને અન્ય આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરી શકાય છે. તેનાથી મનને શાંતિ મળે છે અને આધ્યાત્મિક પ્રગતિમાં મદદ મળે છે.

આ પણ વાંચો: Dwidwadash Yog 2026: સૂર્યના વૃશ્ચિક રાશિમાં પ્રવેશથી બનશે દ્વિદ્વાદશ યોગ, 3 રાશિના કરિયર અને આર્થિક સ્થિતિ પર પડશે અસર!

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)