આ દિવસને “અબૂઝ મુહૂર્ત” વણજોયુ મુહૂર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસે કરવામાં આવેલા દરેક શુભ કાર્યનું ફળ અક્ષય એટલે કે ક્યારેય સમાપ્ત ન થતું માનવામાં આવે છે. આ જ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ થયો હતો અને આ દિવસને સત્યયુગ અને ત્રેતાયુગના આરંભ સાથે પણ જોડવામાં આવે છે.
મહાભારત કાળમાં પણ આ દિવસનું વિશેષ મહત્વ
મહાભારત કાળમાં પણ આ દિવસનું વિશેષ મહત્વ છે, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોને અક્ષય પાત્ર આપ્યું હતું, જેમાં ક્યારેય અન્નની કમી થતી નહોતી. માન્યતા મુજબ આ દિવસે કરાયેલ દાન, જપ, તપ અને પૂજા અનેક ગણું ફળ આપે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન-ધાન્ય અને સૌભાગ્ય વધે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી અને સોનું અથવા સોનાના આભૂષણ ખરીદવા ખૂબ શુભ માનવામાં આવે છે.
અક્ષય તૃતીયા 2026 ક્યારે છે?
પંચાંગ મુજબ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિ 19 એપ્રિલે સવારે 10:48 વાગ્યે શરૂ થશે અને 20 એપ્રિલે સવારે 07:27 વાગ્યે પૂર્ણ થશે. તેથી અક્ષય તૃતીયા 19 એપ્રિલે ઉજવાશે.
સોનું ખરીદવાનો શુભ સમય
અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવા માટે શુભ સમય 19 એપ્રિલે સવારે 10:49 વાગ્યાથી લઈને 20 એપ્રિલે સવારે 05:51 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન ખરીદી કરવી શુભ માનવામાં આવે છે.
ધાર્મિક મહત્વ
અક્ષય તૃતીયા હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર અને પુણ્યદાયી તહેવાર છે. આ દિવસે કરેલા સારા કાર્યોનું ફળ ક્યારેય ઓછું થતું નથી એવી માન્યતા છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા વિશેષ ફળદાયી ગણાય છે. સાથે જ આ દિવસ સ્વયંસિદ્ધ મુહૂર્ત હોવાથી લગ્ન, ગૃહપ્રવેશ, નવો વ્યવસાય કે રોકાણ જેવા શુભ કાર્યો પણ કરી શકાય છે.
આ પણ વાંચો: Budh Mangal Yuti : 11 એપ્રિલે બુધ-મંગળનો ખાસ સંયોગ, આ રાશિને સફળતાનો અવસર
Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)